લોકોને ખુશ રાખવા એ જ જીવનમંત્ર છે?

Published: 29th November, 2012 06:40 IST

એ માટે તમારાથી ન બની શકે તેમ હોય તો પણ ખેંચાઈને લોકોને મદદ કરો છો? કોઈને ના નથી કહી શકતા? તો સમજો કે એ સારી બાબત નથીગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી


ઘણા લોકો એવા હોય છે જેઓ કોઈને ‘ના’ કહી જ શકતા નથી. પોતાનાથી કોઈ કામ થઈ શકે તેમ ન હોય છતાં ના નથી પાડતા. જો તમે પણ એમાંના એક હો કે જેઓ ખેંચાઈને પણ બીજાને મદદ કરે કે ફેવર કરે અને આમ કરવાથી તમને પોતાને સારું લાગતું હોય અને તમે ના એટલા માટે નથી પાડતા કે તમને એવું લાગે છે કે તમે ના પાડશો તો લોકો તમને પસંદ નહીં કરે અને એવું ઘણી વાર બને છે કે તમને એવું લાગે છે કે લોકોએ તમારો ગેરલાભ લીધો છે છતાં પણ તમે આ વિષયમાં કશું કરતા નથી તો તમે પીપલ પ્લીઝર છો.

વ્યાખ્યા


કેટલાક એવા લોકો છે, જે બીજાને ખુશ રાખે છે, કારણ કે એવું વર્તન, એવી ઇચ્છા તેના અંતરમાંથી ઊઠે છે. તેઓ ખુશમિજાજી સ્વભાવના હોય છે અને તેમના સ્વભાવમાં પરગજુપણું જન્મજાત હોય છે. બીજા પ્રકારના લોકો એવા હોય છે જે બીજાને ખુશ રાખે છે, કારણ કે પોતાની અપૂર્ણતા ઢંકાઈ જાય અને થોડા સમય તેને પોતાના ખુદના માટે સારું લાગે. આ લોકો પોતાનાથી ન થઈ શકે તેમ હોય તોય ખેંચાઈને પણ બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તેમને એવું લાગતું હોય છે કે બીજાની ગુડબુકમાં પોતાનું નામ નોંધાવવાથી પોતાનો સ્વીકાર થયો છે. લોકો તેના માટે સારું બોલે છે.

કારણો કયાં?

પીપલ પ્લીઝિંગ પર્સનાલિટીનાં અસંખ્ય કારણો હોઈ શકે. કોઈ પણ વ્યક્તિના જીવનની શરૂઆતનાં વરસોમાં તેનો તેનાં માતા-પિતા, શિક્ષકો, મિત્રો સાથે કેવો સંબંધ રહ્યો છે, કયા પ્રકારના સંવાદ થાય છે, કેવા અનુભવ થયા છે એ આવા વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. વધુપડતાં નિંદાશોધક મા-બાપ, ઘણી ઊંચી અપેક્ષા રાખનારાં માતા-પિતા, અપમાનજનક કે અત્યાચારી સંબંધ, એવો પરિવાર જ્યાં બીજાની જરૂરિયાત માટે ત્યાગ કરવાની ભાવના ને ઉત્તેજન આપવામાં આવતું હોય, તેની પ્રશંસા કરવામાં આવતી હોય... આ બધાં જ કારણોને લીધે વ્યક્તિત્વમાં પોતાના માટે સ્વીકૃતિ અને અનુમોદના માટેની જરૂરિયાતનો વિકાસ થાય છે. તો ઘણી વાર તેને અસ્વીકૃતિ, નિર્માલ્યતા અને પોતે સારી વ્યક્તિ નથી તેવું બીજાને લાગશે તેવો ભય તેના મનમાં હોય છે, જેને કારણે તે હંમેશાં બીજાને ખુશ રાખવાનો જીવનમંત્ર અપનાવી લે છે.

લક્ષણ કયાં?


લોકોને ખુશ રાખવાનો જીવનમંત્ર અપનાવનાર લોકો જેને અંગ્રેજીમાં આપણે પીપલ પ્લીઝર કહી શકીએ તેમનાં લક્ષણો કયાં? તેમનાં કયાં લક્ષણ છે જેના પરથી આપણે જાણી શકીએ કે આ વ્યક્તિ પીપલ પ્લીઝર છે. આવો, એ વિષે જાણીએ. પીપલ પ્લીઝર્સ મહત્વની વ્યક્તિ સાથે અસંમત થતાં મુશ્કેલી અનુભવે છે. અર્થાત, તેને યોગ્ય ન લાગતી વાત સાથે પણ તે હામાં હા મિલાવે છે. જ્યારે તેને ના પાડવી હોય ત્યારે પણ હા પાડે છે. જો લોકો તેના પર જોક મારે અને તેનાથી તેને દુ:ખ થયું હોય તો પણ બધાની સાથે હસે તો તેને પીપલ પ્લીઝર સમજી લેજો. વારે ઘડીએ ‘સૉરી’ કહ્યા કરતી વ્યક્તિ પણ બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હોઈ શકે. પોતાની જરૂરિયાતને અવગણીને બીજાની જરૂરિયાતને પ્રાથમિકતા આપતી વ્યક્તિને તમે પીપલ પ્લીઝર સિવાય બીજું શું કહેશો? બીજાના અણછાજતા વર્તન માટે બહાનાં બતાવનાર અને કોઈ મહત્વની વ્યક્તિએ કરેલી ભૂલનો ટોપલો પોતાને માથે ઓઢી લેનારી વ્યક્તિ પણ પીપલ પ્લીઝર જ કહેવાયને? કોઈકને આરાધ્યદેવથી પણ વધારે પદવી આપી દેનારને પણ પીપલ પ્લીઝર નહીં તો બીજું શું કહેશો?

આની કેવી અસર થાય?

આ જે દુનિયામાં આપણે જીવીએ છે એ કાંઈ કેટલી સારી, સરળ, સીધી અને સારી નથી. આ વાત પૂર્ણપણે સમજી લેવાની જરૂર છે અને આ દુનિયામાં એવા કેટલાય લોકો છે, જેઓ પીપલ પ્લીઝર લોકોનો ગેરલાભ લઈ શકે છે. ઘણા લોકો પીપલ પ્લીઝરને પસંદ કરે છે, કારણ કે તેઓ તેમની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે. ઘણા લોકો પીપલ પ્લીઝર્સને પસંદ નથી કરતા, કારણ કે તેઓ તેમનું દંભીપણું સમજી શકે છે, તેમને ખ્યાલ છે કે આ વ્યક્તિ ફક્ત તેની ગુડબુકમાં નામ નોંધાવવા માટે જ તેને ખુશ રાખી રહી છે, તેની મદદ કરી રહી છે. તેથી તેનાથી દૂર જ રહે છે અને બાકીના લોકો પીપલ પ્લીઝરને ધિક્કારે છે, કારણ કે તેઓ તેમની આધીનતા કે તાબામાં રહેવાની વૃત્તિને અને આત્મગૌરવ વિનાની વૃત્તિને સહન કરી શકતા નથી. તેઓ તેમને નિર્માલ્ય અને સ્વમાનવિહોણા માને છે. તો પીપલ પ્લીઝર લોકોએ સમજી લેવાની જરૂર છે કે તેઓ સારા દેખાવાની કોશિશ કરતા હોય છે પણ બીજા લોકો મૂર્ખ નથી હોતા.

ઑફિસમાં કામની જગ્યાએ પીપલ પ્લીઝર લોકોએ હંમેશાં વધારે કામ કરવું પડે છે, કારણ કે તેઓ ક્યારેય ના પાડી શકતા નથી. તે લોકો ઑફિસમાંથી છેલ્લે બહાર નીકળે છે, કારણ કે તેઓ તેના બૉસને બતાવવા માગે છે કે તેઓ કેટલું બધું કામ કરી રહ્યા છે અને પોતાની ઇમેજ સારી બનાવવાનો એ પ્રયત્ન હોય છે. તે લોકો વધારે કામ કરે છે અને ઓછું વળતર મેળવે છે, કારણ કે તેઓ માને છે કે બૉસ પાસે પોતાનાં લેણાં નીકળતા પૈસા માગવાથી પગારવધારો માગવાથી બૉસને ગમશે નહીં. તો લોકોને ખુશ રાખવાનો જીવનમંત્ર ક્યારેક ભારે પડી શકે છે.

શું કરશો?

પીપલ પ્લીઝર્સનો બીજા લોકો ગેરલાભ લે છે. એને અટકાવવા માટે તેમણે પોતે મક્કમ બનીને નિર્ણય લેવો પડશે. પીપલ પ્લીઝર બનતાં અટકવા માટે તમારે સભાનપણે પસંદગી કરવી પડશે. તમારા પોતાના અંતરાત્માને ઢંઢોળો અને ગુનાહિત લાગણી અનુભવ્યા વિના ના પાડવાની હિંમત કેળવો. આને માટે સૌપ્રથમ તમે સ્વયંની સામે બોલવાની પ્રૅક્ટિસ કરો અને પછી જે કામ માટે જેને ના પાડવાની જરૂર હોય તેની સામે અજમાયશ કરો. આત્મસંયમને મેઇન્ટેઇન કરવાનું કામ મહત્વનું છે. તમારી ભાવનાત્મક પ્રતિક્રિયાઓને ગતિમાન કરો. તમારી જરૂરિયાતો અને પ્રતિક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરો. એક ડાયરી રાખો અને જરૂરી બાબતો નોંધી રાખો, જ્યારે તમને એવી ચિંતા થવા માંડે કે બીજા તમારા માટે શું વિચારશે ત્યારે સભાનપણે પોતાની જાતને પૂછો. જે તમે વિચારો છો અને અનુભવો છો. તમે પૂછો, ‘શા માટે આ બાબત મને આટલી બધી પજવે છ?’ અથવા ‘હું શાનાથી ડરું છું?’ અથવા ‘આ વ્યક્તિની આટલી બધી અસર મારા પર શા માટે છે?’ આ સવાલોના જવાબ મળતાં તમારી મૂંઝવણ દૂર થઈ જશે. આખા દિવસમાં તમારા માટે ‘મી’ ટાઇમ રાખો. આ ‘મી’ ટાઇમને કારણે તમારામાં હકારાત્મક આત્મસન્માનનો સંચાર થશે અને આ સમય તમને આત્મનિરીક્ષણ કરવાની તક પૂરી પાડશે. ત્યાર બાદ તમને સમજાશે કે બધાને ખુશ રાખવાની કોશિશ કરી શકાય, પણ તમારા પોતાની બધી મર્યાદાઓ સ્વીકાર્યા બાદ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK