Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં પ્રથમ વાર ૩૬ લાખ નવકારમંત્રના જાપ

મુલુંડમાં પ્રથમ વાર ૩૬ લાખ નવકારમંત્રના જાપ

10 October, 2012 08:42 AM IST |

મુલુંડમાં પ્રથમ વાર ૩૬ લાખ નવકારમંત્રના જાપ

મુલુંડમાં પ્રથમ વાર ૩૬ લાખ નવકારમંત્રના જાપ




મુલુંડ-વેસ્ટના સર્વોદયનગરમાં આવેલા સવોર્દય હાઇટ્સમાં સૌપ્રથમ વાર સમસ્ત જૈન સંઘો દ્વારા ૩૬ લાખ નવકારમંત્રના જાપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા જૈનચાર્યોએ નવકારમંત્રની સમજણ સાથે જૈનોને સંપ્રદાય અને પંથ ભૂલીને એક થવાનું આહ્વાન કર્યું હતું. જૈનાચાર્યોએ કહ્યું હતું કે ‘હવે પૈસા નહીં, જૈનોમાં એકતાની આવશ્યકતા વધુ જરૂરી છે. આજનો યુવાન નવકારમંત્રનો પાઠ કરનાર એટલે મહાવીરનો અનુયાયી એ જ વાતને સમજે છે. તેને ગચ્છ અને વાડા કે બે તિથિની વાતોમાં રસ નથી.’





રવિવારે સવારે મુલુંડ-વેસ્ટના સવોર્દય હાઇટ્સમાં ઘાટકોપરના જાણીતા બિલ્ડર મુકેશ મગનલાલ દોશી પરિવાર અને સમસ્ત જૈન સંઘોના બનેલા જૈન મહાસંઘ દ્વારા આયોજિત ૩૬ લાખ નવકારમંત્રના જાપ પ્રસંગે જનમેદનીને સંબોધતાં મુલુંડ-વેસ્ટના ઝવેર રોડના વાસુપૂજ્ય સ્વામી દેરાસર-ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે બિરાજમાન આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘જ્યાં સુધી જૈનોમાં એકતા નથી ત્યાં સુધી દેવનાર જેવાં કતલખાનાંમાં હજારો પશુઓની કતલને રોકવા આપણે અસમર્થ છીએ. જીવદયાનાં કાર્યો કરવા માટે સરકાર સામે આપણો એક અવાજ હોવો જરૂરી છે.’

મુનિ વજ્રરત્નસાગરજી મહારાજસાહેબે જનમેદનીને સંબોધતાં કહ્યું કે ‘સૌથી મોટી વસ્તી ચાઇનામાં, સૌથી વધુ નૉન-વેજ ખવાય છે ઑસ્ટ્રેલિયામાં અને સૌથી વધુ જનાવર કપાય છે મુંબઈના દેવનાર કતલખાનામાં. આમ કેમ? જ્યાં સુધી જૈનો દેવનાર જેવાં કતલખાનાં બંધ કરવા માટે આક્રોશિત નહીં બને ત્યાં સુધી જૈનોના અહિંસા પરમો ધર્મના સૂત્રનું પાલન નહીં થાય.’



આચાર્ય સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘આજના ૩૬ લાખ નવકારમંત્રના જાપનો મુખ્ય ઉદ્દેશ વિશ્વશાંતિનો છે, પણ આ વિશ્વશાંતિ લાવવા માટે જીવદયા અત્યંત જરૂરી છે. આજે દેશનાં જૈન મંદિરો અને ભગવાનની મૂર્તિઓ પર હુમલા થાય છે. સંપ્રદાય અને પંથ અલગ-અલગ છે, પણ સૌ જૈનો માટે નવકારમંત્ર એક જ છે. આ ૩૬ લાખ નવકારમંત્રના જાપથી જૈનોમાં એકતા સ્થાપવાનો પણ અમારો પ્રયાસ છે. અગાઉ અમે પયુર્ષણ પર્વ પછી મુલુંડના સમસ્ત જૈન સંઘોથી બનેલા મહાસંઘના ઉપક્રમે સર્વ પંથના સાધુઓ અને શ્રાવકોને એક બૅનર હેઠળ લાવી રથયાત્રાનું આયોજન કર્યું હતું. ત્યાર પછી આ નવકારમંત્રના જાપના આયોજન પાછળનું પ્રયોજન પણ સમસ્ત જૈન સંઘોને એક છત્ર નીચે લાવવા માટે જ છે. આજનો સમય એકતા માગે છે.’

જૈનાચાયોર્નાં આ પ્રવચનો પહેલાં ૩૬ લાખ નવકારમંત્રના જાપની શરૂઆતમાં આચાર્ય અપૂર્વમંગલરત્નસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય અમરરત્નસાગરજી મહારાજસાહેબે નવકારપટ્ટની સ્થાપના કરી હતી તેમ જ પ્રશમરત્ન આગમરત્ન સાગરજી મહારાજસાહેબે ૐકારનો નાદ કરાવ્યો હતો. આચાર્ય અપૂર્વમંગલરત્નસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને આચાર્ય રાજહંસસૂરીશ્વરજી મહારાજસાહેબે શરીરશુદ્ધિ અને આત્મશુદ્ધિ કરાવીને નવકારમંત્રના જાપનું મંગલાચરણ કર્યું હતું, જેમાં ૫૦૦૦થી વધુ શ્રાવક-શ્રાવિકાઓ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જૈન અગ્રણી દીપચંદ ગાર્ડી, સેલો ગ્રુપવાળા પ્રદીપ રાઠોડ, નાહર ગ્રુપવાળા સુખરાજ નાહર, દાનવીર ખનકરાજ લોઢા અને જાણીતા બિલ્ડર નયન ભેદા હાજર રહ્યા હતા.

આ સંપૂર્ણ જાપના પ્રસંગની પ્રેરણા અને સંચાલન મુનિ વ્રજરત્નસાગરજી મહારાજસાહેબે કર્યું હતું.

મુલુંડમાં ચાતુર્માસ માટે બિરાજમાન આચાર્ય શાંતિચંદ્રસૂરીશ્વજી મહારાજસાહેબ, આચાર્ય અપૂર્વમંગલરત્નસાગરસૂરીશ્વરજી, આચાર્ય સાગરચંદ્રસાગરસૂરીશ્વરજી, આચાર્ય રાજહંસસૂરીશ્વરજી, આદિ વિશાલ શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સંગીતકાર વિનીત ગેમાવતે નવકારમંત્રના જાપની ધૂમ મચાવી હતી.

પ્રદીપ રાઠોડે સન્માન નકાર્યું


આ કાર્યક્રમમાં જૈન અગ્રણી દીપચંદ ગાર્ડી અને સેલો ગ્રુપના પ્રદીપ રાઠોડને શાસનરત્નની પદવી આપવામાં આવી હતી, પરંતુ પ્રદીપ રાઠોડે આ પદવી સ્વીકારી નહોતી. તેમણે કહ્યું હતું કે ‘હજી હું પદવી માટે અયોગ્ય છું. જૈનશાસનની ૧૦ વર્ષ સુધી સેવા કર્યા પછી હું એનો સાચો હકદાર બનીશ.’

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2012 08:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK