આજે પણ તું જ મારા માટે નંબર વન છે (ગુરુવારની ગુફ્તગો)

Published: 10th November, 2011 18:54 IST

ક્યારેક પત્ની કે પ્રેયસીને એવું લાગે છે કે તેનો પતિ કે પ્રેમી બીજી કોઈ સ્ત્રી પ્રત્યે વધારે ધ્યાન આપે છે અને પોતાની ઉપેક્ષા કરે છે. આવા સમયે પતિ કે પ્રેમીએ પોતાની સ્ત્રીને પ્રતીતિ કરાવવા કહેવું જોઈએ કે બસ તું જ મારા દિલની રાણી છે(ગુરુવારની ગુફ્તગો- નીલા સંઘવી)

સમયના પરિવર્તન સાથે શિક્ષણનો વ્યાપ વધ્યો. સ્ત્રીઓ ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળીને ઑફિસની ડેસ્ક સુધી પહોંચી.

સ્ત્રી-પુરુષો સાથે મળીને, ખભેખભા મિલાવીને કામ કરતાં થયાં એટલે પુરુષોના જીવનમાં ઑફિસમાં, બિઝનેસમાં અનેક સ્ત્રીઓ આવે. પુરુષની સ્ત્રીમિત્રો પણ હોય અને પુરુષને તે સ્ત્રી માટે એક સહકર્મચારી કે મિત્ર જેવી જ લાગણી હોય, એનાથી વધારે કાંઈ નહીં છતાં કદાચ તેની બેટરહાફ તેના વિશે બીજું જ વિચારતી હોય. તેનો વિચાર, તેનો ડર, તેની અસલામતી બધું જ સાવ પાયાવિહોણું હોય છતાંય પુરુષે પોતાની પત્ની કે પ્રિયતમાને ‘તે તેના દિલની રાણી છે’ એવો અહેસાસ કરાવવા માટે થોડા એક્સ્ટ્રા માઇલ જવું જ પડશે. જો પુરુષ સાચો હોય તો તેણે કોઈ પણ સંજોગોમાં પોતાની સ્ત્રીને તેની મહત્તા સાબિત કરી જ આપવી જોઈએ, પણ કઈ રીતે? આવો, થોડી ચર્ચા કરી લઈએ. કયા સંજોગોમાં કઈ રીતે તમારી પત્ની કે પ્રેયસી સાથે ટેકલ કરશો?

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ

જો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર તમારી ઘણીબધી ફીમેલ ફ્રેન્ડ્સ છે. તમે તેમના ટચમાં છો. તમારા માટે તેમની સાથે ચૅટિંગ એટલે સ્ટ્રેસબસ્ટર અને થોડીક મસ્તીથી વધારે કાંઈ નથી, પણ તમારી પત્ની કે પ્રેયસી આમ નથી વિચારતી. આવા સમયે શું કરશો? તેના મનની શંકા દૂર થવી જ જોઈએ. સંબંધોમાં પારદર્શકતા જળવાવી જોઈએ. આવા સંજોગોમાં જો તમે ખરેખર સાચા હો તો તમારો પાસવર્ડ તેને જણાવી દેવો જોઈએ. તમે તમારી સ્ત્રીને પાસવર્ડ આપશો તો એ સાબિત થઈ જશે કે તમારા મનમાં કોઈ ચોરી નથી. તમારી જાતને તમે સાચા સાબિત કરી શકશો અને તમારા સંબંધમાં તાજગીનો પમરાટ ફેલાવી શકશો અને યાદ રાખજો રિલેશનશિપ સ્ટેટસમાં જો તમે પરિણીત હો તો ‘મૅરિડ’ અને પ્રેમમાં હો તો ‘કમિટેડ’ એન્ટર કરજો. જો તમારા બન્નેના સાથે હોય તેવા સુંદર ફોટા પણ તમારા અકાઉન્ટ પર મૂકશો તો તમારી પત્ની કે પ્રેયસીનો ભય દૂર થઈ જશે.

મિત્રવતુર્ળમાં સ્ત્રી પણ હોય

તમારા મિત્રવતુર્ળમાં જો એકાદ-બે સ્ત્રી પણ હોય અને તેમની સાથે તમારે ઘણી વાર બહાર મળવાનું બનતું હોય. ક્યારેક ડિનર માટે, ક્યારેક ડ્રિન્ક કે ક્યારેક ડ્રાઇવ માટે. અફર્કોસ, તમારા પુરુષમિત્રો પણ તમારી સાથે હોય અને તમારા બધા માટે જ તે માત્ર અને માત્ર એક મિત્રથી વિશેષ કાંઈ ન હોય. તમે બધા પુરુષો તો તેને એક ‘સ્ત્રી’ છે એવી નજરથી જોતા પણ ન હો, પરંતુ તમારી બેટરહાફને કાંઈક જુદું જ લાગે છે. તેને લાગે છે કે બધા બૉય્ઝ સાથે આ છોકરી કેમ બહાર જતી હશે? જો તેને આવું લાગતું હોય તો શું કરશો? તમે બધા મિત્રો બીજી વાર બહાર જાઓ ત્યારે તમારી સ્ત્રીને તમારી સાથે લઈ જજો અને તમારા મનમાં તેનું કેટલું મહત્વ છે એની પ્રતીતિ કરાવજો. તેને તમારા મિત્રો સાથે વાતચીત કરવા પ્રેરજો. તેનાથી તેને ખ્યાલ આવશે કે તમારા માટે તેના મનમાં સ્પેશ્યલ સ્થાન છે.

ફ્લર્ટી ફીમેલ કલીગ

જો ઑફિસમાં તમારી કોઈ સહકર્મચારી થોડી વધારે પડતી બોલકી, નખરાળી, ફ્લર્ટ, રમૂજવૃત્તિ ધરાવતી હોય અને તેને ખબર હોય છે કે ક્યારે તમને શું ભાવશે? તમને શું ગમશે? જાહેર છે કે આવા સમયે તમારી સ્ત્રીને નવાઈ લાગશે. તેને એ પણ ખબર છે કે તે ક્યારેય પોતાના પતિ કે પ્રેમીની પ્રોફેશનલ જિંદગીમાં ડોકિયું કરી શકવાની નથી. તે ક્યારેય તમારા ઑફિશ્યલ ડિનર કે વીક એન્ડ ટીમ બિલ્ડિંગ પિકનિકમાં સામેલ થઈ શકવાની નથી. તેને એ પણ ખબર છે કે ઑફિસમાં તમારો મોટા ભાગનો સમય તે સ્ત્રી સાથે વીતે છે. આવા સમયે શું કરી શકાય એવી ચર્ચા કરતી વખતે અમારા એક સંબંધી યુવાને કહ્યું હતું, ‘મારી ઑફિસની સહકર્મચારી જેની સાથે મારે વારંવાર ડિનર, પિકનિક કે ર્બોડ-મીટિંગ માટે જવું પડતું. તે યુવતી વિશે જ્યારે હું મારી ગર્લફ્રેન્ડને વાત કરતો ત્યારે તે નારાજ થઈ જતી. મેં તેને એ વાત પણ જણાવી હતી કે તે યુવતી બીજા કોઈ યુવકને પ્રેમ કરે છે, પણ મારી ગર્લફ્રેન્ડના માનવામાં એ વાત આવતી જ ન હતી એટલે મેં ડબલડેટ પર જવાનું નક્કી કર્યું. હું ને મારી ગર્લફ્રેન્ડ તથા તે યુવતી ને તેનો બૉયફ્રેન્ડ. આખો દિવસ સાથે પિકનિક મનાવવાને કારણે અમારા બન્ને વચ્ચેનું ટેન્શન દૂર થઈ ગયું.’

ધ સેક્સી સ્ટ્રેન્જર

તમે મૉલમાં કે એવી કોઈ જગ્યાએ લટાર મારી રહ્યા છો અને એક સુંદર સેક્સી છોકરી તમારી પાસેથી પસાર થઈ રહી છે. તમે તેની સામે જોયા વિના રહી નહીં શકો. તમે તેની સામે ત્રાંસી આંખે જોશો તો પણ તમારી પત્ની કે પ્રેયસી સમજી જશે કે તમારી નજર પેલી સેક્સી છોકરી પર છે. તમે કહી શકો છો કે આ છોકરીને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. સૌથી બેસ્ટ વાત એ છે કે તમે તમારી પત્ની કે પ્રિયતમા સાથે હો ત્યારે આજુબાજુ ડાફોળિયા મારવાનું રહેવા જ દેજો.

બાળપણની સખી

નાનપણમાં તે છોકરી સાથે મિત્રતા હતી. તમારાં માતા-પિતાની પણ તે લાડકી હતી. તમે તેની સાથેનો ફોટો તમારા ઘરમાં પણ રાખ્યો છે તમારી મિત્રતાના મધુર સંભારણારૂપે. તમારી પત્નીને લાગશે કે હજી તમે તેની યાદોમાંથી બહાર નથી આવ્યા. તમે જો હજી તે સખીના ટચમાં હો તો તમારી પત્ની કે પ્રેયસી સાથે તેની મુલાકાત કરાવો. તેની સાથે વાત કરીને તેને ખ્યાલ આવશે કે તે તમારી મિત્ર જ છે તેથી વધુ કાંઈ નથી અને તે સલામતી અનુભવશે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK