રાતના સમયે રસ્તો બની જાય છે અત્યંત જોખમી

Published: 29th August, 2012 08:04 IST

વિદ્યાવિહાર સ્ટેશનને ટિળકનગર, ઘાટકોપર અને લોકમાન્ય ટિળક ટર્મિનસ સાથે જોડતા રોડ પર સ્ટ્રીટ-લાઇટ, ખાડા અને મેનહોલના ઢાંકણાની સમસ્યા

વિદ્યાવિહાર સ્ટેશન અને લોકમાન્ય ટિળક ટર્મિનસને જોડતો રસ્તો રાહદારીઓ તેમ જ વાહનચાલકો માટે સમસ્યારૂપ બની રહ્યો છે. આ રસ્તા પર બંધ પડેલી સ્ટ્રીટ-લાઇટ્સ, રસ્તાની ખરાબ હાલત અને એને કારણે ઠેર-ઠેર ભરાયેલાં પાણી અને દબાઈ ગયેલા મેનહોલ કવરની ફરિયાદો અનેક વખત સુધરાઈને કરવામાં આવી હોવા છતાં હજી સુધી પગલાં લેવામાં આવ્યાં નથી.

વિદ્યાવિહાર રેલવે-સ્ટેશનને ટિળકનગર, ઘાટકોપર અને લોકમાન્ય ટિળક ટર્મિનસ સાથે સાંકળતો આ મુખ્ય રસ્તો છે અને સૂર્યાસ્ત બાદ તો અહીંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. અંધારામાં ઑટોરિક્ષા ખાડામાં ફસાઈ જાય છે. એને કારણે અનેક વખત ટ્રાફિક જૅમ સર્જાય છે. આવી જ રીતે અહીં મેનહોલનાં દબાઈ ગયેલાં ઢાંકણાં પણ અત્યંત જોખમી છે. રાતના સમયે ઘણી વખત મેનહોલ ક્યાં છે એનું ધ્યાન ન રહે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ખાસ તો આ દબાયેલાં ઢાંકણાં ગમે ત્યારે તૂટી જઈ શકે એવી હાલતમાં છે. આવી સ્થિતિમાં ગટરો ખુલ્લી થઈ શકે છે. સુધરાઈને ઢાંકણાની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

સુધરાઈનું શું કહેવું છે?

જોકે આ બાબતે ફ્ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રમોદ ખેડેકરે કહ્યું હતું કે ‘આ સમસ્યાની મને હજી સુધી જાણ નથી. રહેવાસીઓની કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી. આ ઘટનાસ્થળે કોઈને મોકલીને માહિતી મેળવીશ અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. આ આખા વિસ્તારમાં આવેલા ખાડાઓને પૂરવા માટે ટૂંક સમયમાં જ એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK