સૂતળી બૉમ્બ પડશે ૫૦૦૦ રૂપિયામાં

Published: 13th November, 2012 03:25 IST

આજે અને આવતી કાલે મોટા અવાજવાળા ફટાકડા ફોડનારને આટલી રકમનો દંડ કર્યા પછી પોલીસ ધ્વનિપ્રદૂષણનો ગુનો પણ નોંધશેવિપુલ વૈદ્ય

થાણે ગ્રામીણ પોલીસ કમિશનરેટ હેઠળ આવતી વસઈ-વિરાર અને મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ધ્વનિપ્રદૂષણ સંદર્ભે‍ મુંબઈ હાઈ કોર્ટે‍ આપેલા નિર્દેશનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે અને એના ભાગરૂપે દિવાળીના દિવસે અને નવા વર્ષે‍ રાતે ૧૦ વાગ્યા પછી મોટા અવાજવાળા ફટાકડા જેમ કે સૂતળી બૉમ્બ, લટાકડાની લૂમ વગેરે ફોડનારાઓને ૫૦૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. ઉપરાંત તેમની સામે ધ્વનિપ્રદૂષણનો ગુનો નોંધવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે‍ થાણે જિલ્લાના આ બન્ને મહાનગરપાલિકા વિસ્તારોમાં રાતે ધ્વનિપ્રદૂષણનું પ્રમાણ ૭૫-૮૦ ડેસિબલથી પણ વધુ નોંધાયું હતું અને ચોપડાપૂજન બાદ અનેક વિસ્તારોમાં ૧૦૦ ડેસિબલ જેટલું ધ્વનિપ્રદૂષણ આવા મોટા અવાજવાળા ફટાકડાને કારણે નોંધાયું હતું. આટલું ધ્વનિપ્રદૂષણ થવા છતાં પોલીસે કોઈ પગલાં લીધાં ન હોવાની નાગરિકોની ફરિયાદને પગલે આ વખતે પોલીસે કડક થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લાં બે વર્ષથી જે વિસ્તારોમાં ધ્વનિપ્રદૂષણનું પ્રમાણ વધુ હોવાની ફરિયાદો આવી હતી એમાં મહારાષ્ટ્ર પ્રદૂષણ ર્બોડની મદદથી ધ્વનિપ્રદૂષણની નોંધ કરવા માટેનાં ઉપકરણો સાથે પોલીસ હાજર રાખવામાં આવશે. ધ્વનિપ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારાને ૫૦૦૦ રૂપિયાનો દંડ તો કરવામાં આવશે જ, સાથે-સાથે તેમની સામે ધ્વનિપ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન કરવાનો ગુનો પણ નોંધવામાં આવશે.

મુંબઈ હાઈ કોર્ટે‍ આપેલા નિર્દેશ પ્રમાણે દિવસના સમયે સાઇલન્સ ઝોનમાં ધ્વનિપ્રદૂષણની મર્યાદા ૫૦ ડેસિબલ અને રહેવાસી વિસ્તારોમાં ૫૫ ડેસિબલ નિર્ધારિત કરવામાં આવી છે. રાતના સમયે આ મર્યાદા અનુક્રમે ૪૦ ડેસિબલ અને ૪૫ ડેસિબલ રાખવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK