પુત્રવધૂને દીકરી સમજવાની અને દીકરીને પારકી થાપણ : એમ કેમ?

Published: 26th October, 2012 06:31 IST

સંબંધોને મારી-મચડીને ડહોળી નાખવાની શી જરૂર છે? માતા માતા છે, બહેન બહેન છે અને પરાઈ સ્ત્રી એ પરાઈ સ્ત્રી છે. આ સરળ સત્ય કેમ નથી સમજાતું?ફ્રાઇડે-ફલક - રોહિત શાહ

લેખકો દ્વારા વાચકોને પ્રેરણા મળે એવું સાહિત્ય લખાય એમાં કશુંય અચરજ નથી, પણ ક્યારેક વાચકો તરફથી લેખકને નવા અને પ્રેરક વિચારો પહોંચતા રહે છે. તમે ફલાણા વિષય પર લખો એવા આગ્રહ સાથે અજાણ્યા વાચકો તેમના વિચારો મોકલતા રહે છે. બીના લાલન એવાં જ એક અપરિચિત વાચક છે. તેમણે એક નાનકડો, પણ મજાનો ટૉપિક એકાદ અઠવાડિયા પહેલાં

ઈ-મેઇલથી મોકલ્યો હતો. તેમણે લખ્યું છે કે ‘આપણે આપણી પુત્રવધૂને દીકરી સમજવાનું કહીને અલ્ટિમેટલી આપણી ભીતરના ઈગોને તો નથી પોષતાને? પુત્રવધૂને પુત્રવધૂ તરીકે જ સ્વીકારવામાં શું ખોટું છે? એક નવી રિલેશનશિપનું અભિવાદન કરીને એને એન્જૉય કરવાનું કેમ આપણે નથી સ્વીકારતા?’

ઘણા સમય પહેલાં મેં આ પ્રકારનો એક તર્ક મારા એક પુસ્તકમાં વ્યક્ત કર્યો હતો. એમાં પિતા-પુત્રના રિલેશનની વાત હતી. પુત્ર પિતાને કહે છે કે દીકરો યુવાન થાય એટલે તેની સાથે પિતાએ મિત્ર જેવો વ્યવહાર કરવાનું શરૂ કરવું જોઈએ, પરંતુ હે પપ્પા! હું યુવાન થાઉં ત્યારે પણ તમે મારી સાથે પિતાની જેમ જ વ્યવહાર કરજો, કારણ કે આ સંસારમાં મારે મિત્રો તો અનેક છે અને નવા-નવા મિત્રો બનાવવાનું પણ શક્ય છે, પરંતુ મારા માટે પપ્પા તો તમે એક જ છો. આખી આલમમાં મારે બીજા કોઈ પપ્પા નથી અને નવા પપ્પા બનાવવાનુંય પોસિબલ નથી. તમે મિત્ર બનો તો મારે પપ્પાનું વાત્સલ્ય ખોવું પડે. તમે મિત્ર બનો તો મારું ‘પપ્પા’ નામનું છત્ર ઝૂંટવાઈ જાય એ ખોટનો ધંધો ગણાય. મિત્રો તો મને જોઈએ એટલા મળી જશે, તમારે મારા મિત્ર બનવાની જરૂર નથી. તમારી આજ્ઞા પાળવામાં અને તમારો આદર કરવામાં મને જે લહાવો મળે છે એ લહાવો મારે લૂંટાવી દેવો નથી. મારે મિત્રોની ખોટ નથી, તમે મારા મિત્ર બની જશો તો મને પપ્પાની ખોટ પડશે...

કોઈ પણ રિલેશનને આપણે તોડી-મચડી નાખવા હંમેશાં રઘવાયા રહીએ છીએ. જે સ્વરૂપે જે રિલેશન મળ્યું છે એને એ જ સ્વરૂપે આપણે સ્વીકારીને એન્જૉય કેમ નથી કરી શકતા? સૌથી ફની વાત તો એ છે કે પુત્રવધૂને આપણે દીકરી સમજવાની વાત કરીએ છીએ અને દીકરીને પાછું પારકી થાપણ સમજવાનો જાપ કરતા રહીએ છીએ. ‘અતિથિ દેવો ભવ’ કહીને અતિથિ સાથે ભગવાન સાથે કરીએ છીએ એવો વ્યવહાર કરવાનો બોધ અપાય છે. કેમ ભાઈ, અતિથિ સાથે અતિથિ જેવો વ્યવહાર કરવા દોને? પારકી સ્ત્રીને માતા કે બહેન સમજીને તેની સાથે એ મુજબ બિહેવિયર કરવાનું કહેવામાં આવે છે ત્યારે ભીતરમાં ખટકો લાગે છે. બહેન બહેન છે, માતા માતા છે અને પરાઈ સ્ત્રી એ પરાઈ સ્ત્રી છે. આ સત્યને મારી-મચડીને એને જૂઠાણામાં ફેરવવાની અનિવાર્યતા શી છે? પરાયા પુરુષને પિતા કે ભાઈ શા માટે સમજવાનો? હા, કોઈ વ્યક્તિએ સ્વેચ્છાએ અને પોતાના વ્યક્તિગત કારણે કોઈને ‘ધરમની બહેન’ કે ‘ધરમનો ભાઈ’ બનાવ્યાં હોય તો એ તેમની અંગત બાબત છે. કોઈને સગો ભાઈ ન હોય કે કોઈને સગી બહેન ન હોય ત્યારે એ રીતે ખોટ પૂરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તમામ પરાઈ સ્ત્રીને માતા કે બહેન સમજવાનું અને તમામ પરાયા પુરુષોને પિતા કે ભાઈ સમજવાનું એક્સેપ્ટેબલ નથી. ક્યારેક તો એવુંય બને છે કે દુનિયાને દેખાડવા માટે ‘ધરમના ભાઈ કે બહેન’ બનેલાં બે પાત્રો ખાનગીમાં તમામ લક્ષ્મણરેખાઓ ઓળંગી ચૂક્યાં હોય છે.

વચ્ચે એક રમૂજ કહી દઉં? એક પપ્પાએ તેના પુત્રને ઍડવાઇસ આપતાં કહ્યું કે આપણા મહોલ્લાની તમામ ગર્લ્સને તારે બહેન સમજવાની. એમ કરવાથી મહોલ્લામાં તારું ચારિત્ર ઊજળું દેખાશે! દીકરાએ તરત કહ્યું, ‘પપ્પા, મહોલ્લાની દરેક ગર્લને હું બહેન સમજીશ તો મારું કૅરૅક્ટર ઊજળું દેખાશે એ ખરું, પણ પછી તમારા કૅરૅક્ટરનું શું? મહોલ્લાની તમામ ગર્લ્સ જો મારી બહેનો ગણીએ તો તમારું ચારિત્ર કલંકિત થશેને!’

આપણને સત્ય પચતુંય નથી અને રુચતુંય નથી. કોઈ ને કોઈ રીતે આપણે સત્યથી દૂર ભાગીએ છીએ. સાસુ એ સાસુ છે. સાસુને સાસુ તરીકે આદર આપોને. પણ ના, સાસુને માતાસમાન ગણવાની, બોલો! સસરાને પિતાસમાન ગણવાના! નણંદને બહેન સમજવાની અને દિયરને ભાઈ સમજવાનો! સાળીને? ખેર, બહુ ઊંડા ઊતરવા જેવું નથી. સંબંધોનું સરોવર ડહોળાઈ જશે.

કેરીને જ્યાં સુધી આપણે અથાણામાં રૂપાંતરિત નથી કરતા ત્યાં સુધી આપણો માંહ્યલો આપણને સળી કરતો રહે છે. લીંબુ-મરચાંનુંય અથાણું કરી નાખીએ છીએ! જૈનો મેથી અને ગુવારની શિંગને સૂકવીને પછી બારેમાસ વાપરે છે. શું કરવાથી આપણને ફાયદો થાય અને શું કરવાથી આપણને થતો ફાયદો લાંબો સમય ટકે એનાં સમીકરણો ગોઠવવામાં આપણે આપણું આયખું વિતાવીએ છીએ.

ઘણા બબૂચક બાવાઓ તો વળી સાવ નફ્ફટ થઈને એવો ઉપદેશ આપે છે કે દુ:ખને દુ:ખ ન માનો, શત્રુને શત્રુ ન માનો, દુ:ખમાંય સુખનો અનુભવ કરો, દુ:ખને સુખ જ સમજો અને શત્રુને મિત્ર જ સમજો! અરે ગાંડા, જો એમ જ હતું તો પછી તુંય સંસારને મોક્ષ સમજીને સંસારમાં રહ્યો હોત તો તારા પૂજ્ય પિતાશ્રીનું શું જતું રહેવાનું હતું? તું સંસારને મોક્ષ કેમ નથી સમજી શકતો? તો પછી હું દુ:ખને સુખ સમજું એવો નાદાન લાગું છું તને? મોક્ષ મેળવવા માટે સંસાર છોડવાની શી જરૂર છે? સંસારને જ મોક્ષ સમજોને!

આપણી સંસ્કારિતાનું શું?

બીના લાલનનો મુદ્દો સાચો છે. પુત્રવધૂ સાથે એક નવી રિલેશનશિપ એન્જૉય કરવી જોઈએ. તેને વહાલથી વિશેષ અધિકારો આપવા જોઈએ. તેને ફૅમિલીની એક મહત્વની વ્યક્તિ સમજવી જોઈએ. તેની ભૂલ હોય ત્યારે કશીયે કડવાશ વગર તેની સાથે નિખાલસ વાત કરી જ શકાય. કેટલાંક સાસરિયાં એવાં હોય છે કે પુત્રવધૂની નાનકડીયે ભૂલ દેખાય કે તરત તેનાં પિયરિયાંને ગાળો ભાંડવાનો બિઝનેસ શરૂ કરી દે છે. ‘તારી માએ તને આટલું પણ નથી શીખવાડ્યું?’, ‘તારાં મા-બાપે તને બહુ ફટવી મારી છે.’ એવાં મહેણાં મારવાથી તો આપણે પોતે જ હલકાં પુરવાર થઈએ છીએ! વહુનાં પિયરિયાંની સંસ્કારિતા અને ખાનદાનીનો હિસાબ માગતી વખતે આપણે આપણી સંસ્કારિતા અને ખાનદાનીને કેવી રીતે ભૂલી જઈ શકીએ? પુત્રવધૂ પુત્ર કરતાં વધુ લાડ-પ્યાર પામવાનો હક ધરાવે છે એટલું સમજાઈ જાય તો તેને દીકરી સમજવાની વાતનો છેદ જ ઊડી જશે.

નાનકડાં રહસ્યો સમજીએ

કોઈ આપણને કહે કે હાથીને કીડી સમજો અને કબૂતરને અજગર સમજો તો એમ કહેનારો મૂરખ જ લાગશે. આકાશ આકાશ છે અને ધરતી ધરતી છે. આકાશને ધરતી ન સમજાય અને ધરતીને આકાશ ન કહેવાય. સચ્ચાઈ તો એ છે કે મૂર્તિ એ મૂર્તિ છે. હું એને ઈશ્વર કેમ માનું? ફોટો-છબિ એ ફોટો જ છે, એને હું દેવ-દેવી કેમ સમજું? જેની જે ઓળખ છે એ શું ખોટી છે? એકસો રૂપિયાની નોટને હજાર રૂપિયાની નોટ સમજી લેવાય ખરી? આમ તો એકસોની નોટ હોય કે હજારની નોટ હોય, આખરે તો એ કાગળનો ટુકડો છે, પણ એના પર પ્રિન્ટિંગ કરીને એને જે ઓળખ આપી છે એનું આપણે અભિવાદન કરીએ છીએ. એને કાગળનો ટુકડો સમજીને ફેંકી નથી દેતા. જીવનનાં આવાં નાનકડાં રહસ્યો સમજી શકાય તો સચ્ચાઈના અજવાળામાં સાચું સુખ મળવાની સંભાવના વધી જાય એવું હું માનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK