ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી
માતા-પિતા કોઈ ફંક્શનમાં બાળકોને લઈ ગયાં હોય, ડિનર માટે ગયાં હોય અને કોઈક વાર બાળકો એવું અજુગતું વર્તન કરી બેસે છે કે માતા-પિતા મૂંઝવણમાં મુકાઈ જાય છે અને ગુસ્સે થઈને બાળકને ધમકાવે છે અથવા મારી દે છે. જાહેરમાં લોકોની વચ્ચે બાળકને મારવું કે ખિજાવું હિતાવહ નથી. ઘણાં માતા-પિતા પોતાના બાળકના અણછાજતા વર્તન પ્રત્યે ઉપેક્ષા સેવે છે, પરિણામે બાળકની ભૂલ સુધારતાં નથી. આમ કરવાથી બાળકની ખરાબ વર્તન કરવા માટેની હિંમત વધી જાય છે. આ બાબત પણ ઠીક નથી. ઘણાં માતા-પિતા જાહેરમાં બાળકો પ્રત્યે વધુ પડતાં સ્ટ્રિક્ટ રહે છે. ઉદાહરણ લઈએ તો રેસ્ટોરાંમાં જમતી વખતે કે સગાં-સંબંધી કે મિત્રના ઘરે ગયા હોઈએ અને બાળક જો મસ્તી, તોફાન કરે તો પેરન્ટ્સ તેને ડિસિપ્લિન શીખવવા માટે બહુ જ કઠોરતાથી પેશ આવે છે. બાળક પર બહુ જ ગુસ્સે થાય છે અથવા બધા લોકોની સામે જ મારી બેસે છે.
એક સર્વેક્ષણ અનુસાર માતા-પિતા બાળકોને થોડી માત્રામાં શારીરિક પીડા પહોંચાડીને સુધારવાની કોશિષ કરે છે. અભ્યાસ અનુસાર ૨૩ ટકા બાળકો માતાપિતાના ‘નેગેટિવ ટચ’નો અનુભવ કરે છે, જ્યારે તેઓ પોતાના પેરન્ટ્સની વાત જાહેર સ્થળે માનતાં નથી. આ નેગેટિવ ટચમાં ચૂંટલા ભરવા, કાન કે હાથ ખેંચવા, ધબ્બો કે ધક્કો મારવો, તમાચો કે લાફો મારવાનો સમાવેશ થાય છે. માતા-પિતા શા માટે પોતાના બાળક સાથે આટલું ઘાતકી કે કડક વલણ અપનાવે છે અને એની બાળક પર અસર કેવી થાય છે.
શા માટે આમ થાય છે?
જ્યારે બાળક ઘરની બહાર જાહેર સ્થળે કે અજાણ્યા લોકો વચ્ચે જાય છે ત્યારે તે અસલામતી અનુભવે છે. આને કારણે તે એવી પ્રવૃત્તિ કરે છે અથવા એવી રીતે વર્તે છે, જેમાં તેને વધારે મજા આવે અથવા તો સુરક્ષિતતાની લાગણીનો અનુભવ થાય. ઉદાહરણ તરીકે અંગૂઠો ચૂસવો કે પછી માતા-પિતાને ચીટક્યા કરવું. બાળક ઘરમાં તો સારું વર્તન કરે છે, પણ જ્યારે તેને કોઈ જગ્યા અસુરક્ષિત લાગે ત્યારે તોફાન કરે છે કે ન ગમે એવું વર્તન કરે છે, જેને કારણે માતા-પિતા હેબતાઈ જાય છે. મસ્તીખોર બાળકને હૅન્ડલ કરવામાં પેરન્ટ્સ નિષ્ફળ જવાથી ગુસ્સે થઈને બાળક પર ભડકી જાય છે અને મારી બેસે છે.
પેરન્ટ્સ જાહેરમાં વધારે સ્ટ્રિક્ટ રહે છે, કારણ કે તેમણે આપેલા સંસ્કાર પર, તેમની પેરન્ટિંગ સ્કિલ પર પ્રશ્નર્થ ઊભો થાય છે. વાલીઓને એવું પણ લાગે છે કે જાહેરમાં તેમના બાળકનું વર્તન પોતાના ઉછેર તરફ આંગળી ચીંધે છે. ઘણાં માતા-પિતા તો પોતે જ ફ્રસ્ટ્રેટ હોય છે અને પોતાનાં સપનાં પોતાનાં બાળકો દ્વારા પૂર્ણ કરવાના પ્રયત્ન કરતાં હોય છે. આવા કેસમાં સામાજિક દબાણ ઘણું ઊંચું હોય છે.
શ્રીમંત શહેરીજનો
જાહેરમાં બાળકોને ખિજાવાનું કે મારવાનું મોટા ભાગે શહેરી શ્રીમંત પરિવારોમાં વધુ જોવા મળે છે. નીચલા મધ્યમવર્ગના પરિવારોમાં આવું ઓછું જોવા મળે છે. કારણ કે શહેરી શ્રીમંત પરિવારના લોકો પોતાની સામાજિક ઇમેજની વાત આવે ત્યારે બહુ જ સાવચેત બની જાય છે. કોઈ પણ રીતે સમાજમાં તેમની છબિ ખરડાવી ન જોઈએ. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે આવા પરિવારોમાં લોકો એકબીજાનાં બાળકો દ્વારા જાહેરમાં થતા વર્તન વિશે ચર્ચા અને પૃથક્કરણ કરતા હોય છે. ઉદાહરણ લઈએ તો જો એક બાળક
છરી-કાંટાથી ન ખાતું હોય તો તરત એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહેશે, ‘જો રીમાએ તો તેના યશને છરી-કાંટાથી ખાતાંય નથી શીખવાડ્યું. માતા-પિતાએ ટેબલ-મેનર્સ તો શીખવવી જ જોઈએને? પેરન્ટ્સ પોતાના બાળકને બહાર લઈ જાય ત્યારે વ્યવસ્થિત રીતે ખાઈપી શકે એટલી ટ્રેઇનિંગ તો આપવી જ જોઈએને? રીમા તો સાવ ફૂવડ જેવી જ છે, પણ રીતેશે તો ધ્યાન આપવું જોઈએ કે નહીં?’
લો છે વાતમાં કંઈ માલ? બાળક
છરી-કાંટાથી ન ખાય ને હાથથી ખાય એ બાબતનો મોટો ઇશ્યુ બની ગયો. આ લોકો આવી નાની-નાની બાબતમાં પોતાનો મત વ્યક્ત કરીને મા-બાપ અને તેનાં બાળકો વિશે અભિપ્રાય બાંધી લેતાં અચકાતા નથી અને કોઈની ભૂલ શોધવા માટે હંમેશાં તત્પર રહે છે. આવું મધ્યમવર્ગના લોકોમાં ખાસ બનતું નથી, કારણ કે એ લોકો મહિનાના બજેટના બે છેડા મેળવવામાં જ અતિવ્યસ્ત હોય છે. તેમના માટે સોશ્યલ ગેધરિંગ, મૉલની મુલાકાત કે બગીચામાં જવું એ પ્રાથમિકતા નથી.
બાળક પર ધ્યાન આપો
ઘણી વાર માતા-પિતા બાળકો સાથે બહાર જાય છે ત્યારે બીજા લોકોને હળવા-મળવામાં કે પછી શૉપિંગમાં એટલાં વ્યસ્ત થઈ જાય છે કે બાળકોની જરૂરિયાત પર ધ્યાન જ રહેતું નથી, એથી મા-બાપનું ધ્યાન ખેંચવા માટે બાળકના મનમાં જે આવે એવી હરકત કરે છે. બાળકનો ખાવા-પીવાનો સમય થયો કે તેના પી-પી,
છી-છીનો સમય થયો એ પર મા-બાપ ધ્યાન રાખે તો બાળક બહુ પરેશાન નહીં કરે. એક ચાર વર્ષની છોકરી જ્યારે-જ્યારે તેનાં મા-બાપ સાથે બહાર જતી ત્યારે તેને યુરિન પાસ થઈ જતું હતું. જ્યારે આમ થતું ત્યારે છોકરીની મમ્મી બહુ જ ગુસ્સો કરતી, પરંતુ આ જ બાળકી જ્યારે એકલા પપ્પા સાથે બહાર જતી ત્યારે આવો કોઈ પ્રૉબ્લેમ થતો નહોતો. સાઇકિયાટ્રિસ્ટને બતાવતાં તેણે મમ્મીને સલાહ આપી કે બાળકી જ્યારે મૂત્રવિસર્જન માટે કહે ત્યારે તેને તરત જ શાંતિથી લઈ જાવ અથવા તો અમુક સમયે સામેથી જ એ માટે પૂછો. સામાન્ય રીતે આ કેસમાં બાળકી આવી વાત કરે ત્યારે મા ગુસ્સે થઈ જતી હતી. આમ કરવાથી થોડા જ સમયમાં પ્રૉબ્લેમ સૉલ્વ થઈ ગયો.
બાળકો પર અસર
જાહેરમાં બાળકોને શિસ્ત શીખવતી વખતે પેરન્ટ્સે સાવધાન રહેવું જોઈએ. તેમના પર વધારે પડતું દબાણ નહીં કરવાનું. વધારે પડતું દબાણ કરવાથી બાળકોના માનસ પર નકારાત્મક અસર પડે છે, જેને કારણે તેમને ગુસ્સો આવે છે, ફ્રસ્ટ્રેશન થાય છે અને સમાજમાં હળવા-ભળવામાંથી તેમનું મન ઊઠી જાય છે એટલે આગળ જતાં તેઓ એકલાં રહેવાનું પસંદ કરે છે. પોતાના પેરન્ટ્સના અસ્વીકૃતિભર્યા વર્તનને કારણે અંગૂઠો ચૂસવાનું પણ બાળક પસંદ કરે છે.
થોડી ઉપયોગી ટિપ્સ
બાળક જે કાર્ય કરી શકવા અસમર્થ હોય એવું કામ તેને ન સોંપો. તે જે કાર્ય કરી શકે એવું હોય એ જ કામ તેને સોંપો, જેથી તેને સફળતા મળે. જાહેરમાં બાળકને ધમકાવો નહીં. આમ કરવાથી તેના સ્વમાનને ઠેસ પહોંચે છે. જાહેરમાં કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ન કરવું જોઈએ એ વિશે બાળકને ધીમે-ધીમે અને શાંતિથી સમજાવો. કડડાઈથી કાયદાનું પાલન કરવાનું હોય એ રીતે ન કહો. જાહેરમાં શા માટે ચોક્કસ રીતે વર્તવું જોઈએ અને ઘરમાં કેમ જુદી રીતે વર્તવું જોઈએ એવા બાળકના પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપીને સમજાવો. તમે પોતે તમારા બાળક માટે રોલમૉડલ બનો. તમે પોતે સારું વર્તન કરો. તમને જોઈને તમારું બાળક પણ સારી રીતભાત શીખશે.
કર્ણાટકમાં ભયંકર ઍક્સિડન્ટ : 11 મોત
16th January, 2021 12:52 ISTમુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લખવીને પાકિસ્તાનની કોર્ટે ૧૫ વર્ષની સજા ફટકારી
9th January, 2021 15:01 ISTમુંબઈ ૨૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ફરી ધરપકડ
3rd January, 2021 13:26 IST26/11 આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
2nd January, 2021 18:13 IST