મ્હાડાના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હવે સબ-કૉન્ટ્રૅક્ટરોને નહીં આપી શકાય

Published: 31st October, 2011 01:49 IST

મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી)ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત કરીને પછી એનો અમલ કરવા સબ-કૉન્ટ્રૅક્ટરોને કામ સોંપી દેતા બિલ્ડરો મુશ્કેલીમાં આવશે, કારણ કે તેઓ આવું ન કરી શકે એ પ્રકારની નીતિ મ્હાડા ઘડી રહી છે.

 

રણજિત જાધવ


મુંબઈ, તા. ૩૦


જો કોઈ બિલ્ડર મ્હાડાનો પ્રોજેક્ટ લઈને પછી એનો અમલ કરવાનું કામ બીજાને સોંપી દેશે તો એ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કૅન્સલ કરવામાં આવશે. મ્હાડાના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું કે મ્હાડાનો પ્રોજેક્ટ લઈને પછી એનો અમલ કરવાનું કામ સબ-કૉન્ટ્રૅક્ટરોને સોંપી દેવામાં આવે ત્યારે ઘણી વાર પ્રોજેક્ટ ઢીલમાં મુકાય છે અથવા તો ભાડૂતો સાથે છેતરપિંડી થવાની શક્યતા રહે છે.


મ્હાડાના ભાડૂતોએ ભૂતકાળમાં અનેક વાર એવી ફરિયાદો કરી છે કે પ્રાઇવેટ બિલ્ડરો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ હાથમાં લઈને પછી એ સમયસર પૂરા નથી કરતા. ક્યારેક તો બિલ્ડરો મ્હાડાનો કૉન્ટ્રૅક્ટ મેળવીને પછી એ બારોબાર બીજા બિલ્ડરને વેચી નાખે છે એને લીધે મૂળ ભાડૂતોએ અહીંતહીં ભટક્યા કરવું પડે છે.


મ્હાડાની નવી રીડેવલપમેન્ટ નીતિમાં ૬૦:૪૦નો રેશિયો રહેશે. મ્હાડાની જમીન પરનો પ્રોજેક્ટ મેળવ્યા પછી બિલ્ડરે એમાં ૬૦ ટકા અફૉર્ડેબલ ઘરો બનાવવાં પડશે અને એ મ્હાડાને સોંપવાં પડશે. ત્યાર પછી મ્હાડા એ ઘરો લૉટરી દ્વારા જરૂરતમંદ લોકોને સસ્તા ભાવે વેચશે. બાકીની ૪૦ ટકા જમીન પર જ બિલ્ડર મુક્ત વેચાણ માટેનાં ઘર બાંધી શકશે.


પોતાની જમીન પરના રીડેવલપમેન્ટ માટે મ્હાડા ટેન્ડરો પણ બહાર પાડવાનું વિચારી રહી છે અને મ્હાડાને વધુ ઘરો આપનાર બિલ્ડરને આ પ્રોજેક્ટ્સ આપવામાં આવશે. મ્હાડાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આને લીધે મ્હાડાને સૌથી મોટો ફાયદો એ થશે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થશે. આ ઉપરાંત નબળા વર્ગના લોકોને વેચવા માટે મ્હાડાને ઘરો પણ મળશે. મ્હાડા પાસે જમીનની સપ્લાય ખૂટી રહી છે એટલે આ નીતિ એને વધુ મદદરૂપ થશે.’


સપ્ટેમ્બર ૨૦૧૦માં યોજાયેલી મ્હાડાની મુંબઈ ર્બોડની બેઠકમાં એવો નર્ણિય લેવામાં આવ્યો હતો કે મ્હાડાએ પોતાની જમીન પરનાં વધુમાં વધુ બિલ્ડિંગો રીડેવલપ કરવાં જોઈએ, જેથી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય અને ભાડૂતોએ હેરાનગતિ ન ભોગવવી પડે.

 

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK