સંબંધો પણ માવજત વિના નકામા અને અસહ્ય બને છે

Published: 21st November, 2012 06:52 IST

રિલેશનની માવજત માટે જરૂરી છે શૅરિંગ અને કૅરિંગ, પરંતુ આજની દોડધામભરી ફાસ્ટ લાઇફમાં એટલો સમય નથી આપણી પાસે. માત્ર ઔપચારિક રીતે સંબંધો નિભાવનારાઓ પાસેથી પોતાના અંગત લોકો દૂર નીકળી જાય ત્યારે એનું મૂલ્ય સમજાય છેબુધવારની બલિહારી - કિરણ કાણકિયા

હજી હમણાં જ દિવાળીનો તહેવાર ગયો. વર્ષનો છેલ્લો દિવસ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હળવા-મળવા અને ભળવાનો દિવસ. હવે હળવું-મળવું તો સારા-માઠા પ્રસંગ સિવાય ભાગ્યે જ બને છે, પરંતુ ફોન, એસએમએસ, ઈ-મેઇલ કે પત્રો દ્વારા મળી શકાય છે. સંબંધો ટકાવી શકાય છે, પરંતુ આ સંબંધો સાચવી રાખવા, જાળવી રાખવા ઘણી માવજત માગી લે છે.

સંબંધો કેટકેટલા પ્રકારના હોય છે, પરંતુ આપણે એની ચર્ચામાં નથી પડવું. સંબંધોને કારણે જીવવાનું બળ મળે છે. આવું બધું જાણતા હોવા છતાં આજની દોડધામભરી ફાસ્ટ લાઇફમાં લોકો દોડી રહ્યા છે, ભાગી રહ્યા છે, પરંતુ જરાક થોભો, સંબંધોમાં જીવો, એને ટકાવી રાખવા પ્રેમ અને વહાલરૂપ ઑઇલિંગથી એનું સર્વિસિંગ કરતા રહો.

જિંદગીની સાથે સંબંધો પણ બદલાય છે. સ્કૂલ-કૉલેજના મિત્રો કે અન્યો સાથે વિતાવેલી પળો યાદોના ટોળામાં ચાલી જાય છે. ક્યારેક નિરાંતે બેસીને વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આપણે શું ખોયું? શું મેળવ્યું? પોતાના સંબંધોના બોજ હેઠળ દબાવવાનો ભાર સહન ન કરવો પડે. એના માટે બેહદ જરૂરી છે કે આપણે યોગ્ય રીતે પોતાના સંબંધોની સર્વિસિંગ કરતા રહીએ.

કેમ જરૂરી છે?

દરેક સંબંધ, ભલે બાળકો અને પેરન્ટ્સ વચ્ચેનો હોય, ભાઈ-બહેનનો હોય, પતિ-પત્નીનો હોય કે પછી દોસ્તો કે સંબંધીઓ વચ્ચેનો હોય, બધા સંબંધો આપણી પાસે ટાઇમ અને અટેન્શનની ડિમાન્ડ કરે છે, જે આજની તારીખમાં આપણી પાસે નથી. ટાઇમની ઊણપને લીધે આપણે પોતાના સંબંધો પૂરી રીતે જીવી નથી શકતા. નાની-નાની ખુશીઓથી પણ બાકાત રહી જઈએ છીએ, કેમ કે પત્ની તથા બાળકોને લઈને રિસોર્ટ કે પાર્કમાં જવાનું નક્કી કર્યું હોય અને અચાનક અગત્યનું કામ આવી જાય તો આખો પ્રોગ્રામ કૅન્સલ કરવો પડે. પરિણામે બધાં નારાજ થઈ જાય અને આવું વારંવાર બને તો પત્ની તથા બાળકોની ફરિયાદના ભોગ બનીએ. દર વખતે રડતાં રહીએ કે સમય નથી મળતો તો એક દિવસ આપણા સંબંધોની પાસે આપણા માટે સમય નહીં હોય. તમે ગમે એટલી ઊંચી પોસ્ટ પર હો છતાં પરિવારના સાથની જરૂર હંમેશાં રહે છે. નહીં તો તમને એકલતા નિરાશાની ખાઈમાં ધકેલી દે છે. જો સમય પર સંબંધોની સહજતા તરફ ધ્યાન નહીં આપીએ તો જ્યારે સંબંધોની જરૂર પડશે ત્યારે તમારી આસપાસ કોઈ નહીં હોય. મનમેળ રાખવાથી સંબંધ દૃઢ બને છે અને સાથે આત્મવિશ્વાસ પણ, જેથી પોતાની ભીતર સકારાત્મકતાનો અનુભવ થાય છે. તમને તમારા પોતાના સ્વજનોની પરવા છે, જરૂરત છે, તેઓને આ બાબતનો અહેસાસ કરાવવા માટે પણ સંબંધોની માવજત જરૂરી છે.

કેવી રીતે કરશો?


દરેક સંબંધોનો પાયો કમ્યુનિકેશન હોય છે. અરસપરસ વાતચીત તથા અંગત વાતો શૅર કરવાનો અચૂક સમય કાઢો. જરૂરી છે શૅરિંગ અને કૅરિંગ. એનાથી પોતાપણાનો અહેસાસ વધી જાય છે, પછી ભલેને તમારો દોસ્ત હોય કે સંબંધી, તેને મહેસૂસ થાય છે કે તેના જીવનમાં તમારું કેટલું મહત્વ છે. ઑફિસના બિઝી શૅડ્યુલની વચ્ચે પણ સમય કાઢીને ઘરે ફોન કરીને હાલચાલ પૂછવા એ સારો આઇડિયા છે. જો ઘરે કોઈ બીમાર હોય અને તમે ફોન કરીને તેના ખબર પૂછશો તો તેને ઘણું સારું લાગશે. તેને અહેસાસ થશે કે તમને ખરેખર તેની ચિંતા છે. વર્ષમાં એકાદ-બે વાર સમય કાઢીને ફૅમિલી ગેટ-ટુગેધર, પિકનિક, રિસોર્ટ પર સાથે જવાનો પ્લાન બનાવો. માત્ર તમારી જ ફૅમિલી નહીં, પરંતુ ક્યારેક મિત્રો તો ક્યારેક સ્વજનો, સંબંધીઓ સાથે ચોક્કસ આયોજન કરો. અને હા, બધાના બર્થ-ડેની તારીખ રિમાઇન્ડર પર સેટ કરી લો, જેથી તમે ભૂલી ન શકો. તમારી શુભેચ્છાથી તેની ખુશી વધી જાય. આ પણ સંબંધો સાચવવાની એક કલા છે. જેને તમે પ્રેમ કરો છો તેના પર વિશ્વાસ રાખો, શંકાના દાયરામાં તમારા સંબંધો ન અટવાય એનો ખાસ ખ્યાલ રાખો. સંબંધોમાં સકારાત્મક ઊર્જા લાવવાનો પ્રયાસ સતત કરતાં રહો. વધુપડતી અપેક્ષા ન રાખો. એ પણ સાચું છે કે દરેક સંબંધ સાથે આપણી અપેક્ષા જોડાયેલી હોય છે, પરંતુ એ પણ ધ્યાન રાખો કે સામેવાળો કેટલીક મજબૂરીને કારણે તમારી અપેક્ષા પૂરી નથી કરી શકતો અને તમારા અંતરમાં ઝાંકો કે ક્યારેક તમારાથી પણ આવું થાય છે.

ક્યારેક ઑફિસેથી વહેલા આવીને સરપ્રાઇઝ આપો અને ફૅમિલી સાથે સમય વિતાવો અથવા તો મૂવી કે ડિનર પ્લાન કરીને બધાને ચોંકાવી દો. એક સંબંધને નિભાવવા એવું ન થાય કે બીજા સંબંધોને નજરઅંદાજ કરી દો. જિંદગીમાં દરેક સંબંધની પોતાની ખાસ જગ્યા અને મહત્વ છે, એથી દરેક સંબંધ વચ્ચે બૅલેન્સ જાળવતાં શીખી જાઓ. લગ્ન પછી મિત્રોને ન ભૂલો. કેટલાક લગ્ન પછી પોતાની ફૅમિલી-લાઇફમાં એટલા બિઝી થઈ જાય છે તો કેટલાક દોસ્તોની મહેફિલ માણી ફૅમિલીને ભૂલી જાય છે. આ બન્ને રવૈયા ખોટા છે. બન્ને વચ્ચે બૅલેન્સ જાળવી રાખો. તમારા મનને સ્પર્શે તો પ્રશંસા જરૂર કરો. પ્રશંસા સંબંધમાં નવી ઊર્જા ભરી દે છે. હા, એક વાત સતત યાદ રાખો, સંબંધોમાં ‘ઈગો’ ન આવવા દો. તમારા અહમ્ને સંબંધોની વચ્ચે ન લાવો. નહીં તો તમે સંબંધોની સાચી સુવાસથી વંચિત રહી જશો. ક્યારેક ભૂલ થઈ જાય તો ‘સૉરી’ કહેવામાં નાનમ ન અનુભવો. ઘર-પરિવારની જવાબદારીઓ વહેંચી લો, જેથી ભવિષ્યમાં પૈસા અને સંપત્તિને કારણે આપસમાં વિવાદ ન સર્જાય. એક વાત ગાંઠે બાંધી લો કે પૈસા કમાવા આસાન છે, પરંતુ પ્રેમ, પોતાપણું અને સંબંધ જાળવવા એટલા જ મુશ્કેલ છે, એથી સંબંધોનું મહત્વ સમજો.

ધ્યાન રાખો

પોતાના સંબંધોની જરૂરિયાતોને ઓળખો.

કેટલાકને પોતાની લાગણી વ્યક્ત કરતા નથી આવતું, એથી વગર બોલ્યે પણ લાગણીઓને સમજવાની કોશિશ કરો. આવી ક્ષમતા તમારા સંબંધોની દૃઢતા દર્શાવે છે.

જવાબદારી લેતાં અચકાઓ કે ગભરાઓ નહીં.

અંગત વાતોને શૅર કરવાની આદત કેળવો.

કલ્પનામાં જીવવાની મજા જરૂર લો, પરંતુ હકીકતોની સચ્ચાઈ ધ્યાનમાં રાખો. ભાગો નહીં.

દોષારોપણથી દૂર રહો. વાદ-વિવાદ અને એકમેકને દોષ દેવાને બદલે તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને હળવા થઈને વિચારો કે આવું બધું તો ચાલ્યા જ કરે.

પ્રેમ, સ્નેહ, વહાલ, મીઠાશ અને નેહથી સંબંધોનું સર્વિસિંગ કરતાં રહો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK