કૉલેજમાં ઍડ્મિશન ન મળ્યું ને સવા લાખ રૂપિયા પણ ગયા

Published: 11th September, 2012 05:14 IST

૧૭ વર્ષના ગુજરાતી સ્ટુડન્ટ સાથે છેતરપિંડી : દસમા-બારમા ધોરણનાં સર્ટિફિકેટ પાછાં આપવા પાંચ લાખ રૂપિયા માગ્યા : વર્ષ પણ બગડ્યુંઅંધેરી (ઈસ્ટ)માં આવેલી ભવન્સ કૉલેજના કૅમ્પસની સરદાર પટેલ એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન લેવા ગયેલા સાગર ભૂપત સૂપેડા સાથે સવા લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. અત્યારે તો કૉલેજમાં ઍડ્મિશન ન મળતાં સાગરનું એક વર્ષ બગડી ગયું છે અને તેને કોઈ પણ કૉલેજમાં ઍડ્મિશન મળ્યું નથી. દહિસર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે આ વિશે દહિસર (ઈસ્ટ)માં સાંઈકૃપાનગરમાં રહેતા હિંમત જૈન અને હિમાંશુ ભરખડા વિરુદ્ધ છેતરપિંડી અને કૉલેજનાં બનાવટી કાગળિયાં બનાવવાના ગુના હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આજે હિંમત જૈન અને હિમાંશુની ધરપકડ કરવામાં આવશે એમ પોલીસસૂત્રોએ કહ્યું હતું.

પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ‘દહિસર (ઈસ્ટ)ની હીરાલાલ યાદવ ચાલમાં રહેતા ૧૭ વર્ષના સ્ટુડન્ટ સાગર સૂપેડાએ ૨૦૧૨માં માતૃછાયા જુનિયર કૉલેજમાંથી ૧૨મું ધોરણ પાસ કરી ૫૬.૬૭ ટકા મેળવ્યા હતા, જ્યારે સીઈટીની એક્ઝામમાં તેને ૧૧૪ માર્ક આવ્યા હતા. ટકા ઓછા આવતાં તેને સરદાર પટેલ એન્જિનિયરિંગ કૉલેજમાં સિવિલ એન્જિનિયરિંગના ફસ્ર્ટ યરમાં ઍડ્મિશન મળ્યું નહોતું. દરમ્યાન સાગરના પિતા ભૂપતભાઈની મુલાકાત હિંમત જૈન અને હિમાંશુ ભરખડા સાથે થઈ હતી. તેમણે ભૂપતભાઈ પાસે કૉલેજમાં ઍડ્મિશન કરી આપવા કૉલેજના ફી સહિત સવા લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે ટેલરિંગનું કામ કરતા ભૂપતભાઈ પાસે એટલા રૂપિયા નહોતા. એને કારણે તેમણે પોતાની માતાનું મંગળસૂત્ર સોની પાસે ગિરવે મૂકી ૬૫,૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા અને કૉલેજમાં ઍડ્મિશન કરી આપવા એ પૈસા હિંમત અને હિમાંશુને આપી દીધા હતા.’

સૌરાષ્ટ્રના વાંઝા જ્ઞાતિના ભૂપતભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ ઑગસ્ટે હિંમત અને હિમાંશુ મારા પુત્ર સાગરને કૉલેજમાં લઈ ગયા હતા અને કૉલેજના બનાવટી ફૉર્મ પર તેનો ફોટો ચોંટાડી તેનું ઍડ્મિશન થઈ જશે એમ કહ્યું હતું. દરેક કૉલેજની ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ભરવામાં આવે છે એમ કહી તેમણે કૉલેજના નામ પર મને ૫૧,૪૧૦ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આપવા કહ્યું હતું એટલે મેં કૉપોર્રેશન બૅન્કમાંથી ૫૧,૪૧૦ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી હિંમત અને હિમાંશુને આપી દીધો હતો. ત્યાર બાદ તેમણે મને ૫૧,૪૧૦ રૂપિયાની કૉલેજના નામની બનાવટી રસીદ પણ આપી હતી એટલે મને લાગ્યું કે મારા દીકરાનું ઍડ્મિશન થઈ ગયું છે, પણ કૉલેજના ઍડ્મિશન લિસ્ટમાં મારા દીકરાનું નામ જ નહોતું. બે મહિના સુધી કૉલેજમાં ઍડ્મિશન ન થતાં મેં તેમની પાસે રૂપિયા પાછા માગતાં તેમણે મને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે દસમા અને બારમા ધોરણનાં સાગરનાં સર્ટિફિકેટ પણ હિંમત અને હિમાંશુએ જપ્ત કરી લીધાં હતાં અને એ પાછાં આપવા માટે મારી પાસે પાંચ લાખ રૂપિયા માગ્યા હતા. એથી આખરે ગઈ કાલે મેં દહિસર પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.’

સીઈટી = કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK