ઉત્તર ભારતીયોએ જ સંજય નિરુપમ સામે માંડ્યો મોરચો

Published: 28th October, 2011 01:19 IST

ઉત્તર મુંબઈના સંસદસભ્ય સંજય નિરુપમે કરેલા વિવાદાસ્પદ નિવેદનની ટીકા મરાઠી નેતાઓ તો કરી જ ચૂક્યા છે, પરંતુ હવે તેઓ જેમની તરફેણમાં બોલ્યા હતા એ ઉત્તર ભારતીયો જ તેમની સામે પડ્યા છે. નાગપુર ખાતે યોજાયેલા એક સમારંભમાં સંજય નિરુપમે કહ્યું હતું કે ‘જો ઉત્તર ભારતથી આવેલા માણસો એક દિવસ માટે કામ બંધ કરી દે તો મુંબઈનું કામકાજ ઠપ થઈ જાય. પરપ્રાન્તીય મજૂરોને કારણે મુંબઈનું કામકાજ નૉર્મલ રીતે ચાલે છે.’

 

વરુણ સિંહ

 

મુંબઈ, તા. ૨૭

 

આ ટિપ્પણીને પગલે શિવસેનાએ સંજય નિરુપમને ધમકી આપી હતી અને હવે છઠપૂજા તથા ઉત્તર પ્રદેશ દિવસ જેવા પ્રસંગોની ઉજવણી કરતાં ઉત્તર ભારતીયોનાં સંગઠનો સંજય નિરુપમ પર માછલાં ધોઈ રહ્યાં છે. ઉત્તર ભારતીયોની રક્ષા કરવામાં આ અસોસિએશનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ અસોસિએશનોએ કહ્યું હતું કે સંજય નિરુપમે પબ્લિસિટી મેળવવા માટે આવી ટિપ્પણી કરી છે અને અત્યારે બધી કોમ વચ્ચે એખલાસ પ્રવર્તે છે ત્યારે આવું નિવેદન કરવાની કોઈ જરૂર નહોતી.

 

ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના ઉત્તર નામના સંગઠનના ઉદય પ્રતાપ સિંહે કહ્યું હતું કે ‘જરૂર હતી ત્યારે સંજય નિરુપમ કશું બોલ્યા નહોતા અને હવે તેમની પાસે કૉન્ગ્રેસમાં કશું રચનાત્મક કરવાનું નથી રહ્યું અને તેમનું મહત્વ ઘટી ગયું છે ત્યારે આવી ટિપ્પણી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કે બિહારથી આવેલો કોઈ મજૂર પોતાનું કામ બંધ કરવાનો નથી કે હડતાળ પાડવાનો નથી. મોટા ભાગના લોકો દાડિયા કામદારો છે અને રોજનું કમાઈને રોજ ખાય છે. જો તેઓ હડતાળ પાડે તો તેમને કોઈ પૈસા આપવાનું નથી. આ ઉપરાંત સંજય નિરુપમને ઉત્તર ભારતીયોનો બિલકુલ સર્પોટ નથી એટલે તેમના નિવેદનનું પણ કોઈ મહત્વ નથી.’

 

નિરુપમનાં પોસ્ટરો પર કાળપ લગાડી

 

ઉત્તર ભારતીયો પણ મુંબઈ બંધ કરાવી શકે છે એવા સંજય નિરુપમ દ્વારા કરવામાં આવેલા સ્ટેટમેન્ટને કારણે છેલ્લા થોડા દિવસથી તેમની અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વાક્યુદ્ધે હવે અલગ રંગ પકડ્યો છે. બોરીવલીમાં બન્ને પક્ષના સમર્થકો દ્વારા વિરોધીઓનાં પોસ્ટર્સ પર કાળો રંગ લગાડવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બોરીવલીમાં કૉન્ગ્રેસના સંસદસભ્ય સંજય નિરુપમના પોસ્ટર પર કાળો રંગ લગાડવાની બે ઘટના નોંધાઈ છે, જ્યારે ચારકોપમાં શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઠાકરે અને તેમના પુત્ર તેમ જ યુવા સેનાના નેતા આદિત્ય ઠાકરેને દિવાળીની શુભેચ્છા આપતા પોસ્ટર પર કાળો રંગ લગાડવામાં આવ્યો છે. જોકે આ બાબતે કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા અલગ વલણ લેવામાં આવ્યું છે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે સંજય નિરુપમનું સ્ટેટમેન્ટ એ તેમનું પર્સનલ મંતવ્ય છે. પાર્ટી એ સાથે સંમત નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK