સહનશીલતા આજકાલની સ્ત્રીઓમાંથી હવે આ ગુણ થઈ રહ્યો છે ગાયબ

Published: 27th November, 2012 06:51 IST

પોતાની ઇચ્છા મુજબનું ન થાય તો જાતને નુકસાન કરનારું કે આત્મહત્યા જેવું છેલ્લી પાટલીનું પગલું ભરનાર વ્યક્તિ ખરેખર તો સ્વજનો માટે જોખમી છેમંગળવારની મિજલસ - તરુ કજારિયા

આજના માણસના સ્વભાવમાં જો એક સૌથી વધુ સ્ટ્રાઇકિંગ ખાસિયત જોવા મળતી હોય તો એ માણસની ઇન્ટૉલરન્સ કે અસહિષ્ણુતા! હમણાં ગયા અઠવાડિયે જ મુંબઈમાં બે છોકરીઓને પોલીસે પકડીને કસ્ટડીમાં બંધ કરી દીધી હતી એ સમાચાર વાંચ્યા હશે! તેમનો ગુનો શું હતો? કંઈ નહીં, માત્ર તેમાંથી એક છોકરીએ પોતાના ફેસબુક અકાઉન્ટની વૉલ પર સત્તરમી તારીખના ‘મુંબઈ બંધ’ વિશે નેગેટિવ કૉમેન્ટ કરી હતી અને તેની એક ફ્રેન્ડે એને લાઇક કરી હતી. બસ! એટલે તે બન્નેને પોલીસે અરેસ્ટ કરી હતી. એ કૉમેન્ટમાં કંઈ અભદ્ર કે ગંદું નહોતું. માત્ર એમાં ‘બંધ’ કરાવનાર રાજકીય પક્ષના નિર્ણયથી વિરુદ્ધનો અભિપ્રાય વ્યક્ત થયો હતો! એ કારણસર પોલીસે તે છોકરીઓની સામે ન કરાય એવી કડકાઈ આચરી! આ સમાચાર વાંચીને ઘણા લોકોને આઘાત લાગ્યો હતો કે આ તો ઇન્ટૉલરન્સની હદ થઈ ગઈ! આ તો થઈ રાજકીય ઇન્ટૉલરન્સની વાત, જે બાહ્ય એટલે કે બહારની વાત છે, પરંતુ આજે જે ખૂબ જ વધી ગઈ છે એ ઇન્ટૉલરન્સ અંગત જીવનમાં છે, ઘર-પરિવારમાં છે, સ્વજનો અને સગાંઓ સાથેની છે!

આજે આપણે અવાર-નવાર જે આપઘાત કે હત્યાના કિસ્સાઓના સમાચારો વાંચીએ છીએ એ આ ઇન્ટૉલરન્સનું જ પરિણામ છે. દિવાળીના દિવસોમાં આવા જ એક અત્યંત ડિસ્ટર્બ કરી દેનારા સમાચાર વાંચ્યા હતા. બૅન્ગલોરમાં ત્રીસ વર્ષની એક ડેન્ટિસ્ટ યુવતીએ કાળી ચૌદસની રાત્રે પંખામાં લટકીને આત્મહત્યા કરી લીધી. લખનઉ રહેતાં ડૉક્ટર શિલ્પા અને પ્રોફેસર જગન્નાથ દિવાળીની રજાઓમાં પોતાના દોઢ વર્ષના દીકરા સુબંગને લઈને તેનાં દાદા-દાદી પાસે આવ્યાં હતાં. કાળી ચૌદસને દિવસે જ જગન્નાથનો જન્મદિવસ ઊજવ્યો અને પછી શિલ્પાએ તેના પતિને કહ્યું કે ચાલો, શૉપિંગ કરવા જઈએ. પ્રોફેસર પતિએ કહ્યું કે આપણે પરમ દિવસે શૉપિંગ માટે જઈશું. અને તે તેના પપ્પાની કાર ધોવા બહાર કમ્પાઉન્ડમાં ગયો. બસ, આટલી વાતમાં શિલ્પાને માઠું લાગી ગયું! પોતાની ઇચ્છા પૂરી ન થઈ એનું તેને એટલું તો ખરાબ લાગ્યું કે તેણે પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો. જગન્નાથ પાછો ફર્યો ત્યારે બંધ દરવાજે દસ્તક દીધા, પણ દરવાજો શિલ્પાએ ખોલ્યો જ નહીં. ક્યાંથી ખોલે? તેણે તો પંખા પર લટકીને જાન આપી દીધો હતો!

સામાન્ય રીતે આવી કોઈ ઘટના વિશે વાંચીએ ત્યારે તરત જ આપણું અજાગૃત મન કહે કે દાળમાં કંઈક કાળું હશે! એમ કંઈ કોઈ ક્વોલિફાઇડ સ્ત્રી આવી તદ્દન સામાન્ય વાતમાં જીવ આપી દે? તેને પોતાના નાનકડા બાળકનો તો વિચાર આવે જને! ના...ના... આમાં સાસરિયાંનું કંઈક દુ:ખ હશે! સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આવી પરિસ્થિતિમાં દીકરીનાં મા-બાપને જમાઈ કે તેના ઘરવાળાનો હાથ દેખાય છે. દીકરી પોતાને ઘરે એકદમ પોતાની જ મરજી મુજબ જીવતી હોય અને કેટલાક કિસ્સામાં તો સાસરિયાંને દબડાવતી પણ હોય; છતાં આવું કંઈક થાય ત્યારે વિધાઉટ ફેલ તેનાં પિયરિયાં જમાઈ અને તેનાં સગાંઓ પર ટૉર્ચર કે દહેજ-માગણીનો આક્ષેપ મૂકીને પોતાની દીકરીના પગલા માટે તેમને જવાબદાર ઠેરવતાં હોય છે.

પણ આ કિસ્સામાં શિલ્પાનાં મમ્મી-પપ્પાએ અનઅપેક્ષિત નિષ્પક્ષ વલણ દાખવ્યું છે. તેમણે કહ્યું હતું કે શિલ્પાને સાસરામાં કોઈ જ તકલીફ નહોતી અને જમાઈ તો તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. એટલું જ નહીં, તેમણે પોતાની દીકરીના સ્વભાવની મર્યાદા જાહેર કરતાં કહ્યું કે તે અતિશય આળા હૃદયની હતી. તેને વાત-વાતમાં માઠું લાગી જતું અને તે ખૂબ નબળા મનની હતી! તેમના નિવેદન પરથી તેમની તટસ્થતાનો ખ્યાલ આવે છે, જે આજે બહુ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ બીજી જે મુખ્ય વાત છતી થાય છે એ તેમની દીકરીની અસહિષ્ણુતાની છે. વિચાર આવે છે કે ડેન્ટિસ્ટ બનેલી તે યુવતી અભ્યાસમાં કેટલી હોશિયાર હશે! તો જ મેડિકલમાં ઍડ્મિશન મળ્યું હશેને! પછી પણ ડેન્ટિસ્ટ્રીનું ભણવામાં તેણે કેટલી મહેનત અને સમય આપ્યો હશે, એ હોશિયારી, એ લગન અને ખંતથી જ તે ડેન્ટિસ્ટ્રીની પરીક્ષામાં પાસ થઈ હશે! અભ્યાસ દરમિયાન કેટલાય પ્રસંગે તેને બાંધછોડ કરવી પડી હશે! જેમ કે પરીક્ષાઓ હશે અને ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો હોય કે બધા કંઈક એન્જૉય કરવા ગયા હોય! તો તેણે એ બધું પોતાના સ્ટડીઝ માટે જતું કર્યું જ હશેને! તો જિંદગીમાં આટલી નાનીઅમથી વાત પ્રત્યે તે આટલી હાઈપર કેવી રીતે થઈ હશે! અભણ અને અશિક્ષિત સ્ત્રીઓ આવું પગલું ભરે ત્યારે આપણે તરત જ બોલી પડીએ : ‘સાવ અક્કલ વગરની હશે!’ પરંતુ એક ડૉક્ટર, કે સીએ કે એમબીએ થયેલી સ્ત્રી જ્યારે આ રીતે વર્તે ત્યારે તેને શું કહેવું?

શિલ્પાનાં મા-બાપે દાખવેલી તટસ્થતા પણ કાબિલે દાદ છે. પોતાની ઇચ્છા મુજબનું ન થાય તો જાતને નુકસાન કરનારું કે આત્મહત્યા જેવું છેલ્લી પાટલીનું પગલું ભરનાર વ્યક્તિ ખરેખર તો સગાં-સ્વજનો માટે ભારે જોખમી છે. તેના મૃત્યુ માટે બીજાઓને દોષી ગણવા એ કેટલું યોગ્ય? પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં દોષનો ટોપલો તેની આસપાસના લોકો પર ઢોળાય છે, પછી ભલે તેઓ નિર્દોષ હોય! ટૂંકમાં આવા વિચિત્ર પ્રકૃતિના લોકો સાથે પાનો પાડતાં પહેલાં સો વાર વિચાર કરવો જરૂરી છે. અને ખુદ એ લોકોને શું કહેવું! અરે, ભલા માણસ, દુનિયાની કોઈ પણ ભૌતિક પ્રાપ્તિ કરતાં આ મનુષ્યજીવન અનેકાનેક ગણું કીમતી છે! લર્ન ટુ વૅલ્યુ ઇટ!

આપણા સુખ-દુખનો આધાર આપણા પર

હમણાં કલકત્તાના એક સુખીસંપન્ન પરિવારનાં પૂર્ણિમાબહેન તુલસીદાસે તૈયાર કરેલી સ્વામી અખંડાનંદ સરસ્વતીનાં બોધવચનોની એક નાનકડી બુક મળી છે. ‘ડૅર ટુ સે આઇ ઍમ હૅપી’ નામનું એ પુસ્તક લખવાનો આમ તો પૂર્ણિમાબહેનનો કોઈ ઇરાદો નહોતો, પણ તેઓ કહે છે કે અવારનવાર તેઓ ઘણી યંગ સ્ત્રીઓને મળતાં જે બધી શિક્ષિત, સુખી ઘરની અને સ્માર્ટ-સૉફિસ્ટિકેટેડ છે એ બધી સ્ત્રીઓમાં તેમને એક વાત કૉમન લાગી - તે એ કે જ્યારે જુઓ ત્યારે તે બધીયે દુ:ખી જ લાગતી. તેમને પૂછીએ કે કેમ છો? તો તેમના હોઠ પરથી તેમની તકલીફોનું લાંબુંલચક લિસ્ટ સરવા લાગતું! પૂર્ણિમાબહેન કહે છે, ‘એ સ્ત્રીઓના જીવનમાં ખરેખર જો મુસીબતો હોત તો મને તેમના પ્રત્યે સહાનુભૂતિ જાગત, પરંતુ જ્યારે લોકો પાસે આટલું બધું હોય છતાં તેઓ અસંતુક્ટ હોય તો ચોક્કસ ક્યાંક કશુંક બરાબર નથી!’ તેઓ લખે છે કે ઈવન, આજના યંગ-સફળ પુરુષોમાં પણ એવો જ ઍટિટ્યુડ જોવા મળે છે.’ અને એટલે તેમણે આ પુસ્તિકા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જેમાં તેમણે પોતાને જીવનમાં ઉપયોગી થયા એ ગુરુ અખંડાનંદજીના વિચારો રજૂ કર્યા છે. એનો મુખ્ય સૂર એ જ છે કે આપણા સુખ કે દુ:ખ આપણા જ ઍટિટ્યુડને કારણે છે. કોઈ આપણને સુખી કે દુ:ખી કરી શકે જ નહીં!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK