નાલાસોપારામાં પતિએ બનાવ્યો પત્ની માટે ફાંસીનો ફંદો

Published: 4th December, 2012 05:49 IST

પિયરેથી પૈસા ન લાવી આપવાનું કહીને ઢોરમાર માર્યો અને બે વર્ષના દીકરાને પણ જમીન પર પટકીને જખમી કર્યો : અંતે મોકો જોઈને પુત્ર સાથે ભાગીને જીવ બચાવ્યો
નાલાસોપારામાં એક પતિ તેની પત્ની પાસે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ૫૦,૦૦૦ રૂપિયા માગી રહ્યો હતો અને પત્નીએ ના પાડતાં તેને ઢોરમાર મારીને તેને માટે ફાંસીનો ફંદો તૈયાર કર્યો અને તેના બે વર્ષના દીકરાને જમીન પર પટકી-પટકીને માર્યો હતો.

નાલાસોપારા (ઈસ્ટ)માં બિલાલપાડા વિસ્તારમાં આવેલા સંતોષભવન બિલ્ડિંગમાં રહેતો ૨૬ વર્ષના રિક્ષા-ડ્રાઇવર અશોક વિશ્વકર્મા છેલ્લા ઘણા વખતથી તેની પચીસ વર્ષની પત્ની પૂર્ણિમા પાસેથી નવો બિઝનેસ ચાલુ કરવા માટે ૫૦,૦૦૦ રૂપિયા માગી રહ્યો હતો, પણ પૂર્ણિમાના પિયરે પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે પૈસા આપવાની ના પાડી હતી, જેથી અશોક છેલ્લા કેટલાક દિવસથી પૂર્ણિમા સાથે ઝઘડો કરી રહ્યો હતો.

પૂર્ણિમાની ફૅમિલી અમદાવાદ રહે છે. ૨૦૦૭માં પૂર્ણિમાનાં લગ્ન અશોક સાથે થયાં એના થોડા વખત પછી જ અશોક તેની પાસેથી વારંવાર પૈસાની માગણી કરતો હતો. તેમનાં લગ્ન વખતે પણ અશોકે પૂર્ણિમાની ફૅમિલી પાસેથી દહેજમાં સારી એવી રકમ લીધી હતી. શનિવારે મોડી રાતે અશોક દારૂ પીને ઘરે આવ્યો હતો અને તેણે પૂર્ણિમા સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. પૂર્ણિમાના પિતાને ફોન કરી સ્પીકર પર રાખીને અશોક તેને લોખંડના રૉડ દ્વારા ઢોરમાર મારવા લાગ્યો હતો. અશોકે તેના બે વર્ષના દીકરા અસ્મિતને પણ જમીન પર પટકી-પટકીને માર્યો હતો. ત્યાર પછી તેણે બેડરૂમની સીલિંગ પર દુપટ્ટા દ્વારા પૂર્ણિમા માટે ફાંસીનો ફંદો બાંધ્યો હતો. પૂર્ણિમા જ્યારે હોશમાં આવી અને તેણે એ બધું જોયું તો મોકો મળતાં તેના દીકરા સાથે ત્યાંથી નાસી જઈને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે અશોક હાલમાં ફરાર છે અને તેને મિસિંગ જાહેર કરીને તેની અટક કરવામાં આવશે. તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK