તૂટેલા દિલ પર મલમ લગાવવાની જરૂર છે

Published: 24th November, 2011 09:37 IST

આજનો જમાનો એવો છે કે સંબંધો તૂટતાં વાર લાગતી નથી. રિલેશન પતિ-પત્નીનું હોય કે પ્રિયતમ-પ્રિયતમાનું, એ તૂટે એટલે જખમ થાય; પણ એને કારણે હિજરાયા કરવા કરતાં મલમપટ્ટી કરવી વધુ બહેતર છે



(ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી)

આજનો સમય એવો છે કે સંબંધની ગરિમા જળવાતી નથી. કાચ તૂટી જાય એમ સંબંધો તૂટી જાય છે. આજે નિભાવવાની વાત તો ભુલાઈ જ ગઈ છે. આપણે નાની-નાની વાતમાં તૂટતા સંબંધોને સારી બાબત ગણીએ કે ખરાબ, વાસ્તવિકતા એ છે કે આમ બની રહ્યું છે અને જે બની રહ્યું છે એને સ્વીકારવું જ રહ્યું. હવે ડગલે ને પગલે તૂટતા સંબંધોને કારણે બધા ‘દેવદાસ’ બની જાય કે પછી રડતા અને નસીબને કોસતા બેસી રહે તો શું થાય? તૂટેલા સંબંધને ભૂલીને નવા સંબંધ તરફ આગળ વધી જવાનું આજની જનરેશનને પસંદ છે પણ ઘણી વાર ઘણા લોકો એમ કરી શકતા નથી અને દુ:ખમાં ડૂબી જાય છે. તૂટેલા હૃદયના જખમ પર મલમ લગાડવાના થોડા નુસખા અહીં પ્રસ્તુત છે.

મિત્રો-સંબંધીઓને મળો

તમે જ્યારે કોઈ સાથે રિલેશનશિપમાં બંધાઓ છો ત્યારે મિત્રો અને સંબંધીઓને મળવાનું ઓછું થઈ જાય છે, કારણ કે કામ અને તમારા બન્નેના મળવાના કાર્યક્રમને કારણે સમય જ ક્યાં રહે છે? પણ જ્યારે સંબંધ તૂટે ત્યારે ફરીથી મિત્રો અને સ્નેહીઓને મળવાનું ચાલુ કરો, સારું લાગશે. જોકે તમે રિલેશનશિપમાં હો ત્યારે પણ મિત્રો-સ્નેહીઓને ન મળીને ભૂલ જ કરતા હો છો. મળી ન શકો તો ફોન પર પણ મળતા રહેવું અનિવાર્ય છે.

કાઉન્સેલરને મળો

મોટા ભાગના લોકો બ્રેકઅપ પછીના દુ:ખને હળવું કરવા માટે કાઉન્સેલરને મળવાનું મુનાસિબ સમજતા નથી. જોકે કાઉન્સેલરને મળવામાં શરમાવા જેવું કંઈ નથી. ઊલટાની મદદ મળી રહે છે.

આ વિશે મિતાલી કહે છે, ‘અમારો છ વર્ષથી સંબંધ હતો. હું લગ્ન માટે તૈયાર હતી, પણ તે તૈયાર નહોતો. તેથી અમે  છૂડા પડી ગયા. હું ખૂબ જ દુ:ખી થઈ ગઈ. મારા મિત્રોએ મને કાઉન્સેલર પાસે જવા કહ્યું. હું ગઈ. મને સારું લાગ્યું.’

રોના મના નહીં હૈ

આપણા દુ:ખમાંથી બહાર આવવા રડવું જરૂરી છે. જેટલું રડવું હોય એટલું રડી લેવાની છૂટ છે. શરૂઆતના દિવસોમાં રડવું પણ આવશે અને તમારો મૂડ પણ ઠીક નહીં હોય, પણ મિત્રો અને સ્નેહીઓ તમને સમજી શકશે. જોકે બધાની સામે રડ્યા કરવું ઠીક નથી. તમારા સ્વજન કે અંગત મિત્ર સામે રડવામાં શરમ રાખવાની જરૂર નથી. રડવાથી હળવા થઈ જવાશે.

ભૂતકાળને દફનાવી દો

જ્યારે સંબંધ તૂટે છે ત્યારે ઘણા ‘જો’ અને ‘તો’ વિશે વિચાર આવે છે. ક્યાં શું ખોટું થયું એ વિશે પણ વિચારો આવે છે. પણ વધારે પડતા એમાં ખૂંપી નહીં જતા, ભૂતકાળને ભૂલી જવામાં જ મજા છે. મિત્રો સાથે પાર્ટી કરીને ગુનાહિત લાગણી અનુભવવાની જરાય જરૂર નથી.

પોતાનો અનુભવ જણાવતા પ્રિયંકા શાહ કહે છે, ‘મારા બૉયફ્રેન્ડ સાથે મારા બે વર્ષના સંબંધનો અંત આવ્યો ત્યારે હું જાણે કોચલામાં પુરાઈ ગઈ. મારા બધા મિત્રો ભેગા મળીને મને બહાર લઈ ગયા. ત્યારે જ મને સમજાયું કે ભૂતકાળમાં જીવ્યા કરવાનો કોઈ જ અર્થ નથી.’

ગમતી પ્રવૃત્તિ કરો

રિલેશનશિપ તૂટ્યા પછી એકલતા લાગે, ખાલીપો લાગે, સમય પસાર ન થાય ત્યારે તમને ગમતી પ્રવૃત્તિના ક્લાસિસમાં જોડાઓ. કોઈને યોગ કરવાથી શાંતિ લાગે, કોઈને બેલી ડાન્સિંગમાં મજા આવે.

આવો પ્રયોગ પ્રદીપ કાપડિયાએ કયોર્. તેઓ કહે છે, ‘મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી સાંજના સમયે શું કરવું એ સમજાતું નહોતું. બહુ વિચારીને મેં ગિટારના ક્લાસમાં જવાનું શરૂ કર્યું. એનાથી મને બહુ સારું લાગ્યું. ગિટારને કારણે સંબંધ તૂટવાના દુ:ખમાંથી તો બહાર નીકળ્યો જ અને એ પણ સમજાયું કે તમારું જીવન બીજી કોઈ વ્યક્તિ પર આધારિત હોય એ જરૂરી નથી. જીવનમાં બીજી પણ ઘણીબધી કરવા જેવી ચીજો છે.’

તમારા દેખાવનું ધ્યાન રાખો

તમારું દિલ તૂટ્યું છે, હૃદય ઘવાયું છે એ સાચી વાત છે; તેનું દુ:ખ થાય એ વાત પણ નકારી ન શકાય, પણ આ બાબતને કારણે તમારા આત્મવિશ્વાસમાં કમી ન આવવી જોઈએ. અને તમારા આત્મવિશ્વાસને ઑર મજબૂત કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે મેકઓવર. તમારા દેખાવનું ધ્યાન તો રાખવાનું જ છે, પણ એમાં કંઈક ફેરફાર કરો. જેમ કે નવી સ્ટાઇલના હેરકટ કરાવો જેનાથી તમારો દેખાવ સાવ બદલાઈ જશે. તમારો વૉર્ડરોબ ચેન્જ કરો. નવી સ્ટાઇલનાં, નવી બ્રૅન્ડનાં કપડાં, જૂતાં ખરીદો. આવો બધો ફેરફાર ખરેખર તમારા મનને સારો લાગશે. તૂટેલા દિલને સામાન્ય જીવન જીવવા તૈયાર કરવા માટે સુંદર દેખાવું એ પ્રથમ પગથિયું છે. સુંદર દેખાવું કોને ન ગમે? અને આ બાબતમાં મિત્રો અને સ્નેહીઓનાં સૂચનો પણ તમારે આવકાર્ય ગણવાં જોઈએ.

સમય કુદરતી મલમ છે

આપણે જે બધા ઉપાય તૂટેલા દિલને રૂઝ આવે એ માટે જોયા એ બરાબર જ છે, પણ સમય તો બધાં જ દર્દની દવા છે. સમય ગમેતેવા ઘા રૂઝવવા સમર્થ છે. આ તો દિલ તૂટ્યું છે; કેટલાયનાં જુવાનજોધ સંતાનો દુનિયાને અલવિદા કરી દે છે ત્યારે પણ સમય સાથે તેમના ઘા રૂઝાઈ જ જાય છે ને? તમે તમારું જીવન, તમારો સમય, મિત્રો, પરિવારજનો, સ્નેહીઓ, સગાંસંબંધીઓ સાથે વિતાવો; તમને મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવો અને પછી જુઓ તમે રિકવરીના રસ્તે ચાલી નીકળશો. તમને કેટલીયે એવી મનગમતી પ્રવૃત્તિ છે જે તમે કરવા ચાહતા હતા, પણ સમયના અભાવે કરી શકતા નહોતા એ હવે કરો. જ્યારે તમે રિકવરીના રસ્તે હો ત્યારે ફરીથી ભૂતકાળમાં સરી પડવાની ભૂલ ન કરતા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK