ફૂટપાથ પર ફેરિયાઓના કબજાને લીધે બૅન્કો બની ગઈ અસુરક્ષિત

Published: 26th September, 2012 08:14 IST

સુધરાઈ અને પોલીસ જવાબદારીનો ટોપલો એકબીજા પર ઢોળી રહી છેઘાટકોપરની બૅન્કોની બહાર ફેરિયાઓ અને કચરાવાળાઓ જેવાં અનેક દૂષણોએ ફૂટપાથો પર કબજો મેળવી લીધો છે. આ લોકો સામે બૅન્કો અને આ વિસ્તારના રહેવાસીઓ તરફથી અનેક વાર લેખિત ફરિયાદો સુધરાઈને થઈ હોવા છતાં સુધરાઈએ આ બાબતમાં કોઈ જ પગલાં લીધાં નથી. પરિણામે બૅન્કોમાં આવતા-જતા લોકો અસુરક્ષિતતા મહેસૂસ કરી રહ્યા છે. સુધરાઈ કહે છે કે આ પોલીસનું કામ છે અને પોલીસ કહે છે કે આ સુધરાઈનું કામ છે. આમ એકબીજા પર જવાબદારીનો ટોપલો ઢોળી રહ્યા છે, પણ બન્નેમાંથી કોઈને બૅન્કો અને બૅન્કોના ગ્રાહકો સાથે અઘટિત બનાવ બની શકે એની ચિંતા નથી.

ઘાટકોપર-વેસ્ટમાં મહાત્મા ગાંધી રોડ પર આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયા, રાજાવાડીમાં આવેલી શામરાવ વિઠ્ઠલ કો-ઑપરેટિવ બૅન્ક, બૅન્ક ઑફ બરોડાના મેઇન ગેટની બહારની ફૂટપાથ પર ફેરિયાઓ, કચરાવાળાઓ અને એના જેવાં દૂષણોએ કબજો કરી લીધો હોવાથી આ બૅન્કો અસુરક્ષિત બની ગઈ છે. ૧૧ સપ્ટેમ્બરે મધરાતે રાજાવાડીના જય જલારામ ધામમાંથી ૧,૫૦,૦૦૦ રૂપિયાનાં ચાંદીનાં છત્રોની ચોરી પછી સ્થાનિક રહેવાસીઓએ ઘટનાસ્થળે આવેલા તિલકનગર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ કમિશનર શ્રીધર ઢગે અને તિલકનગર પોલીસ-સ્ટેશનના અન્ય પોલીસ-અધિકારીઓ સામે આ બાબતની ફરિયાદ કરી ત્યારે પોલીસ-અધિકારીઓએ એનો પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે આ અમારી જવાબદારી નથી,  આ સુધરાઈની જવાબદારી છે.

આ અધિકારીઓને મિડ-ડે LOCALએ પૂછ્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામો હટાવવાની જવાબદારી સુધરાઈની, પણ એ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ બંધ કરાવવાની જવાબદારી કોની?’

આ સવાલના જવાબમાં પોલીસે કહ્યું હતું કે ‘સુધરાઈ ગેરકાયદે બાંધકામો હટાવી લે એટલે અસામાજિક પ્રવૃતિઓ એની જાતે બંધ થઈ જશે.’

મહાત્મા ગાંધી રોડના સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બૅન્ક ઑફ ઇન્ડિયામાં તો ફેરિયાઓએ મેઇન ગેટ અને એટીએમની મહેરબાની પૂરતી જ જગ્યા ખાલી રાખી છે. બૅન્કની બહારની દીવાલો પર પણ ફેરિયાઓએ કબજો કરી લીધો છે. સૌથી વિશેષ વાત તો એ છે કે ફેરિયાઓ માટે સવારે સાફસફાઈ સુધરાઈનો જ એક કર્મચારી કરી આપે છે અને ફેરિયાઓ આવે નહીં ત્યાં સુધી આ કર્મચારી તેમના વતી ફૂટપાથ પર કોઈ આવી ન જાય એનું સવારના સમયે ધ્યાન પણ રાખે છે.’

રાજાવાડીના રહેવાસીઓએ આ સંદર્ભમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘શામરાવ વિઠ્ઠલ બૅન્કના મેઇન ગેટની બહારની ફૂટપાથ પર એક ચરસી વષોર્થી કબજો જમાવીને બેઠો છે. તેને હટાવવાની કોશિશ કરે તો તે ગાળાગાળી અને ધમકીઓનો વરસાદ વરસાવી દૂષણ ઊભું કરે છે. આ ચરસીના ઝંૂપડામાં રાત પડતાં અસામાજિક પ્રવૃતિઓ પણ થાય છે. આમ છતાં સુધરાઈ કે પોલીસ તેની સામે કોઈ પણ પગલાં લેતાં ડરે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK