પુત્રી કરી શકે માતા-પિતાની અંતિમક્રિયા?

Published: 6th September, 2012 06:19 IST

પેરન્ટ્સના મૃત્યુ બાદ અગ્નિદાહ અને ત્યાર બાદ બારમા-તેરમાની વિધિ પુત્રી કરે એમાં શું વાંધો છે?

gougter-father-agniગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી

આપણે ત્યાં દીકરો એટલે દેવનો દીધેલ, દીકરો એટલે સ્વર્ગે પહોંચાડનાર, પું નામના નરકમાંથી ઉગારનાર પુત્ર. જે માતા-પિતાનું જીવન જીવતેજીવ નરક કરી નાખે છે તે પું નામના નરકમાંથી ઉગારશે? તમારી છાતી પર હાથ રાખીને કહેજો, કેટલાં માતા-પિતાને આ વ્યાખ્યા સાચી લાગે છે? બહુ ઓછાં હશે. આવી વ્યાખ્યાઓ થઈ એ સમય અલગ હતો. ખરેખર દીકરાઓ શ્રવણ જેવા હતા. આજે મોટે ભાગે એવું નથી. અને દીકરીઓ? હા, દીકરીઓને માબાપનું દાઝે છે. કદાચ પોતાના પરિવારની પણ જવાબદારી હોવાને કારણે બહુ વધારે ન કરી શકે છતાંયે બની શકે એના કરતાંયે વધારે દીકરીઓ પોતાનાં માતા-પિતા માટે કરતી હોય છે. આપણે ત્યાં રિવાજ છે કે માતા-પિતાનું મૃત્યુ થાય ત્યારે દીકરો અગ્નિદાહ આપે. દીકરો ન હોય તો કુટુંબીનો દીકરો અગ્નિદાહ આપે, દીકરીઓ હોવા છતાં પણ! શા માટે? દીકરી પણ તેમનું સંતાન જ છેને? શા માટે તે અગ્નિદાહ ન આપે? બારમા-તેરમાની વિધિ પણ દીકરી હોવા છતાં બીજા પાસે કરાવવામાં આવે. આ બાબતે આજે અમારા વાચકો સાથે એક સાચી હકીકત શૅર કરવી છે.

વિધવા માનું મૃત્યુ

૭૮ વર્ષનાં મંગળાબહેનનું ૨૦૧૨ની ૧૭ ઑગસ્ટે અવસાન થયું. મંગળાબહેનને પુત્ર નથી, બે પુત્રીઓ જ છે. બન્ને પુત્રીઓ પરિણીત છે. નાની ઉંમરમાં મંગળાબહેનનાં લગ્ન થયાં હતાં અને કમનસીબે ૩૫ વર્ષની યુવાન વયે તેઓ વિધવા થઈ ગયાં હતાં. કિશોર વયની બે પુત્રીઓને ઉછેરવાની, ભણાવવાની અને પરણાવવાની જવાબદારી ખાસ ભણેલાં નહીં એવાં મંગળાબહેન પર આવી ગઈ; પણ સ્વભાવે તેઓ મૉડર્ન. પોતાની બન્ને દીકરીઓને ભણાવી-ગણાવી તેમને જે કરવું હોય એ કરવા દીધું દીકરીઓ પર પૂર્ણ વિશ્વાસ રાખીને. આજે બન્ને દીકરીઓની પોતાની સ્વતંત્ર ઓળખ છે. તેમને સારે ઘેર પરણાવી પોતાની બધી ફરજો પૂર્ણ કરી.

આધુનિક વિચારસરણી

૭૮ વર્ષની ઉંમરે ઓછું ભણેલાં મંગળાબહેનની વિચારસરણી આધુનિક હતી. તેમણે પોતાની દીકરીઓને કહી રાખેલું કે મારા મૃત્યુ બાદ દેહદાન કરવાનું છે, કોઈને બોલાવીને હેરાન કરવાના નહીં. તમારે ચાર જણે આવીને બૉડી આપી દેવાની. પ્રાર્થનાસભા, સાદડી કંઈ જ રાખવાનું નહીં. મરણોત્તર કોઈ વિધિવિધાન કરવાનાં નહીં. આવું બધું કરીએ તો લોકોને બહુ પરેશાની થાય. કામનો ચાલુ દિવસ હોય, ટ્રેન-બસની ગિરદીમાં આવવાનું ભારે પડે. તેથી આવું કંઈ કરવાનું જ નહીં. જોકે દેહદાનની તેમની ઇચ્છા પૂર્ણ ન થઈ. ફક્ત બે દિવસ કોમામાં રહીને મંગળાબહેને અનંતની વાટ પકડી ત્યારે ‘માનવજ્યોત’ સંસ્થામાં ફોન કરતાં જાણવા મળ્યું કે ડેડબૉડીનો સ્ટૉક ખૂબ જ વધી ગયો હોવાથી હવે અમે નવી ડેડબૉડી લેતા નથી. તેથી ઇલેક્ટ્રિક સ્મશાનમાં અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું.

દીકરીઓએ આગ મૂકી

ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં તેમની બન્ને દીકરીઓ પણ ગઈ અને બન્નેએ માના દેહને આગ મૂકી. જોકે આજકાલ ઘણી જગ્યાએ દીકરીઓ અગ્નિદાહ આપે છે. આ ટ્રેન્ડ તો શરૂ થયો જ છે.

સરાવ્યું પણ દીકરીએ!

દીકરી અગ્નિદાહ આપે એ કંઈ નવી વાત નથી, પણ બારમા-તેરમાની વિધિ વખતે દીકરી જ પૂજામાં બેસે એવું સાંભળ્યું નથી. કદાચ કોઈએ એવું કર્યું હોય તો વાત આપણા સુધી આવી નથી. એ જ કારણ છે કે આ અહીં લખવાથી હજારો લોકો સુધી આ ક્રાન્તિકારી વાત પહોંચી શકે. છતાંય મનના સંતોષ ખાતર માની પાછળ કંઈક કર્યું એમ લાગે એ કારણે તેરમા દિવસે (સરવણી) સરાવવાનું (એક વિધિ) નક્કી કર્યું અને નાની દીકરીએ સરાવવાની વિધિ કરી.

મિશ્ર પ્રત્યાઘાત

જ્યારે લોકોને ખબર પડી કે દીકરી સરાવવાની છે ત્યારે લોકો તરફથી વિવિધ આઘાત-પ્રત્યાઘાત આવ્યા. ઘણાબધા લોકોએ આ વાતને વધાવી લીધી. તો કેટલાક જુનવાણી માનસ ધરાવતા લોકોએ કહ્યું કે ‘દીકરી સરાવે તો મૃતાત્માને એ પહોંચે નહીં અને એ આત્માનો મોક્ષ થાય નહીં. તેથી એવું તો કરતા જ નહીં.’

એક બીજા સંબંધીને પણ બે દીકરીઓ જ છે. તેમની માતાનું મૃત્યુ થયું છે. એ દીકરીઓએ કહ્યું કે ‘અમને પણ આવો વિચાર આવેલો, પણ અમે અમલમાં ન મૂકી શક્યાં અને તમે એ  વાત અમલમાં મૂકી દીધી. બીજાની માતાની વિધિ કરવામાં કોને રસ હોય? કરવું પડે એટલે કરે; જ્યારે મૃતાત્માના સંતાન માટે તો એ પૂજા હોય. તેથી દીકરો ન હોય તેમની દીકરીઓ જ અંતિમક્રિયા અને બધાં વિધિવિધાન કરે એવું અમને તો યોગ્ય લાગે છે.’

છેલ્લે ઘટસ્ફોટ કરી દઉં કે મંગળાબહેનની મોટી દીકરી આ લખનાર પોતે જ છે. તમને આ વિશે શું લાગે છે? મંતવ્ય મોકલી શકો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK