લોન આપવાના નામે છેતરપિંડી કરતી ફૅશન-ડિઝાઇનર પકડાઈ

Published: 9th December, 2011 08:15 IST

મલાડમાં રહેતી પિન્કી વોરા ૧૦ ટકા કમિશન લઈને ઉમેદવારને ચેક આપતી હતી જે બાઉન્સ થતોલોકોને સરળ અને ઓછા વ્યાજની લોન અપાવવાની લાલચ આપીને છેતરનાર ૩૧ વર્ષની એક ફૅશન-ડિઝાઇનરની ચર્ચગેટ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. એક મહિલાપોલીસે કહ્યું હતું કે ‘મલાડમાં રહેતી પિન્કી કૈલાસ વોરાએ ૧૦૦થી વધુ વ્યક્તિઓને છેતરી હશે. લોકોને ફોસલાવવા તે ઇંગ્લિશ ન્યુઝપેપરોમાં જાહેરાત પણ આપતી હતી. બૅન્કોએ જેમને લોન આપવાની ના પાડી હોય એવા ડિફૉલ્ટરોને પણ પિન્કી લોન આપવાની લાલચ આપતી હતી. એક વાર તે જાળમાં ફસાય એટલે પિન્કી તેને રેસ્ટોરાં કે મૉલમાં બોલાવતી તેમ જ એક લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપતી, જેમાં તેનું કમિશન ૧૦ ટકા હતું. એક વાર કમિશન મળ્યા બાદ પિન્કી અમુક રકમ કૅશ આપતી તેમ જ બાકીની રકમનો ચેક આપતી, જે બાદમાં બાઉન્સ થઈ જતો. આ એક જ જાતની કાર્યપદ્ધતિનો ઉપયોગ કરી પિન્કીએ ઑગસ્ટથી શરૂ કરીને અત્યાર સુધી ૧૦૦ જેટલી વ્યક્તિઓને છેતરી હતી.’

ફરિયાદી જૉન્સન અમેનાને પણ પિન્કીએ બે લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપીને છેતરી હતી તેમ જ તેની પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા કમિશનરૂપે પડાવ્યા હતા. જોકે બાદમાં ચેક બાઉન્સ થતાં તેણે પિન્કી વિરુદ્ધ ચર્ચગેટ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિન્કીએ ફૅશન-ડિઝાઇનરનો ર્કોસ કર્યો હોવા છતાં તેનું કામકાજ સારું ન ચાલતાં તેણે લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર પિન્કી વૈભવી શોખ ધરાવતી હતી તેમ જ મલાડમાં માસિક ૨૦,૦૦૦ રૂપિયાના ભાડાના ફ્લૅટમાં રહેતી હતી. પોલીસે છટકું ગોઠવી મલાડના ઇન-ઑર્બિટ મૉલમાંથી પિન્કીની ધરપકડ કરી હતી. ઘણા લાંબા સમયથી પોલીસ સાથે સંતાકૂકડી રમતી પિન્કી છેવટે પકડાઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK