પારકી પંચાત કરનારા લોકોની પાસે કોઈ ક્રીએટિવ કામકાજ હોતું જ નથી

Published: 9th December, 2011 07:43 IST

આખા ગામની વાતો કરનારા ને સાંભળનારા બન્નેમાંથી કોઈનું પોતાનું  કલ્યાણ નથી થતું છતાં પણ એ કારોબાર ધમધોકાર ચાલતો જ રહે છે(ફ્રાઇડે-ફલક - રોહિત શાહ)

પારકી પંચાત કરવાની સ્વતંત્રતા (છૂટ) ન હોય તો ભારતની અડધી પ્રજા કદાચ આત્મહત્યા કરી નાખે. પારકી પંચાત કરવી એ તો જાણે આપણો ઑક્સિજન છે. માણસ ગમે તેટલો થાક્યોપાક્યો હશે, પણ જો તેને પારકી પંચાત કરવાની તક મળી જાય - એટલે કે તેનો બકવાસ સાંભળનાર કોઈ શ્રોતા તેને મળી જાય તો તે સ્ફૂર્તિમાં આવી જશે. પારકી પંચાત કરી-કરીને પોતાની લાઇફની બૅટરીને રીચાર્જ કરનારા લોકોની સંખ્યા ઓછી નથી.

ઘણા લોકો નેગેટિવ વાતને મીઠું-મરચું ભભરાવીને મસાલેદાર બનાવતા રહે છે. કોઈકની છોકરીને જો કોઈ અજાણ્યા છોકરા સાથે વાત કરતાં જુએ તો ‘તેને લફરું છે’ નામની અફવાનો સેન્સેક્સ એક જ રાતમાં એટલો ઊંચો પહોંચી જાય કે છેલ્લે તો ‘એ છોકરી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી... ખાનગીમાં અબૉર્શન કરાવી નાખ્યું’ ત્યાં સુધી વાત પહોંચી જાય. કોઈ સારા ઘરના છોકરાને એકાદ વખત તેના કોઈ ફ્રેન્ડ સાથે સિગારેટ પીતો જોઈ લીધો હોય તો ખેલ ખલાસ. ‘એ તો બહુ વ્યસની છે... દરરોજ બે-ચાર પૅગ ન ચઢાવે ત્યાં સુધી તેને ઊંઘ આવતી નથી...’ સુધી વાત જામી જાય. બોલો, સિગારેટને અને પૅગને શી લેવા-દેવા? પણ નેગેટિવ વાત ગમે ત્યારે અને ગમે એ રીતે ટર્ન મારી દે.

આપણે ત્યાં કહેવત છે કે નિષ્ફળ લેખક સફળ વિવેચક બને છે. નિષ્ફળ શિક્ષક સફળ પ્રિન્સિપાલ બને છે. નિષ્ફળ વહુ સફળ સાસુ બને છે. એ જ રીતે કદાચ નિષ્ફળ સજ્જન સફળ પંચાતિયો બનતો હોવો જોઈએ. પંચાત કરવા માટે કોઈ વિષય કે સમયનાં બંધનો નથી હોતાં. એમાં રિટાયરમેન્ટની કોઈ ઉંમર નથી હોતી. મિનિમમ કે મેક્સિમમ શ્રોતાઓની ફિક્સ સંખ્યા પણ નથી હોતી. શ્રોતાઓ જો હોંકારો ભણનારા હોય તો પંચાતિયાને ઔર પાનો ચઢશે. પંચાતિયા બનવા માટેની કેટલીક વિશિષ્ટ લાયકાતો હોય એ લોકો જ એમાં કામિયાબ બને છે.

૧. તે લોકો કશા ક્રિયેટિવ કામ-ધંધા વગરના અને નવરાધૂપ હોવા જોઈએ.

૨. કોઈ પણ વ્યક્તિ તેમને અજાણી ન લાગતી હોવી જોઈએ.

૩. ગમે ત્યારે પંચાત કરવાનો મૂડ પેદા કરવાની ક્ષમતા હોવી જોઈએ.

૪. વાત કરતી વખતે મસાલેદાર વિશેષણોની સાથે થોડાંક વિશ્વસનીય લાગે એવાં ગપ્પા મારતાં આવડતાં હોવાં જોઈએ.

૫. પંચાત કરવાની તક મળે ત્યારે ગમે એવા તાકીદના કામને એક બાજુ ધકેલી દઈને પંચાતને પ્રાયોરિટી આપવાની ક્ષમતા અને નિષ્ઠા ખાસ હોવી જોઈએ.

૬. શ્રોતાઓની સંખ્યા બાબતે બાંધછોડ કરવાની તૈયારી રાખવી પડે.

૭. ઘરે કે ઑફિસે પહોંચવાની ઉતાવળ રહેતી હોય એવા લોકોને પારકી પંચાત કરવાની પરમિટ આપવામાં આવતી નથી.

૮. કોઈ પણ વ્યક્તિ વિશે અગાઉ આપેલા અભિપ્રાયને ઓચિંતો બદલી નાખવો પડે તો એ બદલતાં અને એનાં સચોટ કારણો આપતાં આવડતું હોય તો એ વિશેષ લાયકાત ગણાય.

૯. પંચાતિયા થવા માટે વાક્પટુતા ખાસ હોવી જોઈએ, જેના દ્વારા ખોટી વાત પણ સાંભળનારને સવાઈ સાચી લાગે.

૧૦. છેલ્લે મહત્વની બાબત એ કે એવા લોકોને પાપનો ભય ન હોવો જોઈએ, સમાજમાં પ્રતિષ્ઠા ખોવાનો ભય ન હોવો જોઈએ. તો જ પારકી પંચાત કરવામાં તમે પ્રાણવાન પુરવાર થઈ શકો.

મેં તો ખાસ અનુભવ્યું છે કે પારકી પંચાત કરનારા લોકો ખૂબ જ ધૈર્યવાન હોય છે. આપણે એકાદ-બે વખત અટકાવીને વાતને ટાળવા કોશિશ કરીએ તો પણ તે લોકો ફરી-ફરીને એ જ વાત કરવા આતુર રહે છે. એક સ્નેહી પંચાતિયા ભાઈએ મને કહ્યું, ‘આ અણ્ણા હઝારે ડાઉટફુલ લાગે છે બૉસ, કશીય આવડત વગર મોટા ભા થવા નીકળ્યા છે. મને તો તેમની બૉડી-લૅન્ગ્વેજ પરથી એમ જ લાગે છે કે આ માણસ મેધાવી નથી, પણ જાડી ચામડીનો છે...’ મને તેમની વાતમાં કોઈ રસ નહોતો. મેં કહ્યું, ‘હું ઉતાવળમાં છું. પછી ક્યારેક વાત કરીશું...’ એ પછી એક વખત એક હૉસ્પિટલમાં કોઈકની ખબર પૂછવાના સમયે અને બીજી વખત તે જ બીમાર વ્યક્તિના મૃત્યુ પછી તેની અંતિમક્રિયા વખતે અમે સ્મશાનમાં મળ્યા ત્યારે પણ અણ્ણા હઝારેની વાત ખોલીને તે બેસી જતા હતા. મેં કહ્યું, ‘તમારે અણ્ણાજીને તમારા વેવાઈ બનાવવાના છે?’ તે સ્નેહી કહે, ‘કેવી વાત કરો છો, રોહિતભાઈ!’ મેં કહ્યું, ‘તો પછી શા માટે તે માણસની પાછળ પડ્યા છો. અણ્ણા હઝારે જેવા હશે તેવા ખરા, આપણે નથી તેમને વેવાઈ બનાવવા કે નથી તેમને આપણે ત્યાં નોકરી પર રાખવા... પછી શા માટે ખોટી લમણાઝીંક કરવી?’ બસ, એ દિવસ અને આજની ઘડી, તે મહાશય હવે રસ્તામાં મળે છે તો પણ મોઢું ફેરવી લે છે. એક શ્રોતા ખોયાનો તેમને અફસોસ થતો હશે.

લગે રહો...

પારકી પંચાત કરનારા લોકોની એક વિશેષતા તરફ મારું ધ્યાન ગયું છે અને તમારું ધ્યાન દોરવું જોઈએ એમ હું માનું છું. તમે જોજો, પારકી પંચાત કરનારા લોકો ખૂબ નિ:સ્વાર્થી હોય છે. પોતાનો સમય, પોતાની શક્તિ અને પોતાની આવડત તમારી સામે ઠાલવ્યે જ રાખે છે, છતાં કશા વળતરની તેમને અપેક્ષા હોતી નથી. ક્યારેય જાહેર સન્માનની ખેવના તેમને હોતી નથી. કોઈ પુરસ્કાર, અવૉર્ડ કે પારિતોષિકો મળતાં ન હોવા છતાં તે લોકો પારકી પંચાત માટે ‘લગે રહો’નો સિદ્ધાંત પાળતા રહે છે. ક્યારેક તો અપમાન અને ઉપેક્ષા વેઠવાં પડતાં હોય છે, છતાં અડગ મનના દૃઢ બળથી પારકી પંચાતમાં તે લોકો રચ્યાપચ્યા રહે છે.

ધોબી અને સીતાજી

પારકી પંચાત હંમેશાં ખાનગીમાં થતી હોય છે. એટલે કે જે વ્યક્તિ વિશે વાત કરવાની હોય તે વ્યક્તિની ગેરહાજરીમાં જ તેની ટીકા કે નિંદા કરવામાં આવે છે. આ પાપ કહેવાય કે નહીં એની મને ખબર નથી, પણ કાયરતા તો જરૂર કહેવાય જ. જેના વિશે વાત કરવાની હોય તે વ્યક્તિની ગેરહાજરીનો ગેરલાભ લેવાય એ નૈતિક દૃષ્ટિએ ઉચિત નથી. જો સાચું બોલવાનું સાહસ હોય, સત્યનિષ્ઠાની ત્રેવડ હોય તો તે વ્યક્તિની હાજરીમાં અને તેને મોઢામોઢ જ કહોને. ખાનગીમાં ગુસપુસ શાના કરો છો? જૂઠાણાં ફેલાવવાં છે, અફવાઓ ફેલાવવી છે, કોઈકને બદનામ કરવાનું કાવતરું ઘડવું છે એટલે ખાનગી એફએમ રેડિયો પ્રસારણ શરૂ કરી દો છો, ખરુંને. સાચી વાત તો એ છે કે આવી પારકી પંચાત કરનારા લોકો કરતાં સાંભળનારા લોકો વધુ દુષ્ટ અને અધમ ગણાય. આપણે જો એવી વાતો સાંભળવા તૈયાર (ઉત્સુક) રહેવાને બદલે તેમને ખામોશ કરી દઈએ તો અનેક ધોબીઓને કારણે સીતાજીને વનવાસ વેઠવાના અટકી જાય.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK