સ્વેચ્છાએ પસંદ કરેલા ક્ષેત્રને આપણે કેટલા વફાદાર છીએ?

Published: 10th October, 2011 19:16 IST

દરેક ક્ષેત્રની એક ડિસિપ્લિન હોય છે. એ ક્ષેત્રની પસંદગી કરતાં પહેલાં કેવી આચારસંહિતા પાળવી એની બધાને ખબર હોય છે, પછી પણ એનો ભંગ કરીએ તો આપણે બદમાશ છીએ. કોઈ પણ વાત ગમે તેટલી સારી અને સાચી હોય છતાં જો એ યોગ્ય રીતે રજૂઆત ન પામે તો એ સ્વીકૃત નથી બનતી. દરેક બાબતમાં એક ખાસ ડિસિપ્લિન હોવી જરૂરી છે.(મન્ડે મંથન - રોહિત શાહ)

વેશ અને વૃત્તિ

પ્રેમ પવિત્ર છે અને સેક્સ કુદરતી આવેગ છે. પ્રેમ કરવો એ ગુનો નથી; સેક્સ એન્જૉય કરવામાં કશું પાપ નથી, પરંતુ કોઈ સાધુ કે સાધ્વી જ્યારે પ્રેમ અને સેક્સના પ્રયોગ કરે છે ત્યારે સમાજ એને સ્વીકારી શકતો નથી. કેમ? સાધુ-સાધ્વી માણસ નથી? પ્રેમની તડપ અને સેક્સની ભૂખ તેમને કેમ ન જાગે? સાધુ-સાધ્વીનાં શરીર શું કુદરતી શરીર નથી? તેમનું શરીર શું પૂતળું છે? તેમને આહાર જોઈએ છે, તેમને પાણી જોઈએ છે. આ બન્ને કુદરતી જરૂરિયાતો છે. એ જ રીતે સાધુ-સાધ્વીઓ વિચારો પણ કરે છે અને જાતજાતનાં સંવેદનોય અનુભવે છે. વહાલ, ગુસ્સો, અભિમાન, નમ્રતા તથા વિસ્મય અને જિજ્ઞાસા તેમનાં મન-હૃદયમાંય સક્રિય જ હોય છે. એટલે જ હું હંમેશાં કહું છું કે વેશ બદલવાથી કંઈ વૃત્તિઓ બદલાઈ જતી નથી.

પરંતુ સાધુ-સાધ્વીઓ માટે સમાજે એક ખાસ આચારસંહિતા બનાવી છે. તેમની જીવનચર્યા સામાન્ય માનવી કરતાં વિશિષ્ટ અને જુદી હોય છે. એ કારણે જ તેઓે પૂજ્ય કે પવિત્ર ગણાય છે. સાધુના વેશમાં રહીને કોઈ વ્યક્તિ પરિગ્રહ કરે, ભેદભાવ કરે, વ્યસન કરે કે સેક્સ જેવી પ્રવૃત્તિ કરે તો સમાજે સાધુ-સાધ્વીઓ માટેની જે આચારસંહિતા બનાવી છે એને ગોબો પડે. માત્ર સાધુ-સાધ્વીઓ માટે જ નહીં, દરેક વ્યવસાયની વ્યક્તિ માટે પણ આચારસંહિતા હોય છે. દુરાચારી વ્યક્તિ સંસારી હોય તો પણ એ ઘૃણાસ્પદ અને ગુનાહિત ગણાય છે. સાધુ હોય કે વેપારી, વકીલ હોય કે ડૉક્ટર, શિક્ષક હોય કે કંડક્ટર સૌએ પોતપોતાના દાયરામાં રહીને પોતાનાં કર્તવ્યો-ફરજો નિભાવવાનાં હોય છે. જ્યારે વ્યક્તિ પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે ત્યારે તે આદરપાત્ર રહેતી નથી.

પ્રેમ કરવો હોય અને સેક્સ એન્જૉય કરવું હોય તો સંસારમાં રહોને, કોણ ના પાડે છે? કોણે તમને પરાણે સાધુ-સાધ્વી બનાવ્યાં છે? અને કદાચ સાધુ-સાધ્વી થયા પછી હવે એ વૈરાગી અને કષ્ટમય જીવન ન ગમતું હોય તો સંસારમાં પાછાં ફરોને; તમને વેલકમ કરીશું. પણ સાધુના વેશમાં રહીને ગોરખધંધા કરો તો તમને માફ નહીં જ કરી શકાય. તમે સ્વેચ્છાએ જ સાધુત્વ સ્વીકાર્યું છે, સાધુત્વ સ્વીકારતાં પહેલાં એની આચારસંહિતાઓ તમે જાણતા જ હતા અને એ આચારસંહિતા પાળવાની સ્વેચ્છાએ જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી. હવે જો તમે એ આચારસંહિતા ન પાળો તો તમે ભ્રષ્ટ છો, બદમાશ છો, લુચ્ચા છો. તમે પૂજ્ય અને પવિત્ર નથી. તમે વંદનીય નથી. તમે જો તમારી પાસે આવતા ભક્તોને ગુમરાહ કરતા હો, ચમત્કારની વાર્તાઓ સુણાવીને પ્રભાવિત કરવા મથામણ કરતા હો કે અંગત આડંબરો માટે જ ફન્ડફાળા કરતા હો તો તમે સાચા અને સારા સાધુ નથી. તમે શા માટે તમારા ભક્તોની સાંસારિક બાબતોમાં રુચિ લો છો? કોઈને બાળક નથી થતું, કોઈનાં લગ્ન નથી થતાં, કોઈને ધંધામાં બરકત નથી આવતી તો એમાં તમે શેના રસ લો છો? તમે તેને શા માટે મંત્રતંત્ર-દોરાધાગાનાં ધતિંગો માટે પ્રેરણા આપો છો? એક વખત તમારા હૈયા પર હાથ મૂકીને કહો કે તમે આવું કશુંય નથી કરતા. જો તમે એવું કરતા હો તો શું એ યોગ્ય છે? શું તમે સ્વેચ્છાએ સ્વીકારેલા સાધુત્વ સાથે તમે ગદ્દારી નથી કરી?

તો પછી સ્વીકારો

માત્ર સાધુ-સાધ્વીની વાત જ નથી; અગાઉ જણાવ્યું તેમ પોલીસ હપતા ખાતો હોય, ગુનેગાર પ્રત્યે રહેમ નજર રાખતો હોય તો તે પણ ભ્રષ્ટ છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીને ટ્યુશન માટે આગ્રહ કરતો હોય કે પરીક્ષામાં ગેરરીતિઓ આચરતો હોય તો એ તેની લુચ્ચાઈ છે. વકીલનો વ્યવસાય જરાયે અપવિત્ર નથી. કોઇ નિર્દોષ વ્યક્તિ સજા ન પામે એ હેતુથી તેના બચાવ માટે કાનૂનના દાયરામાં રહીને ર્કોટ સમક્ષ સત્યનું પ્રથમ ઉદ્ઘાટન કરવું એ તો પુણ્યનું કાર્ય છે. હા, જે વકીલ જાણે છે કે પોતાનો અસીલ ગુનેગાર છે અને સમાજનું દૂષણ છે છતાં તેને કાનૂનમાં તોડમરોડ કરીને, છીછરાં અર્થઘટનો કરીને બચાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના વ્યવસાયની ગરિમા અવશ્ય ઝંખવાય છે. ઘણા ડૉક્ટરો દરદીના ઑપરેશન વખતે તેની કિડની કાઢી લેવાના ગોરખધંધા કરતા ઝડપાયા છે. ઇન શૉર્ટ, આપણો મુદ્દો માત્ર એટલો જ છે કે દરેક વ્યક્તિએ પોતે સ્વેચ્છાએ સ્વીકારેલા ક્ષેત્રને વફાદાર રહેવું જોઈએ. જો એટલી વફાદારી ન હોય તો પોતે પવિત્ર કે મહાન નથી, પણ ભ્રષ્ટ અને લુચ્ચા છે એ સત્ય સ્વીકારી લેવું જોઈએ.

વલ્ગૅરિટી ચાલે?

નવરાત્રિ હમણાં જ પૂરી થઈ છે. શું આપણે ખાતરીપૂર્વક કહી શકીશું કે નવરાત્રિ પર્વને ચોવીસ કૅરેટનું આધ્યાત્મિક પર્વ આપણે રહેવા દીધું છે? વલ્ગર વેશભૂષા અને સેક્સી સ્ટેપ્સના ગરબા જોઈને પણ શું આપણે એમ જ કહીશું કે નવરાત્રિ એ આપણું અણિશુદ્ધ ભક્તિપર્વ છે? યૌવનની મોજમસ્તીનો આપણે ખુલ્લા દિલથી સ્વીકાર કરીએ, પણ ભક્તિના નામે એ બધું શી રીતે સ્વીકારી શકાય? કોઈ ક્લબમાં કે ડિસ્કોથેકમાં ગમે તેટલા વલ્ગર ડાન્સ થાય એનો વિરોધ ન થઈ શકે, પણ શક્તિની ભક્તિના નામે એવી ગંદકી કેમ ગમે? કેટલાક ‘રસિયાઓ’ ડાન્સબારમાં ડાન્સરને જોતા હોય એવી ગંદી નજરથી ગરબા રમતી યુવતીને જુએ એ કેમ ચાલે? નવરાત્રિ પછી અબૉર્શનના કેસોમાં કેટલા ટકા વૃદ્ધિ થઈ જતી હોય છે એ તો કોઈ ગાયનેક ડૉક્ટર પાસેથી જ જાણવું પડે. વૈવિધ્ય અને નવીનતા જરૂરી છે, પણ વલ્ગૅરિટી કેમ ચાલે? વાઇનબારમાં બેસીને તમે ભલે પેગ ચડાવો, પણ મંદિરમાં તો પેગ ન જ ચડાવાયને!

સ્વૈચ્છિક ક્ષેત્રની મર્યાદામાં રહેવું

આપણા ઘરમાં એક તરફ કિચન હોય છે, બીજી તરફ ટૉઇલેટ હોય છે. એક બાજુ ડ્રોઇંગ-રૂમ હોય છે, બીજ બાજુ બેડરૂમ હોય છે. (મુંબઈમાં ઘણાં ફૅમિલીને આ બધુંય એક જ રૂમમાં હોય છે એની ખબર છે જ.) દરેક રૂમની, દરેક વિભાગની એક ડિસિપ્લિન હોય. આપણે કિચનમાં ટૉઇલેટ નથી કરતા અને ટૉઇલેટમાં બેસીને ભોજન નથી કરતા. ભોજન અને ટૉઇલેટ બન્ને આવશ્યક છે, પણ એ દરેક માટેના નિયમો અને થોડાંક ધારાધોરણો બનાવ્યાં છે. એનો ભંગ કરવામાં ઔચિત્ય નથી. એ જ રીતે દરેક માણસે પોતે સ્વૈચ્છિક રીતે સ્વીકારેલા ક્ષેત્રનાં ધારાધોરણોની મર્યાદામાં રહેવું જોઈએ. તો જ વ્યક્તિ અને સમાજ બન્ને શોભે. બન્ને પ્રગતિ કરી શકે.

તો ચાર આનાય નહીં ઊપજે

જો કોઈ ક્ષેત્ર આપણને માફક ન આવે કે એની આચારસંહિતા આપણને અઘરી લાગે તો એ ક્ષેત્ર સ્વૈચ્છિક રીતે છોડી દેવું જોઈએ. પત્રકાર કે પોલીસ તરીકે મળતી સૅલેરી ઓછી લાગતી હોય તો એ ક્ષેત્ર છોડીને તમને અનુકૂળ આવે એવું કોઈ પણ ક્ષેત્ર પસંદ કરી લો, પણ જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રને કલંકિત કરવાનો કોઈને કશો હક નથી. આપણે ગોરખધંધા કરીશું તો આપણા ક્ષેત્રના પ્રામાણિક લોકોય બદનામ થશે અને આપણું ક્ષેત્ર વિશ્વસનીય નહીં રહે. પરંતુ પકડેલું ક્ષેત્ર જલદી છૂટતું નથી. ઘણાં સાધુ-સાધ્વીઓ, પોલીસો, પત્રકારો, વકીલો, શિક્ષકોને ખબર છે કે જો આ દુરાચાર છોડી દઈશું તો જીવી નહીં શકાય અને આ ક્ષેત્ર છોડી દઈશું તો સંસારમાં આપણા ચાર આનાય ઊપજે એમ નથી. એવા છીછરા, લુચ્ચા, લબાડ લોકો સામે જે-તે ક્ષેત્રના પ્રામાણિક લોકોએ જ જંગ માંડવો પડશે હવે...
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK