પ્રાણીપ્રેમીઓ દ્વારા યોજાયેલી રૅલીને લોકોનો સારો પ્રતિસાદ

Published: 28th November, 2012 06:36 IST

જીઓ ઔર જીને દો અને ખાના દેનેવાલે કો રોકો મત જેવા નારા સાથે ૧૮૬ વિદ્યાર્થીઓ ને ૭૪ અહિંસાપ્રેમીઓ જોડાયાથાણેમાં પ્રાણીપ્રેમીઓ દ્વારા પ્રાણીઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ગૌવંશહત્યા પર પ્રતિબંધ લાવવાના ઉદ્દેશથી શનિવારે મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રૅલીમાં વિવિધ સ્કૂલના ૧૮૬ વિદ્યાર્થીઓ અને ૭૪ અહિંસાપ્રેમીઓએ ભાગ લીધો હતો. રૅલીનું આયોજન સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ભવાનજી છાડવા દ્વારા કરવામાં આવ્યું હતું. રૅલી તળાવપાડી ગડકરી રંગાયતનથી સાંજે ચાર વાગ્યે શરૂ કરી હીરાનંદાણી મેડો સુધી સાત કિલોમીટરના અંતરે સાંજે સાત વાગ્યે પૂરી થઈ હતી.

રૅલીમાં વિદ્યાર્થીઓએ પ્રાણીઓ પર થઈ રહેલી ક્રૂરતાના વિરોધમાં ‘પ્રાણ્યાન વરતી અત્યાચાર બંધ કરા’, ‘જિયો ઔર જીને દો’ અને ‘ખાના દેનેવાલે કો રોકો મત’ જેવા નારા લગાવ્યા હતા. રૅલીમાં થાણેના નવપાડા પોલીસ-સ્ટેશન, કાપૂરબાવડી પોલીસ-સ્ટેશન, વર્તકનગર પોલીસ-સ્ટેશન, હીરાનંદાણી મેડો પોલીસ-સ્ટેશન અને પોખરણ નંબર-૨ એમ પાંચ જેટલાં પોલીસ-સ્ટેશનના અંદાજે ૧૬થી ૨૦ પોલીસ-ઑફિસરો એક વૅન સાથે બંદોબસ્તમાં જોડાયા હતા.

આ રૅલીમાં પાલ (પેટ ઓર્નર્સ ઍન્ડ ઍનિમલ લવર્સ) નામના ગ્રુપનાં અધ્યક્ષ અદિતિ નાયર અને ઍનિમલ વેલ્ફેરના અધ્યક્ષ સંજીવ દીઘે, સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટના ખજાનચી સંદીપ ભાનુશાલી, જયંતી વોરા, સુરેશ વિસળિયા, ભવાનજી છાડવા હાજર રહ્યાં હતાં. સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણીઓને પાણી પીવા માટેનાં કૂંડાં પણ આપવામાં આવે છે. રૅલીના અંતે આયોજકોએ લોકોમાં પ્રાણીઓ માટે જાગૃતિ લાવવા અને અત્યાચાર કરનારાઓના વિરોધમાં પ્રવચન આપ્યું હતું.

રૅલીમાં થાણેના પેટ ઓર્નર્સ ઍન્ડ ઍનિમલ લવર્સ ગ્રુપનાં ફાઉન્ડર અદિતિ નાયરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રૅલીનું આયોજન સદ્ભાવના ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે મળીને મોટા પાયે કરવામાં આવ્યું હતું. હાલમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રાણીઓ પર વધી રહેલા અત્યાચારને કારણે પ્રાણીઓ બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. એમને મારીને નહીં પરંતુ નસબંધી જેવા ઉપાયો દ્વારા સંભાળવાં જોઈએ.’

ઍનિમલ વેલ્ફેરના અધ્યક્ષ સંજીવ દીઘેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રૅલીનું આયોજન સારી રીતે કરવામાં આવ્યું હતું. પ્રાણીઓ પર વધી રહેલા અત્યાચારને કારણે આ રૅલી જરૂરી હતી. આવી ઍક્ટિવિટીઓ દ્વારા લોકોને પણ સમજ આવી રહી છે. રૅલીમાં પ્લૅ-કાર્ડ્સ અને પોસ્ટર્સ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી. અમુક વર્ગો દ્વારા પ્રાણીઓને દંડા અને સળિયાથી મારવામાં આવે છે. આવા ઘણા કેસો છે. એમાં પોલીસ મદદ કરતી નથી. છેલ્લા એક મહિનામાં મારી પાસે પ્રાણીઓને લગતી ત્રણથી ચાર ફરિયાદો આવી છે. આ બાબતે ધ્યાન આપવાની તો દૂરની વાત છે, પોલીસ કેસ પણ લેતી નથી.’ 


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK