ખોરી વૃત્તિવાળા લોકોથી સાવધાન

Published: 30th July, 2012 06:59 IST

કેટલાક માણસો લુચ્ચાઈપૂર્વક તેમનાં વાહિયાત અને ફાલતુ કામ આપણને સોંપતા રહે છે, આપણે શરમમાં ના નથી પાડી શકતા એટલે તેઓ વધારે નફ્ફ્ટ બની આપણું વધારે શોષણ કરતા રહે છે

chup-chup-keમન્ડે-મંથન - રોહિત શાહ

માણસો બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારના માણસો એવા હોય છે કે પોતાને કારણે બીજા કોઈને જરાય તકલીફ ન પડે એ માટે પોતે પારાવાર તકલીફો ઝેલતા રહે છે. પોતાને કારણે જો બીજાને જરાય ડિસ્ટર્બ થવું પડ્યું હોય તો પોતે ભીતરથી ગ્લાનિ અનુભવે છે, શરમ અનુભવે છે અને દુ:ખી દુ:ખી થઈ જાય છે. તેમની સજ્જનતા એટલી મહેકદાર હોય છે કે પોતે બીજા લોકોનાં અનેક કામ હસતાં-હસતાં સામે ચાલીને કરી આપે, પરંતુ પોતાનું કોઈ કામ બીજા પાસે ન કરાવે. કોઈને કષ્ટ આપવાનું તેમને ગમે જ નહીં. આપણે વાહન લઈને જે રસ્તેથી જવાનું હોય એ જ રસ્તે તે સજ્જનને જવાનું હોય તોય કદી લિફ્ટ નહીં માગે. પોતે રિક્ષામાં, બસમાં કે ટ્રેનમાં જશે, પણ આપણને તકલીફ નહીં આપે.

બીજા પ્રકારના લોકો એવા હોય છે કે પોતાને કશી જ તકલીફ ન પડે એ માટે બીજાઓને તેઓ વારંવાર અને પારાવાર તકલીફોની લહાણી કરતા રહે છે. બીજાને ડિસ્ટર્બ કરવાના તમામ અધિકાર પોતાને મળેલા છે એવું અત્યંત ક્રૂરતાપૂર્વક અને બેશરમીથી સમજતા હોય છે. એમની નફટાઈ તો એવી હોય છે કે તેઓ પોતે આપણું કોઈ કામ કરવામાં જરાય મદદરૂપ ન થાય, અને તેમનાં કામ આપણને ભરાવતા જાય. આપણે વાહન લઈને જે દિશામાં જવાનું હોય એનાથી તદ્દન ઊલટી જ દિશામાં તેમણે જવું હોય તોય બેધડક આજ્ઞા કરશે, ‘પહેલા મને ફલાણી જગ્યાએ મૂકી જાવને... પછી તમે ત્યાંથી ચાલ્યા જજો...’ તેમને પાંચ રૂપિયાનો ફાયદો થવાનો હોય તો આપણને પચાસ રૂપિયાના ખાડામાં ઉતારી દેતાં તેમને જરાય શરમ ન આવે.

દાનત જુદી

પહેલા પ્રકારના માણસો કંઈ નવરા નથી હોતા, પણ પોતાનાં અઢળક કામકાજ વચ્ચેય તેઓ અન્યને મદદરૂપ થવાની ઉદાર ભાવના ધરાવતા હોય છે. ક્યારેક તો સામેથી જ આપણને તે કહેતા હોય છે કે તમારે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવા જવાની જરૂર નથી. હું મારું બિલ ભરવા જઈશ ત્યારે તમારું બિલ પણ ભરતો આવીશ. વધારાની જવાબદારી લઈને બીજાઓનો બોજ હળવો કરવામાં તેમને આનંદ મળતો હોય છે.

બીજા પ્રકારના માણસો સાવ નવરાધૂપ હોય છતાં કામ કરવાની તેમની દાનત નથી હોતી. જે લોકો પોતાનાં જ કામકાજ કરવાની દાનત ન ધરાવતા હોય તે બીજાની સેવા શાના કરે? તે જોતા હોય કે તમને ખૂબ બિઝી છો છતાં તમને કહેશે, ‘મારે ટેલિફોનનું બિલ ભરવાનું રહી ગયું છે. આજે બિલ ભરવાની લાસ્ટ ડેટ છે. તમે મારું આટલું કામ પતાવી આપજોને!’ તેમના શબ્દોમાં કાલાવાલા હોય છે, પણ તેમના હૈયે ભારોભાર ક્રૂરતા હોય છે.

બન્નેની ખાસિયત

પહેલા પ્રકારના લોકોની એક ખૂબી એ હોય છે કે પોતે અનેક કામ પોતાનાં અને પારકાં પાર પાડ્યાં હશે તોય કદી બડાશ નહીં હાંકે. પોતે કેટલાં કામ કયાર઼્ એની વાત પણ નહીં ઉચ્ચારે. ઊલટાના પ્રસન્નચિત્તે આપણી સાથે વાતો કરતા રહેશે, જ્યારે બીજા પ્રકારના લોકોએ પોતે પોતાનું કે બીજાનું કશુંય કામ નહીં કર્યું હોય. કોને બકરો બનાવવો એની વેતરણમાં તે વ્યસ્ત હશે. છતાં આપણે તેમને મળીએ એટલે રોદણાં શરૂ કરી દેશે. પોતાને કેટકેટલાં કામ કરવાનાં બાકી પડ્યાં છે એનું લિસ્ટ રજૂ કરશે. પછી આજે તો મારી કમર દુખે છે કાં તો આજે મારે આટલી-આટલી મુશ્કેલીઓ છે એનું વર્ણન કરશે. કંઈ જ કામ કર્યા વગર તે થાકેલા-તૂટી ગયેલા દેખાશે. તેમના ચહેરા પર પ્રસન્નતા કદીયે જોવા નહીં મળે. હારેલા-થાકેલા અને બાપડા-બિચારા હોય એવો જ દેખાવ કરશે.

પહેલા પ્રકારના માણસો કરેલાં કામનો હિસાબ પણ રજૂ કરતા નથી, બીજા પ્રકારના લોકો પોતે નહીં કરેલાં કામોની યાદી રજૂ કર્યા કરશે. તેમની સામે બધું અસ્તવ્યસ્ત પડ્યું હશે તોય તેમનો જડ આત્મા ટાઢોબોળ જ બની રહેશે. પછી જે ઝપટમાં આવે તેને કામ વહેંચવા માંડશે. પહેલા પ્રકારના માણસો સાચૂકલી સજ્જનતાનું જીવન જીવતા હોય છે, બીજા પ્રકારના માણસો નકરી નફટાઈનું જીવન જીવતા હોય છે. પહેલા પ્રકારના લોકો આપણને હેલ્પફુલ થઈને આપણો ભાર હળવો કરે છે, બીજા પ્રકારના લોકો તેમના કામકાજનો બોજ આપણા તરફ ધકેલીને આપણા માટે ભારરૂપ બને છે.

તમને શું માફક આવશે?

આપણે સજ્જન હોઈએ એનો અર્થ એવો કદી ન થવા દેવો જોઈએ કે જેને આપણું જેટલું શોષણ કરવું હોય એટલું તે કરી જાય! કોઈ આંગળી જેટલું નમે તો આપણે પૂરેપૂરા નમી જવું, પણ કોઈ આપણને મૂરખ બનાવી જાય એવું કેમ ચાલે? એવા લુચ્ચા-લબાડ માણસોને ક્યારેક એવો પાઠ ભણાવી દેવો જોઈએ કે તે તેમની તમામ બદદાનતો અને ભ્રષ્ટ મુરાદો લઈને આપણાથી દૂર ભાગે. કોઈને મદદરૂપ થવા જેવું રૂડું કાર્ય એકેય નથી એમ માનવા છતાં એ પણ સ્વીકારવું જ પડે કે કોઈની સડેલી દાનતથી આપણી જાતને હંમેશાં પજવ્યા કરવી એમાં નરી મૂર્ખામી છે. ભીતરની સજ્જનતાને સલામત રાખીનેય ક્યારેક ઉગ્ર કે આકરા થવું પડે તો થઈ જ જવું. સજ્જનની શરમ ભરવાની હોય, લુચ્ચાને તો લપડાક જ ફટકારવી પડે. કાં તો આકરા થાઓ, કાં તો ભોટ બનતા રહો. કાં તો સામે પડો. કાં તો શરણે જાઓ. બોલો, તમને શું માફક આવશો?

એક હતા વડીલ...

એક વડીલને એવી આદત કે જે હાથમાં આવે તેને ઝપટમાં લઈ લેતા. સાચું કહું તો ચાર-પાંચ વખત હું પોતે જ તેમની ઝપટમાં આવી ગયેલો. તે પોતાની વાત એવી નાજુકાઈથી અને કાકલૂદીથી કરે કે આપણને તેમના પ્રત્યે દયા આવી જાય. આપણે હેરાન-પરેશાન થઈનેય તેમની સેવા કરવામાં લાગી જઈએ. આવું વારંવાર બન્યું અને બીજાઓ પાસેથી પણ તે વડીલનું ચરિતર જાણવા મળ્યું. મનમાં રોષ પ્રગટ્યો.

એવામાં એક વખત મારી પાસે આવીને ગંભીર અવાજે બોલ્યા, ‘મારે ફલાણી જગ્યાએ જવું પડે એમ છે, તમે તમારી કારમાં મને ત્યાં મૂકી જશો? મારી પાસે જોખમ પણ છે અને એ જોખમી ચીજ સામે એક સ્નેહીને પહોંચાડવાની છે.’

મેં મનમાં દાવ ગોઠવી લીધો. ખૂબ સહજ રીતે મેં કહ્યું, ‘ જરૂર, એમાં શી મોટી વાત છે? પણ મારે પહેલાં એક જગ્યાએ અર્જન્ટ પહોંચવું પડે એમ છે. તમે મારી સાથે આવી જાવ. મારું કામ પતાવ્યા પછી તમને તમારી જગ્યાએ પહોંચાડી દઈશ.’ તે સંમત થયા.

મારી સાથે કારમાં ગોઠવાયા. તેમને જે જગ્યાએ જવાનું હતું એનાથી તદ્દન ઊલટી દિશામાં મેં કાર ચલાવી. વીસ-પચીસ કિલોમીટર આગળ ગયા પછી એક મિત્રની ઑફિસમાં મળવા ગયો. મિત્રને બધી વાત સમજાવી દીધી અને એ પ્રમાણે તેણે સહકાર આપ્યો. હું અને પેલા વડીલ ઉપર મિત્રની ઑફિસમાં બેઠા હતા, ત્યારે તે મિત્રના એક માણસે મારી કારની પાછલી બાજુના એક ટાયરમાંથી હવા કાઢી નાખી. થોડી વારે અમે નીચે આવીને જોયું તો હવે અમારી કાર ચલાવી શકાય એમ નહોતું. પેલા વડીલનો ચહેરો ફિક્કો પડી ગયો. પરિસ્થિતિ સામે ડોળ કરતાં મને મિત્રે કહ્યું, ‘તું અહીં જ રોકાઈ જા. નજીકમાં ટાયરનું પંક્ચર રિપેર કરનારું કોઈ નથી. રાત પડી ગઈ છે. કાલે સવારે કોઈ રસ્તો કાઢીશું.’

પેલા વડીલ તેમના ફાલતુ કામ માટે મને દસ કિલોમીટર તેમના રસ્તે લઈ જવા માગતા હતા. હવે રાત્રે સાડા દસ વાગ્યે તેમણે ટૅક્સી કરીને ત્રીસ કિલોમીટર જવું પડ્યું. એ દિવસથી તેમણે મારી પાસે કદી કોઈ કામ કરાવવાની ઇચ્છાય વ્યક્ત કરી નથી. તે વડીલ જેવા ટૅક્સી કરીને નીકળ્યાં કે તરત કારમાંથી હવા ભરવાનો પંપ કાઢીને, ટાયરમાં હવા ભરીને હુંય મારા ઘરે પહોંચ્યો. આવું કરવાનું દિલને ડંખતું હતું, પણ જેવા સાથે તેવા થવાનું ક્યારેક અનિચ્છાએ પણ કરવું પડતું હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK