હક મેળવતાં પહેલાં જવાબદારી નિભાવો

Published: 11th October, 2011 20:35 IST

કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં આપણું સ્થાન આપણી અનિવાર્યતાને લીધે નિશ્ચિત થતું હોય છે અને એ પ્રેમ, કાળજી, સમજણ, સાથ અને સેવાથી ઊભી થાય છે. એક જ્ઞાતિના ફંક્શનમાં સમાજની કેટલીક અગ્રણી મહિલાઓ કાર્યક્રમ પત્યા પછી વાતો કરવી બેઠી હતી. ત્યાં સમાજના પ્રમુખ અને કાર્યક્રમના મુખ્ય આયોજકનાં પત્ની ‘હાશ, બધું સરસ રીતે પાર પડ્યું; હવે નિરાંત!’ કહીને એ ગ્રુપ સાથે જોડાયાં.(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

એક જ્ઞાતિના ફંક્શનમાં સમાજની કેટલીક અગ્રણી મહિલાઓ કાર્યક્રમ પત્યા પછી વાતો કરવી બેઠી હતી. ત્યાં સમાજના પ્રમુખ અને કાર્યક્રમના મુખ્ય આયોજકનાં પત્ની ‘હાશ, બધું સરસ રીતે પાર પડ્યું; હવે નિરાંત!’ કહીને એ ગ્રુપ સાથે જોડાયાં. બીજી સ્ત્રીઓએ તેમને અભિનંદન આપ્યાં અને તેમણે કરેલી મહેનત લેખે લાગી એવાં કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં તો કોઈ બોલ્યું, ‘હાશ કરીને થાક ઉતારો હવે.’ તો પેલાં બહેને કહ્યું, ‘અરે, બહેન, એનો ટાઇમ જ ક્યાં મળશે? આ જુઓને, દિવાળી માથે આવી ઊભી છે. અમારી ઑફિસના અને ઘરના સ્ટાફ માટે દિવાળી ગિફ્ટ લેવાની છે, સગાં-સંબંધી માટે અને ફ્રેન્ડ્સને મોકલવાની ગિફ્ટ પણ પસંદ કરવાની અને મોકલવાની છે, બંગલાની અને બન્ને ફ્લૅટની સાફ-સફાઈ કરાવવાની છે.’ પછી હસીને બોલ્યાં, ‘સાચું કહું, મને હવે સમજાય છે કે પહેલાંના જમાનામાં રાજાઓને કેમ આટલી બધી રાણીઓ રાખવી પડતી! રાજાના મહેલમાં તો કેટલાં બધાં ફંક્શન્સ અને કેટલી બધી મિજબાનીઓ! કેટલી ભેટ-સોગાદ અને કેટલા લેવલની!’ બધાં તેમની વાત સાંભળી હસી પડ્યાં, પણ એક યંગ યુવતી તેમની કૉમેન્ટ સાંભળી ખળભળી ગઈ અને ઉત્તેજિત થઈ બોલી પડી, ‘અરે! પણ હાઉ કૅન વન શૅર હર હસબન્ડ?’

વાત સાચી છે. કોઈ સ્ત્રી પોતાની જવાબદારી કે કામ બીજી સ્ત્રી સાથે શૅર કરી શકે, પણ એ માટે પતિ શૅર કરવાનું તેને ન પોસાય, પરંતુ જો કોઈ સ્ત્રી પોતાની બધી જ જવાબદારી અન્ય મહિલા પર નાખીને તદ્દન નફિકરી થઈને રહે તો શું થઈ શકે એની એક ઘટના હમણાં એક ફ્રેન્ડ પાસેથી જાણવા મળી. એ સાંભળતાં પેલી કહેવત યાદ આવી ગઈ, ‘લાઇફ ઇઝ સ્ટ્રેન્જર ધૅન ફિક્શન!’ તેમના એક સંબંધીના જીવનમાં દોઢબે વરસ પહેલાં બનેલી આ સત્યઘટના છે. વાત માત્ર વિચિત્ર જ નથી, સમજવા જેવી અને વિચારવા જેવી છે. જિંદગીમાં ઉપયોગી થાય એવો પાઠ શીખવા જેવી પણ છે. એક સમૃદ્ધ અને ખાનદાની રઈસ પરિવારમાં બાવન વર્ષના પુરુષે લગ્નનાં ત્રીસ વર્ષ પછી પોતાની પત્નીને ડાયવૉર્સ આપ્યા અને પોતાનાં બાળકોની કૅરટેકર સાથે લગ્ન કયાર઼્. તેય તેનાં યુવાન અને કિશોરવયનાં થઈ ગયેલાં ત્રણે સંતાનોની સંમતિથી! પ્રતિષ્ઠિત મારવાડી પરિવારમાં આવી ઘટનાની કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ બહોળા પરિવારે પણ હવે એ પ્રૌઢ પુરુષનાં આ લગ્નને થોડી આરંભિક નારાજગી પછી સ્વીકારી લીધાં છે અને તેની પત્નીને પરિવારની પુત્રવધૂનો દરજ્જો આપ્યો છે. વર્ષો સુધી કૅરટેકર તરીકે પ્રેમથી જે બાળકોની સંભાળ લીધી હતી તેમની હવે તે ઑફિશ્યલ મમ્મી બની ગઈ છે! તેની પ્રથમ પત્નીને અલગ ઘર મળ્યું છે અને તેની લાઇફસ્ટાઇલ પ્રમાણે તેની જિંદગીની બધી ભૌતિક જરૂરિયાતો તેના પતિ પૂરી કરે છે.

આ કહાણી સાંભળનારને સ્વાભાવિક જ પેલા પુરુષ પ્રત્યે આક્રોશ અને તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ થાય જ. મને પણ એવું જ થયું. સાથે બેઠેલી બે-ત્રણ યુવતીઓ મોં મચકોડીને બબડી પણ ખરી. ‘સા... બધા પુરુષો સરખા. ઘરડા થાય, પણ આદત જાય નહીં..!’ આમ સૌને આ ઘટનામાં પુરુષની ભ્રમરવૃત્તિનાં દર્શન થયાં, પરંતુ જે ફ્રેન્ડ આ વાત કરી રહી હતી તેણે કહ્યું કે ‘ડોન્ટ જમ્પ ટુ કન્ક્લુઝન સો ફાસ્ટ.’ અને જે માહિતી મળી એ આ હતી:

પાંત્રીસેક વર્ષ પહેલાં એ પુરુષનાં લગ્ન થયાં અને તેની રૂપાળી પત્ની પરણીને ઘરે આવી ત્યારથી તે જાહોજલાલીમાં રહી છે. નવાં-નવાં કપડાં, ઘરેણાં, કૉસ્મેટિક્સ, ઍક્સેસરીઝ, ફર્નિચર્સ, શૉપિંગ, આઉટિંગ્સ, ટ્રાવેલિંગ બધામાં તે આગળ હોય, પરંતુ ઘરમાં પતિની કે અન્ય સભ્યોની જરૂરિયાત કે સગવડ-અગવડનો તેને જરાય ખ્યાલ ન હોય. ત્રણેય બાળકોના ઉછેરમાં પણ તેણે કોઈ સક્રિય ભૂમિકા ભજવી નથી. નાનપણથી બાઈ પાસે ઊછરેલાં અને મોટા થયેલાં બાળકોની ખાવા-પીવાની, નહાવા-ધોવાની, પહેરવા-ઓઢવાની, સ્કૂલમાં જવા-આવાવની, સાજે-માંદે દવા આપવાની કે સારવાર કરવાની ઇત્યાદિ બધી બાબતોની દેખરેખ કૅરટેકરને સોંપી દીધેલી. ઘરની સાફસૂફી અને વ્યવસ્થા પણ પેલી બાઈને હવાલે.

ઑફિસેથી આવેલા થાક્યા-પાક્યા પતિને ચાનો કપ પણ કૅરટેકર આપે, સ્કૂલથી આવેલાં ભૂખ્યા છોકરાંઓને દૂધ-નાસ્તો પણ તે જ કરાવે અને ટ્યુશનટીચરનો સમય થાય એ પહેલાં જલદી-જલદી તૈયાર કરીને ભણવા પણ તે જ બેસાડે. આમાંની કોઈ વાતની પત્નીને ચિંતા ન હોય. એ તો આરામ ફરમાવે. કલાકો સુધી રિમોટ લઈને ટીવી સામે ગોઠવાયેલી હોય. તેને કંઈ પણ જોઈતું હોય તો પણ ઘરના નોકરો ઉપરાંત કૅરટેકર બાઈની સેવા હાજર હોય. આમ પતિ-બાળકોની સારસંભાળની જવાબદારી તેણે ભાગ્યે જ પોતાના શિરે લીધી હતી. અને વર્ષોથી ચાલતી આ બધી બાબતોનો સરવાળો એ આવ્યો કે પેલી કૅરટેકર બાઈ પોતાની કામ પ્રત્યેની સિન્સિયારિટી અને આવડતને કારણે દરેકના જીવનમાં અનિવાર્ય વ્યક્તિ બની ગઈ. પુરુષના મનમાં તેના પ્રત્યે સૉફ્ટ-ર્કોનર ઊભી થઈ અને યુવાન થઈ ગયેલાં સંતાનો પણ તેની મમતાભરી કાળજી પામી તેના પ્રત્યે આભારવશતા અનુભવતાં હતાં અને એક દિવસ પુરુષે પોતાનું, પોતાનાં બાળકોનું અને ઘરનું આટલી કાળજીથી ધ્યાન રાખનાર સ્ત્રીને પોતાની જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો. અલબત્ત, એ નિર્ણય તેના મનમાં છેલ્લા થોડા સમયથી ચાલતા મનોમંથનનું જ પરિણામ હતો. તેણે તેનાં બાળકોને એ વિશે વાત કરી. બાળકો પણ મમ્મી દ્વારા થયેલી પપ્પાની તથા પોતાની ઉપેક્ષાની નારાજગી અનુભવતાં જ હતાં. તેમણે પપ્પાને સર્પોટ કર્યો. પુરુષે પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે નૅચરલી તે આઘાત પામી ગઈ. પત્ની તરીકેના પોતાના હકની વાત કરવા લાગી, પણ પુરુષે તેને સણસણતો સવાલ કર્યો કે ‘પત્ની કે મા તરીકેની એક પણ ફરજ તેં બજાવી છે?’ સ્ત્રીને પોતાના હાથમાંથી સરકી ગયેલી બાજીનો ખ્યાલ આવ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું! ફ્રેન્ડે કરેલા વર્ણન પછી અમારા બધાના મંતવ્યમાં બદલાવ આવ્યો. બધાને લાગ્યું કે પતિ અને બાળકોની જિંદગીમાંથી પોતાના સ્થાનની બાદબાકી તે સ્ત્રીએ હાથે કરીને થવા દીધી હતી. પેલી યંગ છોકરીએ સૂર પુરાવ્યો ‘હા યાર, આપણે કરીઅર પાછળ દોડતાં રહીએ અને પાછળથી પતિ બીજે ક્યાંય દોડી જાય એવું થાય તો!’

ઉપરના કિસ્સામાં પત્નીએ પોતાનું સમજીને નથી કર્યું. એનું કારણ તેની અણસમજ હોય, આળસ હોય, અણઘડતા હોય, પોતાનામાં જ રચ્યા-પચ્યા રહેવાની વૃત્તિ હોય કે બીજું કોઈ પણ; પરંતુ પરિણામ એ આવ્યું કે પતિ માટે તેણે પોતાની અનિવાર્યતા ખોઈ નાખી!

ફરજ

અમેરિકન કંપની જે. પી. મૉર્ગનનાં ભારત ખાતેનાં ચીફ ઑફિસર કલ્પના મોરપરિયાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહેલું, ‘ઘરની ગૃહિણીને કોઈ કહેતું નથી કે તારે ઘર સ્વચ્છ રાખવાનું છે કે પતિ-બાળકનું ધ્યાન રાખવાનું છે. એ તો પોતાનું સમજીને જ કરે છે’

તમારા પર નિર્ભર છે

કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં આપણું સ્થાન આપણી અનિવાર્યતાને લીધે નિશ્ચિત થતું હોય છે અને એ અનિવાર્યતા પ્રેમ, કાળજી, સમજણ, સાથ અને સેવાથી ઊભી થાય છે. ડિપેન્ડેન્સથી અને આધાર બનીને ઊભી કરી શકાય છે.  પોતાના બિઝનેસ કે વ્યવસાયમાં કે એના નામે બીજા કામમાં ડૂબેલા રહેતા પતિઓ પોતાની પત્ની કે બાળકો પ્રત્યે બેદરકાર અને ગાફેલ બને છે ત્યારે તેઓ પણ તેમના જીવનમાંથી પોતાની અનિવાર્યતા ગુમાવી બેસે છે, કદાચ ઘરની કમાનાર વ્યક્તિ તરીકે તેનો એટલે અંશે પરિવાર પર હોલ્ડ રહે છે, પરંતુ એ લગ્નજીવન ખોખલું બની જાય એ ચોક્કસ.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK