મારે હવે આમાંથી મુક્ત થવું છે

Published: 7th August, 2012 06:22 IST

  પ્રૌઢ વયે પોતાના પરિવાર કે જીવનસાથી તરફથી દોજખ અનુભવતા સિનિયર સિટિઝનોએ સમજવું જ પડશે કે ભાગી છૂટવાથી સમસ્યા ઉકેલાઈ જતી નથી. બદલાયેલા સમય અને સંજોગોમાં સમસ્યાનો ઉકેલ પણ જુદો હોઈ શકે

kulbhushan-kharbandaમંગળવારની મિજલસ - તરુ કજારિયા

થોડા દિવસ પહેલાં એક સિનિયર સિટિઝન બહેનનો ફોન આવ્યો. ‘મિડ-ડે’ની આ કૉલમનાં નિયમિત વાચક હતાં.  સિનિયર સિટિઝન્સ માટે લખેલો એક લેખ વાંચતાં તેમને લાગ્યું હતું કે તેમની જીવનકથની પણ એવી જ છે. પછી તેમણે જે વાત કરી એ સાંભળી વિચારમાં પડી જવાયું. ચાલીસ-પચાસ વર્ષના લગ્નજીવનની ખુશી-ખુશી ઉજવણી કરનારાં કપલ્સની કેટલીયે તસવીરો નજર સામેથી પસાર થઈ ગઈ, પણ એ તસવીરો ખરેખર વાસ્તવિકતાની છબિઓ હતી? હા, આપણે ઘણાં ઘરોમાં જોઈએ છીએ મોટી ઉંમરના વડીલો બહાર નીકળે ત્યારે એક-બીજાનું ધયાન રાખતા બીજા વડીલો જેવા જ લાગે, પણ તેમને ઘરે જઈએ ત્યારે કંઈક બીજું જ ચિત્ર જોવા મળે. મને એવી એક કરતાં વધુ મહિલાઓ મળી છે, જેમને લગ્નજીવનનાં પચાસથી વધુ વરસ વીત્યા પછી પણ પતિ તરફથી સતત કનડગત રહી છે. કોઈના પતિ ઘરની કે વ્યવહારની એક પણ બાબતમાં રસ જ ન લેતા હોય તો કોઈક વળી દરેક બાબતમાં,

ઝીણી-ઝીણી બાબતમાં માથું મારતા રહે અને પત્નીને જાણે કોઈ અક્કલ જ ન હોય એમ ટ્રીટ કરે. ઘરના અને બહારના સભ્યોની હાજરીમાં તેનું અપમાન કરતા રહે. પત્નીને આમ તો આ બધું કોઠે પડી ગયું હોય, પણ મનમાં અસંતોષ ભભૂકતો હોય. આવા કિસ્સાઓમાં કેટલીયે વાર પત્નીઓ મોડી-મોડી પણ બંડ પોકારે છે. આ જ કારણ છે કે આજ-કાલ મોટી ઉંમરનાં પતિ-પત્નીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે.

મને યાદ આવે છે થોડા દિવસ પહેલાંનો એક પ્રસંગ. એક બહેનનો ફોન આવ્યો. અંદાજે સાઠ વર્ષની ઉંમરની તે સ્ત્રીએ લગભગ રડતાં-રડતાં મને કહેલું કે તેમને મને મળવું છે. તેમના અવાજમાંની નિરાશાને કારણે હોય કે બીજા કોઈ પણ, મેં એ જ દિવસે તેમને મળવાનું નક્કી કર્યું. અમે મળ્યાં. તેઓ એક સાધન-સંપન્ન પરિવારનાં શિક્ષિત મહિલા હતાં. ખૂબ અચકાતાં-અચકાતાં તેમણે જે કહ્યું એનો સાર એ હતો કે તેમના પતિ તેમની પાસે સેક્સની અપેક્ષા રાખે છે અને આ ઉંમરે તેમને એવી કોઈ જ વૃત્તિ નથી થતી, પરંતુ પતિ પાસે લાચાર છે એટલે બધું સહે છે. મનોમન ખૂબ જ ટૉર્ચર અનુભવે છે અને આ મૂંઝવણમાંથી રસ્તો કાઢવા જ મને મળવા આવ્યાં હતાં. મિડલ-એજમાં પતિની જાતીય વૃત્તિઓ ઍક્ટિવ હોય અને પત્નીને સેક્સમાં રસ ન હોય એવા કિસ્સાઓ કંઈ અસામાન્ય નથી. આવા પ્રશ્નો પહેલાં પણ સ્ત્રીઓના જીવનમાં આવતા જ હશે, પરંતુ અગાઉની સ્ત્રીઓ એ ચૂપચાપ સ્વીકારી લેતી હતી, કોઈ સ્ત્રી આમ અજાણી વ્યક્તિ આગળ પોતાની આવી અંગત વાતો ખુલ્લા મને કરી શકતી નહીં અથવા તો કરતી નહીં. એ જ રીતે પુરુષો પણ નીરસ પત્ની હોય તો નસીબને દોષ દઈને સ્થિતિનો સ્વીકાર કરી લેતા હતા, પરંતુ આજના જમાનામાં આ ઉંમરે પણ સ્ત્રી-પુરુષ એના ઉકેલ વિશે વિચાર કરી શકે છે, બીજાઓ સાથે ચર્ચા કરે છે અને એ દિશામાં પગલાં પણ ભરી શકે છે.

આજે આવાં સિનિયર સિટિઝન

સ્ત્રી-પુરુષો એકબીજાને સહન ન કરી શકે કે સાથે રહેવાનું અતિ મુશ્કેલ થઈ જાય તો એના નિવારણ વિશે પણ વિચાર કરવા લાગે છે.

આવી સ્થિતિમાં રહેલી સ્ત્રીઓ કઈ રીતે મુક્તિ મેળવી શકે? એક ફ્રેન્ડે આ વાત સાંભળી ચપટી વગાડતાં કહ્યું : ‘નો વન્ડર. અમદાવાદમાં થોડા વખત પહેલાં થયેલા સિનિયર સિટિઝન્સના જીવનસાથી મેળામાં કેટલા બધા લોકોએ નામ લખાવ્યાં હતાં!’ આમિર ખાને સત્યમેવ જયતેમાં સિનિયર સિટિઝન્સના પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે એક એક્સપર્ટ બહુ સરસ શબ્દોમાં બોલ્યા હતા: ‘રિટાયર નહીં, રિવાયર!’ આ અપ્રોચ માત્ર પ્રોફેશનલ કામકાજ સુધી જ નહીં, સમગ્ર જીવન પ્રત્યે પણ અપનાવવા જેવો છે. ભાગી છૂટવાથી સમસ્યા ઉકેલાઈ જતી નથી. બદલાયેલા સમય અને સંજોગોમાં સમસ્યાનો ઉકેલ પણ જુદો હોઈ શકે એ વાત આજના સિનિયર સિટિઝન સ્ત્રી-પુરુષોએ સ્વીકારતાં થવું પડશે.

માત્ર ઘસાયા જ કરવાનું?

સાઠની ઉપરનાં નીલાબહેન અને નયનભાઈનું ચાર દાયકાનું લગ્નજીવન છે. દીકરો-દીકરી પરણી ગયા પછી નયનભાઈ અને નીલાબહેન એકલાં રહે છે. દીકરો-વહુ મુંબઈમાં હોય ત્યારે મમ્મી-પપ્પા પાસે રહેવા આવે, પણ એય મહેમાન બનીને. નયનભાઈ નિવૃત્ત થઈ ગયા છે અને પોતાના કાર્ડસેશન્સમાં વ્યસ્ત રહે છે. ઘરની એક પણ જવાબદારી તેમના શિરે નથી. જૂના વખતનું મોટું ઘર મેઇન્ટેન કરવાનું આર્થિક રીતે તેમને પરવડે એવી સ્થિતિ નથી એટલે અગાઉ જે કામો બાઈ-નોકરો કરતાં એ હવે નીલાબહેન પર આવ્યાં છે. આમ ઘરનાં રસોઈ, વ્યવસ્થા, પરિવારમાં વ્યવહાર સાચવવાની ઇત્યાદિ જવાબદારી ઉપરાંત નીલાબહેનને ટેલિફોન કે ઇલેક્ટિÿસિટીનાં બિલ ભરવા કે એલઆઇસીનાં પ્રીમિયમ ભરવા જેવાં બહારનાં કામો પણ કરવા પડે છે. ઉંમરને કારણે આવતી પગના દુખાવાની તકલીફ તેમને પણ થઈ છે, પરંતુ આ બધાં જ કામો તેમને કરવાં જ પડે છે. પતિને કંઈ પણ કામ સોંપે તો તેઓ કહે છે : ‘તું કરને. તારે બીજું શું કામ છે?’ અરે, ભલા માણસ, તમારે તો પહેલુંય કામ નથી અને તમે પત્નીને પૂછો છો તારે બીજું શું કામ છે?

કોઈ માણસ રાખવાનું પોસાય એમ નથી. આ મોટું ઘર કાઢીને નાનો  ફ્લૅટ લઈને રહે તો સગવડભર્યા ઘરમાં તેમની તકલીફ ઘણે અંશે ઓછી થઈ જાય. વળી વધેલી રકમના વ્યાજમાંથી માણસનો ખર્ચ કાઢી શકાય. એ રીતે તેમને રાહત થાય, પરંતુ એ નિર્ણય તેઓ કરી શકે એમ નથી. ઘરમાં કંઈ જ પ્રદાન ન કરતા હોવા છતાં આ નિર્ણય પતિ જ લઈ શકે, અને પતિને આ જૂના ખખડધજ ઘર સાથે ઇમોશનલ બૉન્ડ છે એટલે તેઓ એમ કરવા તૈયાર નથી. પરિણામે નીલાબહેનને છતે પૈસા અભાવમાં અને અવગડમાં રહીને પોતાની જાતને ઘસવી પડે છે. ઘરની બધી જ જવાબદારીથી ઘેરાયેલાં અને જાતથી ઘસાયા કરતાં નીલાબહેન કહે છે કે લગ્ન પછી શરૂઆતનાં વરસોમાં સાસુ-સસરાની સેવા કરી, પતિની અને બાળકોની બધી જરૂરિયાતો પૂરી કરી, ચાલીસ વર્ષથી ઘર સંભાળ્યું, વ્યવહાર સાચવ્યો, તન-મનથી ઘસાયા જ કર્યું. હવે હું થાકી છું. હવે મારે આરામ જોઈએ છે

અને આ ઉંમરે હું એ ડિઝર્વ પણ કરું છું અને પતિને તો આમાંનુ કંઈ જ સમજાતું નથી, અડતું નથી. તેમને તો પોતાનું બધું સચવાઈ જાય પછી બીજા જીવે છે કે મરે એનીયે પરવા નથી. મારે હવે આમાંથી મુક્ત થવું છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK