કેળવી લો દરેકમાં નવું જોવાની દૃષ્ટિ

Published: 20th November, 2012 06:39 IST

નવીનતાની વ્યાખ્યા માણસદીઠ બદલાતી હોય છે; પરંતુ દરેક વ્યક્તિને નાવીન્યની, અણદીઠા ભવિષ્યને ઘડવાની ઉત્સુકતા અવશ્ય હોય છેમંગળવારની મિજલસ - તરુ કજારિયા

આજે નવા વરસની આપણી પહેલી મુલાકાત. નવું-નવું બધું બહુ ગમે! સીધી સડસડાટ વહી જતી જિંદગીમાં કંઈક નવું બને તો મજા આવી જાય. નવી ઓળખાણ, નવા સંબંધો, નવા દોસ્તો, નવા સ્વજનો, નવાં કપડાં, નવાં ઘરેણાં, નવું ઘર, નવી ઑફિસ, નવું ફર્નિચર, નવી લાઇફ-સ્ટાઇલ.....! વાહ, કેટલો અફલાતૂન છે આ ‘નવું’ શબ્દ! પરંતુ એક મજાની વાત યાદ છે? આ શબ્દની સાથે જ એનો વિરોધી શબ્દ પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે જ્યારે કોઈની લાઇફમાં શું નવું બની રહ્યું છે એમ જાણવું હોય ત્યારે પૂછીએ છીએ, ‘શું નવા-જૂની છે?’

નાના હોઈએ ત્યારે આ નવાનો નેહ વધુ હોય. ત્યારે નવા વરસે નવું જ પહેરવાનો આગ્રહ બહુ સ્ટ્રૉન્ગ હોય. જીવનમાં આગળ જતાં પણ ઘણેખરે અંશે એ શોખ જળવાઈ રહે છે, પરંતુ આની સામે જ ‘જૂનું એટલું સોનું’ જેવી કહેવત પણ આપણે ત્યાં છે. દુનિયાની કેટલીક જાતિઓમાં પોતાના પરિવારના વડવાઓનાં કપડાં પેઢી દર પેઢી સાચવી રાખવામાં આવે છે અને નવા જન્મેલા બાળકને વડવાઓના આર્શીવાદરૂપે એ પહેરાવવામાં પણ આવે છે. નવા જન્મેલા બાળકને પરિવારનાં જ કે સગાં-સ્નેહીઓનાં બાળકોનાં કપડાં પહેરાવવાની પ્રથાથી આપણે પણ અજાણ નથી. નવા-જૂનાના ભેદની સમજણ આવે એ પહેલાં ઘણી વાર બાળક જૂનું, કોઈનું ઊતરેલું કપડું પહેરી ચૂક્યું હોય છે. આપણામાંના ઘણાએ પોતાનાથી મોટાં ભાઈ-બહેનનાં, કાકા-ફોઈનાં કે મામા-માસીનાં બાળકોનાં કપડાં પર્હેર્યા હશે અને પોતાનાં બાળકોને પણ એ રીતે તેમના મોટા કઝિન્સનાં કપડાં પહેરાવ્યાં હશે. વળી, એવું પણ નહોતું કે એ રીતે બીજાઓની ચીજો વાપરનારની આર્થિક સ્થિતિ સારી નહોતી! માત્ર યુઝેબલ ચીજનો એમ ઉપયોગ કરવામાં કોઈને નાનમ નહોતી લાગતી, પરંતુ આજના સમયમાં કેટલાક યંગસ્ટર્સ આ વિશે બહુ રિઝવ્ર્ડ હોય છે.

હમણાં એક બહેને તેમનો અનુભવ કહ્યો. તેમની પુત્રવધૂને બેબી આવી ત્યારે તેમની દીકરીએ પોતાનાં બાળકો નાનાં હતાં ત્યારે વસાવેલું સુંદર ક્રેડલ બેબીને સુવડાવવા માટે મોકલ્યું. સારી ક્વૉલિટીનું અને ખાસ્સું મોંઘું એવું એ ક્રેડલ જોતાં જ ગમી જાય એવું હતું, પણ પુત્રવધૂએ પોતાની બેબીને એમાં સુવડાવવાની ચોખ્ખી ના કહી. તેની દલીલ એવી હતી કે મારી એકની એક બાળકી માટે હું જૂની - કોઈએ વાપરેલી ચીજનો ઉપયોગ નહીં કરું! હું તો મારી દીકરી માટે નવું જ લઈશ! તેની સાસુએ ઘણી દલીલ કરી કે આવી ચીજો તો બધાં એકબીજાની વાપરે. ઈવન પાડોશીઓ પણ એકબીજાને એ રીતે ઉપયોગી થાય એમાં કંઈ શરમાવા જેવું નથી. વળી, શહેરમાં આવી વસ્તુઓ રાખવા માટે મોટી જગ્યા પણ બધાને ઘરે ન હોય તો જરૂર પડે ત્યારે યુઝ કરીને પાછી આપી દઈએ તો સગવડ રહે, પરંતુ તેમની એક પણ વાત યંગ પુત્રવધૂને ગળે ન ઊતરી. તે બહેનની વાત સાંભળીને બીજાં એક-બે યંગ કપલ્સ સાથે થયેલા સંવાદ પણ યાદ આવી ગયા. તેમનો પણ એવો જ અભિપ્રાય હતો કે અમારા બાળક માટે કોઈની વાપરેલી ચીજ શા માટે વાપરીએ?! બદલાયેલા જમાનાની બદલાયેલી વિચારસરણીનું આ પ્રતીક છે. જે યંગ પેરન્ટ્સને કોઈની પહેરેલી કે કોઈની વાપરેલી ચીજનો પોતાના બાળકને માટે ઉપયોગ કરવો નથી ગમતો તેમને ખ્યાલ પણ નથી રહેતો કે આગળ જતાં એ બીજાં બાળકોના ઉછેરનું અનુકરણ પોતાનાં બાળકોના ઉછેરમાં કરતાં હોય છે! બાજુવાળી પિન્કીની બેબીનો છે એવો જ સૂટ આપણી બેબી માટે લેવો છે કે રોમાબહેને તેમના દીકરાને મૂક્યો છે એ જ નર્સરીમાં આપણે બબુનું ઍડ્મિશન લેવું છે એમ કહેતાં મમ્મી-પપ્પાને અન્ય બાળકો કરી ચૂક્યાં હોય એ પોતાના બાળક પાસે કરાવવાની છોછ નથી, પરંતુ એ જ બાળકોની કોઈ વસ્તુ, એ પણ યુઝેબલ વસ્તુ વાપરવાનું તેમને ઊતરેલી ચીજ વાપરવા જેવું લાગે છે અને એ તેમને નાપસંદ છે. ઠીક છે, આ વિશે કોઈને ર્ફોસ ન કરી શકાય, પણ થોડીક વાતો યાદ જરૂર અપાવી શકાય. કેટલીયે મહાન વ્યક્તિઓ નાનપણમાં પોતાનાં સગાંઓનાં કપડાં પહેરીને કે તેમની ચોપડીઓ વાપરીને ઊછરી હતી અને તેમણે એ વિશે જાહેરમાં વાત પણ કરી છે અથવા તો પોતાની આત્મકથામાં પણ લખ્યું છે. આ બધાથી નિરાળા કેટલાક લોકો એવા પણ છે, જેમની પાસે નવું ખરીદવાની આર્થિક ક્ષમતા નથી કે નવું કરવા સમયની ગુંજાઇશ પણ નથી, પરંતુ એ લોકો પાસે કોઈ પણ ચીજ કે ઘટનામાં નવું જોવાની દૃષ્ટિ છે. આવા લોકોનો નવીનતાપ્રેમ સંતોષવા માટે કોઈ સાધન કે સ્રોતની જરૂર નથી પડતી. પોતાની જાત પાસેથી અને આસપાસની દુનિયા પાસેથી તે સતત નવું-નવું પામતા રહે છે. રોજેરોજ ઊગતો કે ઢળતો સૂરજ તેમને નવો લાગે છે! પંખીના ટહુકામાં તેમને રોજ નવાં ગીત સંભળાય છે! ચાંદનીની કલામાં પણ તેમને રોજ નવાં દૃશ્ય દેખાય છે! દરેક દિવસ તેમને માટે એક નવું સપનું લઈને ઊગે છે અને રાત થતાં સુધીમાં એ પૂરું ન થાય તો પણ તેમને કોઈ ખેદ કે દુ:ખ નથી, કેમ કે બીજી સવાર વળી નવી

આશા લઈને ઊગે છે. આમ નવીનતાની વ્યાખ્યા માણસે-માણસે બદલાતી હોય છે, પરંતુ દરેક માણસને એ નાવીન્યની, એ અણદીઠા ભાવિના ઘડવાની ઉત્સુકતા અવશ્ય હોય છે. આ નવા વરસે સૌનાં નવલાં સપનાં સાકાર થાય એવી શુભેચ્છા.

નવું ન હોય છતાં નવું જ લાગે

દર વખતે કંઈક નવું કરવા માટે માર્કેટમાં જઈને ખર્ચ કરીને નવું ખરીદી લાવવાની જ આવશ્યકતા પણ નથી હોતી. કેટલાક લોકોમાં જૂનાને પણ નવું બનાવી દેવાની આવડત હોય છે. ઘરમાં પડેલી કોઈ ચીજનો એક સ્વરૂપમાં ઉપયોગ કરી લીધો પછી એનો બીજા સ્વરૂપે યુઝ કરીએ ત્યારે એ પણ નવું જ સ્વરૂપ ધરી લે છે અને નવી ચીજ જેવી જ થિþલ આપે છે. કેટલાક લોકોના ઘરે જ્યારે પણ જઈએ ત્યારે એ નવું જ લાગે, અને છતાં એ નવા લુક માટે તેમણે એક પણ પૈસાનો ખર્ચ ન કર્યો હોય. નવું-નવું કરતાં રહેવાની ધગશ ધરાવતા લોકોમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની દૃષ્ટિ અને આવડત તો હોય છે જ, સાથે જ એ માટે મહેનત કરવાની પણ તૈયારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK