સંસાર અને સંબંધોને મિથ્યા કહીને છોડવા એ ધર્મ નથી

Published: 25th November, 2011 07:18 IST

પ્રકૃતિનો અનાદર કરવો એ પાપ છે. ભૂખ, તરસ, સેક્સ વગેરે પ્રકૃતિ છે; એનો વિરોધ ન થાય. સંસાર અને સંબંધોને મિથ્યા કહીને છોડવા એ ધર્મ નથી(ફ્રાઇડે-ફલક - રોહિત શાહ)

કહેવાતા જ્ઞાનીઓ અને બની બેઠેલા અધ્યાત્મવાદીઓ ગળાં ફાડી-ફાડીને એક જ સૂર આલાપે છે કે મોહ અને માયા છોડો, તમારાં સઘળાં દુ:ખોનું કારણ મોહ-માયા જ છે. એ લોકો હંમેશાં જાતજાતનાં કષ્ટો વેઠવાના ઉપદેશો જ ચરકતા રહે છે. સુખ ભોગવવું તેમને મન પાપ છે. પત્ની છોડો, પરિવાર છોડો, પૈસા છોડો, સંબંધો છોડો, વૈભવ છોડો, સત્તા છોડો, ક્રોધ છોડો, પ્રેમ છોડો, નફરત છોડો, ઈર્ષા છોડો, મોહ અને માયા છોડો...

બસ, છોડો જ છોડો.

તમને જે કંઈ મળ્યું છે એ બધું જ નકામું છે. મૃત્યુ પછી કશું સાથે આવવાનું નથી માટે ત્યાગી દો, ફેંકી દો. ભૂલથીયે તમે જો સુખ ભોગવો તો પાપ લાગે, નરકમાં જવું પડે. કશાય કારણ વગર ખોટાં કષ્ટો વેઠો, તકલીફોને સામે ચાલીને આમંત્રણ આપો તો તમે પુણ્ય પામો.

આવું કેવી રીતે બને?

બસ, સાલી આ વાત જ ગળે નથી ઊતરતી. જે ચીજ માણસને સૌથી પ્યારી લાગે છે એ જ ચીજ છોડવાની? જે ચીજ દ્વારા આપણને મનગમતું સુખ મળતું હોય એ જ ચીજ છોડવાની? આપણે સુખ ભોગવીએ તો એમાં ઈશ્વરને શો વાંધો પડે? પતિ અને પત્ની બન્ને પરસ્પરને ભરપૂર લવ કરતાં હોય, બન્નેને પરસ્પર પર ભરપૂર ભરોસો હોય, બન્ને યુવાન હોય તો પણ તેઓ સેક્સ એન્જૉય કરે તો પાપ લાગી જાય બોલો! અને સેક્સની તાલાવેલી દાબી રાખીને અમથું-અમથું બ્રહ્મચર્ય પાળે તો પુણ્યાત્માઓની પંગતમાં બેસી જાય.

સાચું કહું? કોઈ ગમે તે કહે, સંસારને ફેંકી દેવા જેવો નથી. ગરબડિયો ગામનો બાવો ગમે એ ઉપદેશ આપે, પણ સુખ અને સાહ્યબી છોડી દેવા જેવાં નથી. શું આપણે માત્ર યાતનાઓ વેઠવા માટે જ અવતારને ખર્ચી નાખવાનો છે?

હાથમાં છે એ સુખો ફગાવી દઈને કોણીએ ચોંટેલાં કાલ્પનિક સુખોને ચાટવાના જ ઉધામા લાઇફટાઇમ કરવાના છે?

બૉસ, આ વાત ઍક્સેપ્ટેબલ નથી.

જો સુખ ભોગવવું એ જ પાપ હોય તો પછી આ જિંદગી જીવ્યા તોય શું અને ન જીવ્યા તોય શું?

પાછું હમ્બગ લૉજિક તો જુઓ. જે સુખો છે એ બધાં આવતા ભવમાં ભોગવવાનાં. હવે પછીના અવતારમાં સુખ મળે એ માટે આ અવતારમાં મળેલાં સુખોને દીવાસળી ચાંપવાની! આવતા ભવનાં માથાં (ટિફિન) ભરતા રહો અને આ ભવમાં ભૂખ્યા મરો! ગધેડાને તાવ આવે એવી મૂર્ખામી ભરેલી વાત નથી આ? અત્યારે તમારી સામે જે દીવો પ્રકાશ આપી રહ્યો છે એને બુઝાવી દો અને આવતી કાલે તમને નવો દીવો મળે એની પ્રાર્થના કરો.

અધ્યાત્મ આવું ભેજાફ્રાય હોય?

બધું આવતા ભવમાં જ ભોગવવાનું હોય તો આ ભવને પછી શું કરવાનો? ગયા ભવનાં પુણ્યોથી આ ભવમાં મળ્યું હોય તો એ ભોગવવામાં શો વાંધો છે? દુ:ખને રોકડું રાખીએ અને સુખને ઉધાર રાખીએ એનું જ નામ શું અધ્યાત્મ છે? જો કોઈ સુખ ભોગવવાનું જ ન હોય તો જન્મ અને જીવનનો કશો અર્થ ખરો?

કોઈ માણસ તનતોડ મહેનત કરીને નોકરી કરે અને સૅલેરી મેળવે તો એ સૅલેરી પર તેનો અધિકાર હોય છે. જો તેને એવો ઉપદેશ ચટાડવામાં આવે કે આ સૅલેરી ભવિષ્યમાં વાપરવા માટે મૂકી દે; અત્યારે મજૂરી કર્યા કર, હાડમારીઓ વેઠ્યા કર, બીમારી આવે તો પરવા ન કર, શરીર સ્વયં માયા છે, આત્મા એક દિવસ શરીરની માયા છોડીને ચાલ્યો જ જવાનો છે એટલે તારે સૅલેરી ભવિષ્યની સલામતી માટે સાચવી રાખવી જોઈએ તો એ વાત જરાય વાજબી છે ખરી?

આવતી કાલને સુખી કરવા માટે આજને દુ:ખી કરવાની? આવતા ભવમાં ભોજન મળે એ માટે આ ભવમાં ભૂખ્યા મરવાનું?

અને સપોઝ આવતો ભવ હોય જ નહીં તો? પુનર્જન્મની વાતો જ વાહિયાત હોય તો? તો-તો આપણી દશા ધોબીના કૂતરા જેવી જ થાયને!

આવતા ભવની ગૅરન્ટી નથી, આ ભવ આપણા હાથમાં જ છે. શું કરવું એનો નિર્ણય આપણે જ કરવાનો છે.

પ્રકૃતિથી વિરુદ્ધ જવું એ જ મારે મન તો સૌથી મોટું પાપ છે. ભૂખ લાગે એ પ્રકૃતિ છે તો ભોજન કરવામાં પાપ ન હોવું જોઈએ. સેક્સની ઇચ્છા થવી-તલબ લાગવી એ પ્રકૃતિ છે તો સેક્સ એન્જૉય કરવામાં કશું પાપ ન હોવું જોઈએ. પ્યાસ જો પ્રકૃતિ હોય તો પાણી પીવામાં વળી શાનું પાપ? પ્રકૃતિનો અનાદર કરવો એ અપરાધ છે, એનું અનુસરણ કરવામાં વળી શાનું પાપ?

તો જીવીને શું કામ છે?

એક વૈદરાજ કહેતા હતા કે ‘તીખું-તળેલું ન ખાવું જોઈએ. ખૂબ ઠંડી કે ખૂબ ગરમીની મોસમમાં બહાર ન નીકળવું જોઈએ. સિગારેટ, શરાબ કે તમાકુનું સેવન ન કરખવું જોઈએ. ભોજનમાં બહુ સંયમ રાખવો. ગળ્યું ખાશો તો કફ થશે, ખારું ખાશો તો બ્લડપ્રેશર વધશે અને ખાટું ખાશો તો ઍસિડિટી થશે. બહુ આળસુ બનીને પડ્યા રહેશો તો ચરબી વધી જશે. બહુ ટેન્શન કરશો તો ડાયાબિટીઝ થશે.’

કોઈકે તે વૈદરાજને પૂછ્યું, ‘જો આ બધું ન કરવાનું હોય તો પછી મારે જીવીને શું કામ છે? લિમિટ રાખીશ, પણ હું આ બધું જ ભોગવીશ. વરસાદ વરસતો હોય ત્યારે કાચની બારીમાંથી એને જોયા કરવાનો હોય કે પછી બહાર ખુલ્લામાં પહોંચીને તરબોળ થવાનું હોય?’

સંસાર મિથ્યા નથી

બૉસ એક વાત કહું? મેં તો નક્કી જ કર્યું છે કે આવતા ભવમાં નરક મળે તો ભલે મળે, પણ આ ભવને નરક નથી બનાવવો. ભવિષ્યમાં જે કષ્ટો અનિવાર્યરૂપે વેઠવાનાં આવશે એ વેઠીશ, પણ અત્યારે સામે ચાલીને કષ્ટોને ઇન્વાઇટ નથી કરવાં. મારે એવા પુણ્યાત્મા નથી બનવું જેમાં આ ભવને, આ જન્મને દાવ પર લગાવવાનો હોય! જો સુખ ભોગવવાથી પાપ લાગતું હોય તો હું એ પાપ કરીશ. જો બિનજરૂરી દુ:ખો વેઠવાથી પુણ્યની કમાણી થતી હોય તો એ કમાણી હું જતી કરીશ. મને રોકડામાં રસ છે; ઉધારમાં નહીં, વાયદામાં નહીં. મોક્ષ અને વૈકુંઠની લાયમાં મારે આ મીઠો-મધુરો સંસાર નથી છોડવો. મને એક જ સત્ય સમજાઈ ગયું છે કે જો સુખો માયા હોય તો મોક્ષ પણ એક માયા જ છે. પરિવારના સંબંધો મિથ્યા હોય તો અધ્યાત્મનાં શાસ્ત્રો પણ મિથ્યા જ છે. જેને સંસારમાંથી સુખ પેદા કરતાં નથી આવડતું તે વૈરાગ્યમાંથી વળી કયું સુખ પેદા કરી શકશે?

બીજાના જીવનને નફરત કર્યા વગર પોતાના જીવનને મન ભરીને ચાહવું એ જ સાચો અધ્યાત્મ છે. જીવન પ્રત્યે ધિક્કાર પ્રગટાવે, કર્તવ્યો પ્રત્યે પલાયનતા શીખવાડે, સંબંધો પ્રત્યે નફરત પેદા કરે એ ધર્મ કે અધ્યાત્મ કદી ન હોઈ શકે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK