ટિકિટચેકર્સ ૬ ડિસેમ્બરે ગાજ્યા પણ વરસ્યા નહીં

Published: 8th December, 2012 08:23 IST

મહાપરિનિર્વાણ દિને રેલવેએ માત્ર ૩૯૬ ખુદાબક્ષોને પકડ્યા : આરપીએફના જવાનોને સાદા ગણવેશમાં આંબેડકરના બેજ સાથે તહેનાત કરવામાં આવ્યા
ગુરુવારે ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમની સમાધિ ચૈત્યભૂમિ પર શ્રદ્ધાંજલિ આપવા આવેલા મુસાફરોના વિરોધ છતાં સેન્ટ્રલ રેલવેએ જુદાં-જુદાં સ્ટેશનો પર ટિકિટચેકર્સ (ટીસી) મૂક્યા હતા. જોકે કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે તમામ સ્ટેશનો પર વધુ સંખ્યામાં સિક્યૉરિટીના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. વિવિધ રેલવે-સ્ટેશનો પર લોકલ ટ્રેનોમાં વધુ લોકો મુસાફરી કરતા હોવા છતાં ૬ ડિસેમ્બરે રેલવે ઑથોરિટી માત્ર ૩૯૬ ખુદાબક્ષોને પકડી શકી હતી.

સેન્ટ્રલ રેલવેએ સામાન્ય દિવસોમાં હોય એટલા જ ટીસીને મૂક્યા હતા. એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે ટીસીને જણાવ્યું હતું કે તેમણે સામાન્ય દિવસોમાં કરતા હોય એ પ્રમાણે જ કામ કરવું, પરંતુ કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એનું ધ્યાન રાખવું. વળી દાદર, સીએસટી તથા કલ્યાણ જેવાં સ્ટેશનો પર મોટા પ્રમાણમાં રેલવે પ્રોટેક્શન ર્ફોસ (આરપીએફ)ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.’

૪ ડિસેમ્બરે મુંબઈ ડિવિઝનમાં ૧૪૮૪ ખુદાબક્ષોને પકડીને ૪,૮૯,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો, જ્યારે ૫ ડિસેમ્બરે ટિકિટ વગરના ૧૪૩૬ લોકોને પકડીને તેમને ૪,૫૧,૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો. જોકે ૬ ડિસેમ્બરે ટિકિટ વગરના માત્ર ૩૯૬ લોકોને પકડીને તેમની પાસેથી ૧,૧૦,૬૭૭ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે મુસાફરોને ટિકિટ લઈને યાત્રા કરવા માટેની જાહેરાત પણ સેન્ટ્રલ રેલવેએ કરી હતી અને જો ટિકિટ વગર મુસાફરી કરતાં પકડાશે તો દંડ પણ લેવામાં આવશે. લોકોની સૌથી વધુ ભીડવાળા દાદર સ્ટેશન પર ૨૦ ટીસી રાખવામાં આવ્યા હતા. આરપીએફના એક અધિકારીએ કહ્યું હતું કે કેટલાંક સ્ટેશનો પર આરપીએફના જવાનોને સાદા ગણવેશમાં તેમ જ આંબેડકરના બૅજ સાથે રાખવામાં આવ્યા હતા, જેથી જો કોઈ પ્રૉબ્લેમ થાય તો તેઓ દરમ્યાનગીરી કરી શકે.

રેલવે-અધિકારીએ કહ્યું હતું કે ‘સ્ટેશન પર ટ્રેન એક કરતાં વધુ મિનિટ ઊભી રહેતી હતી જેથી લોકો સરળતાથી ઊતરી જાય. કેટલીક ટ્રેનોને તો ત્રણ કરતાં વધુ મિનિટ માટે ઊભી રાખવામાં આવી હતી એટલે ૬ ડિસેમ્બરે લોકલ સમયસર દોડતી નહોતી.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK