શૈલેશ નાયક
અમદાવાદ, તા. ૨૭
અમદાવાદના મણિનગરમાં આવેલી હોટેલ માનસરોવરના માલિક ભરત ભાગચંદાણીના પાંચ વર્ષના દીકરા આદિત્ય તથા તેમની ૨૦ વર્ષની ભત્રીજી પાયલ ભાગચંદાણી મંગળવારે સાંજના સાડાસાત વાગ્યે ઍક્ટિવા લઈને ફરવા ગયા બાદ મોડે સુધી પાછાં ન ફરતાં ઘરના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. એ દરમ્યાન રાત્રે પોણાનવ વાગ્યે ઘરે ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે ‘તેરે દોનો બચ્ચેં મેરે કબજે મેં હૈં, ઝિન્દા ચાહિએ તો એક કરોડ કા બંદોબસ્ત કરકે તૈયાર રહના, મૈં તુઝે દો ઘંટે કા વક્ત દેતા હૂં. તૂ મુઝે હા યા ના બોલ.’
આદિત્યને કિડનૅપ કરનારાએ ભરતભાઈને આમ કહેતાં તેમણે પહેલાં તેમનાં બાળકો સાથે વાત કરાવવા કહેતાં ખંડણી માગનાર અપહરણકારે કહ્યું કે પહેલાં તું પૈસા માટે હા કહે તો વાત કરાવું એટલે અપહરણકાર સાથે ચર્ચા કરીને ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. અપહરણકારે કહ્યું કે તું બે કલાકમાં પૈસા લઈને અમે કહીએ એ જગ્યાએ આવી જજે નહીંતર તારા દીકરાને મારી નાખીશું.
દરમ્યાન ભરતભાઈએ પોતાના દીકરા અને ભત્રીજીનું અપહરણ થયું હોવા વિશે અને અપહરણકારે પૈસા માગ્યા હોવા બાબતે મણિનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં બનાવની ગંભીરતા જોતાં મણિનગર પોલીસે ઉચ્ચ પોલીસ-અધિકારીઓને જાણ કરતાં આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.
ફરિયાદીએ પચીસ લાખ રૂપિયા રોકડા અને બીજા દાગીનાની સગવડ કરતાં સંયુક્ત પોલીસ-કમિશનર મોહન ઝા, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લા તથા ડીસીપી ઝોન-૬ના મનીન્દરસિંહ પવારના સુપરવિઝનમાં ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અપહરણકારે જે જગ્યાએ ભરતભાઈને બોલાવ્યા હતા એે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ પાસે આવ્યા હતા. ત્યાં ભરતભાઈની ગાડી પાસે આવીને બે શખસોએ પૈસા માગતાં ભરતભાઈએ પૈસા ભરેલો થેલો આપી દીધો હતો. આ સમયે વૉચમાં ઊભેલી પોલીસે અમદાવાદના વાસણામાં રહેતા ૨૪ વર્ષના ધ્વનિક દિલીપકુમાર શાહ અને મણિનગરમાં રહેતા દેવેન્દ્ર સુભાષ શુક્લાને ઝડપી લીધા હતા. બાળક અને છોકરી ક્યાં છે એમ પોલીસે આરોપીઓને પૂછતાં હાઇવે પર અંધારામાં છુપાયેલી પાયલ કે જેનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી તે મળી આવતાં પોલીસને આર્ય થયું હતું, પરંતુ તરત જ અસલ ખેલ સમજી ગઈ હતી.
અપહરણ કેસમાં ખુદ પાયલની સંડોવણી બહાર આવતાં પોલીસે બાળક આદિત્ય વિશે તેની કડકાઈથી પૂછપરછ કરતાં ભોગ બનનાર બાળકને વૉલ સ્ટ્રીટ બિલ્ડિંગમાં સાતમે માળે રાખેલો હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે એની બીજી ટીમ ત્યાં મોકલતાં પાયલના પ્રેમી ૨૧ વર્ષના નિશાંત ભાસ્કર સેઠીને ઝડપી લઈને ભોગ બનનાર બાળક આદિત્યને તેના કબજામાંથી છોડાવ્યો હતો.
પોલીસે અપહરણ કેસમાં મુખ્ય રોલ અદા કરનાર પાયલ ભગવાનદાસ ભાગચંદાણી, નિશાંત ભાસ્કરભાઈ સેઠી, ધ્વનિક દિલીપકુમાર શાહ અને દેવેન્દ્ર સુભાષ શુકલાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTપાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું
24th February, 2021 07:27 ISTવાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા...
12th February, 2021 13:00 IST10 લાખની ખંડણી ન મળતાં નેવીના અપહૃત ઑફિસરને જીવતો બાળ્યો
7th February, 2021 09:15 IST