અગત્યની વાત આડે પાટે ચડી જાય ત્યારે શું કરશો?

Published: 10th September, 2012 06:21 IST

ઘણી વખત આપણે સ્નેહીને કશીક મહત્વની વાત કરવા ફોન જોડ્યો હોય... પછી વાત એવી આડે પાટે ચડી જાય કે બીજી ફાલતુ ઘણી વાતો થાય... પણ કહેવાની મૂળ વાત જ રહી જાય : તમારે આવું બને છે ખરું?મન્ડે-મંથન - રોહિત શાહ

લાઇફમાં ક્યારેક એવું બને છે કે આપણી સામે અગત્યના ઘણા પ્રશ્નો અને મુદ્દાઓ હોય છતાં એ તરફ આપણું ધ્યાન સ્થિર થતું નથી અને એની આજુબાજુની મામૂલી બાબતોમાં ગૂંચવાઈ જઈએ છીએ.

બાબા રામદેવ જ્યારે આંદોલન કરવા બેઠા અને પછી મહિલાનાં વસ્ત્રોમાં ભાગી છૂટ્યાં ત્યારે મહત્વની વાત આંદોલનની હતી, પરંતુ દરેક ટીવીચૅનલ પર બાબા રામદેવને મહિલાનાં વસ્ત્રોમાં ભાગતા બતાવ્યા. આંદોલન શેના માટે હતું? આંદોલનના મુદ્દા કયા હતા? એ મહત્વના મુદ્દા બાજુમાં ધકેલાઈ ગયા હતા.

એક સ્નેહીને ત્યાં તેમના પિતાનું અવસાન થયું. બીજા દિવસે બેસણું રાખ્યું હતું. બેસણા પ્રસંગે પિતાજીનો ફોટો મૂકવાની વાત નીકળી. તેમને ત્રણ-ત્રણ દીકરાઓ હતા, પણ કોઈની પાસે પિતાનો જેવો જોઈતો હતો એવો ફોટો નહોતો.

‘ફોટો કેમ નથી’ ત્યાંથી શરૂ કરીને ‘તમને તમારા પિતા પ્રત્યે પ્રેમ જ નહોતો... તેમના મૃત્યુથી હાશ છૂટ્યાં - એવું તમને લાગતું હશે...’ ત્યાં સુધીના આક્ષેપો અને ઠપકા શરૂ થઈ ગયા.

એક ભાઈને તો એટલી હદે માઠું લાગ્યું કે ગુસ્સે થઈને બોલ્યા, ‘તમારે બેસણું કરવું હોય તો કરજો. હું તો કાલે બેસણામાં આવવાનો જ નથી...’ કહીને નીકળી ગયો. પછી બીજા વડીલોને મોકલીને તેમને સમજાવવામાં સમય વીત્યો. મૂળ વાત પિતાનો ફોટો જોઈતો હતો એટલી જ હતી. ત્રણમાંથી કોઈ ભાઈ પાસે તેમના પિતાનો ફોટો નહોતો એ દુ:ખની વાત હતી. પિતાજી કંઈ નાની ઉંમરે એકાએક મૃત્યુ નહોતા પામ્યા. એંશી વર્ષની ઉંમર હતી. થોડા બીમાર પણ હતા. ગમે ત્યારે મૃત્યુ પામવાની સંભાવના હતી જ. છતાં એકેય ભાઈએ ઍડવાન્સમાં કશી તૈયારી રાખી જ નહોતી, પરંતુ એ મૂળ વાત બાજુએ ધકેલાઈ ગઈ અને ભાઈઓ-ભાઈઓ વચ્ચે ઝઘડો વધી પડ્યો. રિસાયેલા ભાઈને મનાવવાનો મુદ્દો મહત્વનો થઈ પડ્યો.

જ્યારે આવું બને ત્યારે સાવધ થઈ જવું જોઈએ. વિષયાંતર થવા માંડે, ગાડી આડા પાટે ચઢવા માંડે એટલે તરત અટકી જવું જોઈએ. નહીંતર વાતનું વતેસર થઈ જશે.

હમણાં રાજ ઠાકરેએ પાકિસ્તાની કહેવાતા કલાકારોને આપણા ટીવીસિરિયલના નર્મિાતાઓ જે રીતે પ્રમોટ કરી રહ્યા છે એની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે એમ કહેલું કે જો પાકિસ્તાની કલાકારોને આ રીતે ભારતમાં ખોટું ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ કરવામાં નહીં આવે તો હિન્દી ટીવી-ચૅનલોને બંધ કરાવી દઈશ. હવે આ આખીયે વાતમાં મૂળ વાત - મહત્વનો મુદ્દો તો માત્ર એ જ હતો કે પાકિસ્તાન જેવા ગદ્દાર દેશ સાથે કોઈ નાતો રાખવાની જરૂર નથી. પાકિસ્તાન આપણા કલાકારો પ્રત્યે કયા સન્માનનો વ્યવહાર રાખે છે? ઊલટાનું આપણે પાકિસ્તાન સાથે જ્યારે-જ્યારે જેટલા સારા વ્યવહાર કરીને ઉદારતા બતાવી છે, ત્યારે-ત્યારે પાકિસ્તાને એનો ગેરલાભ લીધો છે. કલાના નામે કે રમતગમતના નામે પાકિસ્તાનને પોષવાની જરૂર નથી. કલા અને રમતગમત મહત્વનાં અને સ્વતંત્ર ક્ષેત્રો છે એમ સ્વીકારીએ તો પણ રાષ્ટ્રપ્રેમથી ઊંચાં એ ક્ષેત્રોને ના બનાવી શકાય. હવે આ મૂળ મુદ્દો બાજુમાં સરકી ગયો અને કેટલાક મુત્સદ્દી પૉલિટિશ્યનો કહેવા માંડ્યા કે રાજ ઠાકરેને ચોથી જાગીર (જર્નાલિઝમ) પર પ્રહાર કરવાનો કોઈ હક નથી. પાકિસ્તાની કલાકારોને આપણે પ્રોત્સાહન ન આપવું જોઈએ એની ચર્ચા થાય એ વાજબી હતું, પણ હિન્દી ટીવીચૅનલ બંધ કરાવી દેવાનું રાજ ઠાકરે બોલ્યા એના વિશે ચર્ચા ફંટાઈ ગઈ. મુત્સદ્દી અને પૉલિટિક્સ સાથે નાતો ધરાવતા લોકોને તો આવું જ કરવામાં રસ હોય છે. પોતાની પોલ ખૂલી જવાની વાત હોય ત્યારે એને આડે પાટે કેમ ચઢાવી દેવી એની કલા તે જાણતા હોય છે.

ઘણા છીછરા લોકો લાગ જોઈને સામેની વ્યક્તિ પર હલકટ હુમલો કરતા હોય છે. એક જગ્યાએ મૅરેજનો મસ્તીભર્યો માહોલ હતો. સ્વજનો-મિત્રો ઉલ્લાસથી અવસર માણતા હતા ત્યાં કોઈ બહેનના રડવાનો અવાજ આવ્યો. તે બહેનને એક ટોળું શાંત પાડવા સમજાવી રહ્યું હતું. પછીથી સૌને ખબર પડી કે તે બહેન વરરાજાનાં ફોઈબા હતાં. તેમને પોતાના ભાઈ સાથે એટલે કે વરરાજાના પપ્પા સાથે કંઈક વાંધો પડ્યો હતો. સગી બહેને ભાઈના ઘેર શુભ અવસરે તાયફો-તમાશો કરી મૂક્યો. સ્વજનો-મિત્રો આવ્યા તો હતા લગ્ન માણવા, પણ હવે એ રિસાયેલાં બહેનને મનાવવા ભીડ કરવા લાગ્યા. આવું બને ત્યારે નફ્ફટ વ્યક્તિને ઓર પ્રોત્સાહન મળી જતું હોય છે. જેમ-જેમ લોકો તેને વધારે શાંત પાડવા કાલાવાલા કરે એમ-એમ તે વ્યક્તિ વધારે ઉગ્ર અને લુચ્ચી બનતી જાય. મેં કેવા સૌને દિંગ કરી દીધા... મેં કેવા સૌને ચૂપ કરી મૂક્યા? એમ વિચારીને તે રાજી થાય છે. અહીં પણ એવું જ થતું હતું. એકાએક દૂરથી વરરાજાના પપ્પા આવ્યા અને પોતાની બહેનને મોટા અવાજે કહી દીધું, ‘બહેન, જે કંઈ થયું છે અને જે કંઈ કર્યું છે એ બિલકુલ બરાબર કર્યું છે. તને મંજૂર ન હોય કે તને માફક ન આવ્યું હોય તો તું અત્યારે જ અહીંથી નીકળી જઈ શકે છે. ખોટા તાયફા-તમાશા કરવાની જરૂર નથી. હું કંઈ માફીયે માગવાનો નથી કે હું તારી કોઈ ડિમાન્ડ પૂરી કરવાનો નથી.’ બહેન આ રીતે ભાઈનો વળતો પ્રહાર જોઈને ડરી ગઈ અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. તાયફા કરનારા લોકો પાસે સત્યનો પ્રતિકાર કરવાની કશી ઓકાત નથી હોતી.

લગ્ન જેવો લગ્નપ્રસંગ ગૌણ બની જાય અને સ્વાર્થી-કપટી વ્યક્તિની નફ્ફટાઈ મુખ્ય બની જાય એવું શા માટે ચલાવી લેવાનું? કૂકડો નહીં હોય તો કંઈ સવાર નહીં પડે એવું થોડું હોય છે?

થોડા વખત પહેલાં એક મજાની ઘટના બની હતી. એક જગ્યાએ બે મિત્રો વચ્ચે કોઈ કારણે મોટો ઝઘડો થઈ ગયો હતો. તે બન્નેને ઓળખતા એક ભાઈએ તે બે મિત્રો વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. એમાં અલ્ટિમેટલી એવું બન્યું કે તે બન્ને મિત્રો કોઈક મુદ્દા પર એકમત થઈ ગયા ને પેલા સમાધાન કરાવવા આવેલા ભાઈ પર તૂટી પડ્યા. મૂળ વાત - મુખ્ય વાત ક્યારે ગૌણ બની જશે અને એની આડશમાં કોઈ સાવ ગૌણ-ફાલતુ વાત મહત્વની થઈ જશે એની ખબર જ નથી પડતી.

અપમાન એ જ વસ્ત્રહરણ

દ્રૌપદીનું વસ્ત્રહરણ કરનાર દુ:શાસન અને એ માટેની આજ્ઞા કરનાર દુર્યોધનની આપણે જેટલી ટીકા કરીએ છીએ એટલી ટીકા દ્રૌપદીને દ્યુતક્રીડામાં દાવ પર મૂકનાર યુધિષ્ઠિરની નથી કરતા. ‘ધર્મરાજા’ કહીને આપણે તેમનો આદર કરીએ છીએ. યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી ન હોત અને તેને હાર્યા ન હોત તો આ દુર્ઘટના ટળી જાત, પણ મૂળ વાત તરફ આપણે ધ્યાન આપવાનું ક્યારેક હેતપૂર્વક છોડી દઈએ છીએ. દ્રૌપદીનું ખરું વસ્ત્રહરણ તો યુધિષ્ઠિરે જ કર્યું કહેવાય. પતિ પોતાની પત્નીને દાવ પર મૂકે એનાથી મોટું તેનું ઇન્સલ્ટ કયું હોઈ શકે? અપમાન પણ વસ્ત્રહરણ જ કહેવાય.

બોલો, મૂળ વાત કઈ?

એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલ્યો. પતિ કહેતો હતો કે આપણા દીકરાને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવીશું. પત્ની કહેતી હતી, ના, તેને ડૉક્ટર જ બનાવવો છે. બન્ને પોતપોતાના આગ્રહને વળગીને ઉગ્ર બનતાં હતાં. ત્યાંથી પસાર થતા કોઈક સ્નેહીએ તે બન્નેને શાંત પાડતાં કહ્યું, ‘તમે શા માટે તમારા પુત્રની કરીઅર બાબતે આમ ઝઘડી રહ્યાં છો? તમારા પુત્રને પહેલાં પૂછો કે તે શું બનવા ઇચ્છે છે. તેની ઇચ્છા જાણવાની કોશિશ કરોને!’ પત્ની બોલી, ‘એ તો ઇમ્પોસિબલ છે. હજી અમારે દીકરો થયો જ નથી. દીકરો આવે એ પછી તેને શું બનાવીશું એની અમે ચર્ચા કરી રહ્યાં છીએ!’ બોલો, આમાંથી મૂળ વાત કઈ એ તમે પકડી શકશો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK