વિદેશ જઈ રહેલા સ્વજનને વિદાય આપવાનું કેવું વસમું

Published: 7th September, 2012 06:17 IST

વિદાયની આખરી ક્ષણોમાં વિદેશ જનાર સ્નેહીને ચિંતા ઊપજે કે દહેશત પેદા થાય એવી વાત ન કરવી. ઊલટાનું ‘કુછ મીઠા હો જાએ...’ એવો અભિગમ રાખીને તેને વિદાય આપવી જોઈએ

airport-goફ્રાઇડે-ફલક - રોહિત શાહ

તમે તમારા કોઈ સ્નેહી-સ્વજનને વિદેશની યાત્રા વખતે વિદાય આપવા ઍરપોર્ટ ગયા હશો, તો ત્યાં કેવાં-કેવાં ચિત્ર-વિચિત્ર દૃશ્યો સર્જાય છે એનો અનુભવ તમને થયો જ હશે.

અશ્રુભીની આંખે શુભેચ્છાઓ અને શિખામણો ઠલવાતી હોય. કોણ-કોણ વિદાય આપવા આવ્યું છે એની આડકતરી નોંધ લેવાતી હોય. કોઈ આલિંગન આપીને, કોઈ ચૂમી કરીને તો કોઈ શેકહૅન્ડ કરીને લાગણીભર્યા ઉદ્ગારો ઉચ્ચારતું હોય. કોઈ બુકે લઈને આવ્યું હોય તો કોઈ પુષ્પમાળા લઈને આવ્યું હોય. કેટલાક લોકોની શુભેચ્છાઓ અતિ વાચાળ હોય તો કેટલાક લોકોની લાગણી ખામોશ રહીનેય ઘણું બધું વ્યક્ત કરતી હોય. મૅરેજ થયાના વીસ-પચીસ દિવસમાં જ લાઇફ-પાર્ટનરને વિદેશ જવાનું હોય ત્યારે તેને વિદાય આપવાની જેને સૌથી વધુ પીડા હોય તે ક્યારેક અતિ ભીડમાં ગૂંગળામણ અનુભવતું હોય... પોતાનો દીકરો વિદેશ જતો હોય ત્યારે પિતાની છાતીમાં ગૌરવ છલકાતું હોય અને માતાની આંખોમાં આંસુ છલકાતાં હોય... તો ક્યારેક માત્ર ઔપચારિક રીતે જ કેટલાક સ્વજનો કોઈકને વિદાય આપવા માટે આવ્યા હોય.

મનની કલ્પનાઓ

ફસ્ર્ટ ટાઇમ ફૉરેન જનાર વ્યક્તિને દિલમાં થોડી દહેશત હોય કે વિદેશમાં ફાવશે કે નહીં. ત્યાંની લાઇફસ્ટાઇલ સાથે સેટ થઈ શકાશે કે નહીં. અગાઉથી જૉબની વ્યવસ્થા થઈ ગયેલી હોય તો ઠીક, નહીંતર કેવી જૉબ મળશે એની પણ ફિકર હોય. ફૉરેનમાં મળનારા ભરપૂર ફ્રીડમની કેટલાક લોકોને રોમાંચક કલ્પનાઓ હોય તો કેટલાકને પોતાની ફૅમિલીલાઇફ દાવ પર મુકાઈ જવાનો ડર પણ હોય. પોતાની પહેલાં ફૉરેન જઈ ચૂકેલા અનેક લોકોના સારા-માઠા અનુભવો પોતે સાંભળેલા હોય એના આધારે ત્યાં જઈને કેવી લાઇફ જીવવી એનું કેટલાક લોકો મનોમન પ્લાનિંગ કરતા હોય. માત્ર ફરવાના હેતુથી ફૉરેન જનારને ખાસ જોખમો નજરે ચઢતાં નથી, પરંતુ ત્યાં વસવાટ કરવાના ઉદ્દેશથી જનારી વ્યક્તિના દિલમાં અનેક પ્રકારની આશંકાઓ અને વિટંબણાઓ હોય છે.

શિખામણોનો વરસાદ

વિદાય આપવા માટે આવેલા લોકો છેક છેલ્લી ક્ષણ સુધી પોતપોતાના અનુભવની વાતો કે પછી પોતે સાંભળેલી વાતો કહી-કહીને ફૉરેન જનારને શિખામણો અને ચેતવણીઓ આપતા હોય છે. કેટલાક સ્વજનો બહુ બોલ્ડ હોય છે. તેઓ ફૉરેન જનારને કહે છે કે ‘ડોન્ટ વરી, તને ત્યાં કશીયે તકલીફ નહીં પડે. તું પોતે દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય કરવા માટે સમર્થ છે. તું કંઈ ભોટ કે મૂરખ નથી. તું ભણેલો-ગણેલો છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. વળી તને કશી તકલીફ પડે તો આપણા ઘણા સ્નેહીઓ ત્યાં વસે છે, તું તેમને મળીને ગાઇડન્સ પણ લઈ શકીશ.’

પરંતુ કેટલાક સ્વજનો તો ફૉરેન જનાર વ્યક્તિને જાણે ગભરાવી મારવા જ ઍરપોર્ટ સુધી આવ્યા હોય છે. તેમની દરેક વાતમાં કોઈ ને કોઈ પ્રકારની દહેશતનું પડીકું બંધાયેલું હોય છે. તેઓ કહે છે કે ‘ભાઈ, બહુ જ સંભાળીને જજે. તારો પાસપોર્ટ અને તારો વિઝા ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજે. તને અજાણ્યો સમજીને કોઈ છેતરી ન નાખે એની કાળજી રાખજે. ત્યાં અજાણ્યા લોકોનો ભરોસો કરીશ નહીં. મેં તો સાંભળ્યું છે કે ફૉરેનમાં ખૂના-મરકી ખૂબ ચાલે છે. વાતે-વાતે લોકો રિવૉલ્વર તાણે છે. અમુક દેશોમાં તો ઇન્ડિયન લોકો પ્રત્યે ત્યાંના લોકો ભારે તિરસ્કાર અને ઘૃણા રાખે છે. રસ્તા પર કોઈ ઇન્ડિયન્સને જુએ કે તરત તેને પતાવી નાખે છે!’

આપણને આવા લોકોની વાતો સાંભળીને અફસોસ થાય કે શા માટે આ સ્નેહીને અહીં ઍરપોર્ટ સુધી આપણે બોલાવ્યા?

મીઠાશ જાળવજો

વિદાયની હવે આખરી ક્ષણો છે. ફૉરેન જઈ રહેલી વ્યક્તિ સાથે હવે ફરીથી ક્યારે મુલાકાત થશે એની કોઈ ગણતરી નથી ત્યારે ‘કુછ મીઠા હો જાય’ એવો અભિગમ રાખવો જોઈએ. મનમાં કોઈ નેગેટિવ વાત યાદ આવે તો પણ એ આખરી ક્ષણોમાં બકવાસ કરવો જરૂરી નથી. દરેક વાત ગમે તેટલી સાચી અને સારી હોય તોય યોગ્ય સમયે કહેવાય તો જ એનો પ્રભાવ પડે છે. અયોગ્ય સમયે અને અયોગ્ય રીતે કહેવાયેલી વાતનો ખોટો પ્રભાવ પડે છે. એટલું જ નહીં, યોગ્ય રીતે વાત કરવાની ત્રેવડ ન હોય એવા લોકો સ્વજનોને અસહ્ય લાગવા માંડે છે.

વટનો વહેવાર

ઘણા લોકોને જાહેરમાં પોતાનો વટ મારવાની હૅબિટ હોય છે. જ્યાં ચાન્સ મળે ત્યાં પોતાની મોટાઈનો પાપડ શેકવાનું શરૂ કરી દેતા હોય છે. ફૉરેન જતા સ્નેહીને વિદાય આપવા માટે ઍરપોર્ટ પર ભેગા થયેલા સ્વજનોની ભીડ જોઈને એ લોકો પોતાના ખરાખોટા અનુભવોના દુહા લલકારવા મંડી પડે છે. હું ફસ્ર્ટ ટાઇમ શિકાગો ગયો ત્યારે ઍરપોર્ટ પર ફસાઈ ગયો હતો. ન્યુ યૉર્કમાં મને અજાણ્યા લોકોએ હેલ્પ કરી હતી. મને તો ભાઈ, દુબઈનું ઍરપોર્ટ સૌથી સારું લાગ્યું. વાહ! કેવી-કેવી અદ્ભુત સગવડો છે ત્યાં! અને જપાનનું તો ભાઈ, નામ બડે ઔર દર્શન ખોટે એવું છે. લોકો ભલે જપાનને વખાણતા હોય, મને તો એવું કશું ન દેખાયું. હવે, એક વખત ચાઇનાની વિઝિટ કરવી છે - આવી પોતાની વાતો કરવાનો જ્યારે કશો જ અર્થ નથી હોતો ત્યારે શા માટે કરવાની? એવી વાતોથી વટ પડે ખરો?

સંપેતરાની સોંપણી

કેટલાક લોકો જાતજાતનાં સંપેતરાં સોંપવા આવતા હોય છે, તો કેટલાક લોકો બીજી અપેક્ષાઓ લઈને આવતા હોય છે. અરે ભાઈ, તમારા કોઈ સગાને તમારે ફૉરેન કંઈ ચીજ મોકલવી હોય તો અહીં ઍરપોર્ટ પર તેને આપવા થોડું દોડી જવાય? તેનો સામાન તો તેના ઘેરથી બરાબર પૅક કરીને જ તે નીકળ્યો હોયને? હવે તમારું સંપેતરું મૂકવા માટે તેણે છેલ્લી ઘડીએ તેનો સામાન ખોલવાનો?

કેટલાક લોકો તો વિદાય આપવા આવે ત્યારે વિચિત્ર અપેક્ષાઓ સાથે આવતા હોય છે. ત્યાંથી પાછા આવતી વખતે મારા માટે એક લૅપટૉપ લેતા આવજો. કોઈનો સંગાથ મળે તો મારા માટે એક કૅમેરા જરૂર મોકલજો. મને પરફ્યુમનો બહુ શોખ છે, કોઈ સારું પરફ્યુમ મળે તો મારે માટે જરૂર લાવજો.

એક સ્નેહીએ તો હદ કરી નાખી હતી. ફૉરેન જતા યુવકે તે સ્નેહીની દીકરી સાથે લગ્ન કરવાની વારંવાર ના પાડી હોવા છતાં છેક ઍરપોર્ટ પર આવીને કરગરતા હતા, ‘બેટા! મારી દીકરી હજીયે તારા નામની માળા જપે છે. તું કહીશ તો હું પોતે મારી દીકરીને લઈને તને મળવા ત્યાં આવીશ, પણ તું હજી ફરીથી એક વખત આ બાબતે વિચાર કરજે!’

પ્લીઝ, બી કૅરફુલ

વિદેશ જતા સ્નેહીને વિદાય આપવાની ક્ષણો ચાલતી હોય ત્યારે બને એટલું હળવું વાતાવરણ રાખવું જોઈએ. તેને ચિંતા કરાવે કે ભય ઊપજાવે એવી શિખામણો એ ક્ષણે ન આપવાની હોય. બને એટલી હસી-મજાક કરવી. વિદાયનું દર્દ ભોઠું પડે એવી પ્રસન્નતા વહેંચવી. એકાદ-બે બેસ્ટ જોક્સ કહી શકાય કે સરસ શાયરી પણ કહી શકાય. હવે વિદાયની ક્ષણ છે ત્યારે તેને કંઈક મીઠાં સંભારણાં આપવાં જોઈએ. તેનો આત્મવિશ્વાસ વધે એવી વાતો કરવી જોઈએ. તેના પ્રસ્થાનને દર્દીલું ને કાંટાળું ન બનાવીએ. વિયોગનું દર્દ છુપાવી રાખીને તેને માત્ર શુભેચ્છાઓ જ પાઠવીએ. હસતાં-હસતાં વિદાય આપીએ. ભલે પછી તેનું પ્લેન ટેઇક ઑફ કરે એ જ ક્ષણે આપણી આંખો ધોધમાર વરસી પડવાની હોય..! પ્લીઝ, બી કૅરફુલ... ઓકે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK