મારો સૂર્ય ક્યાં છે?

Published: 8th October, 2011 18:15 IST

લાભશંકર ઠાકરના એક કાવ્યનું ર્શીષક છે : સૂર્યને શિક્ષા કરો. પણ જેના કારણે જીવન છે એવા સૂર્યને ઇનામ આપવાનું મન થાય. જાતને બાળી જગતને અજવાળતો હોય એવા સૂર્ય પાસે પણ સળગતી સમસ્યાઓ હોય છે. આ સમસ્યાઓ આપણા ધ્યાનમાં નથી આવતી, કારણ કે આપણી પાસે આપણી જ વફાદાર સમસ્યાઓનો ઢગલો હોય છે.

 

(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

સૂર્ય એકાદ દિવસ માણસનું સ્વરૂપ લઈ લોકલ ટ્રેનમાં લટકીને ઘરે પહોંચે તો કદાચ તુરાબ હમદમનો આ શેર એને સમજાય.

સાંજ પડતાં સૂર્ય પણ થાકી ગયો
રોશની માટે લડત મોંઘી પડી


સૂર્ય બળવા માટે સર્જાયો છે. આપણી કુંડળીને બળવાન બનાવતા સૂર્યની કુંડળીમાં બળતરાનો રાહુ અને કલંકનો કેતુ ગોઠવાયેલો છે. જેના થકી સૃષ્ટિ જીવંત છે એવા સૂર્યને એકાદ ઝાડ પોતાની ધગધગતી કાયામાં ઊગે એવું મન થતું હોય તો પણ બિચારો શું કરી શકે? ભરતડકામાં આપણી જેમ એ ઠંડુંગાર કોલ્ડ ડ્રિન્ક પી શકતો નથી. સાગરમાં એ આપણને સરતો દેખાય ત્યારે આપણી આંખોને શાતા મળે છે, એને નહીં. ભરત ભટ્ટ ‘પવન’ સૂર્યની વ્યથા બરાબર સમજે છે.

સૂર્ય થઈને એ હવે પસ્તાય છે
રાત એના ભાગ્યમાં ક્યાં થાય છે?


શક્તિશાળી સૂરજ ઇચ્છે તો પણ રાતને મળી શકતો નથી. એની ઝાળ-ઝાળ કાયાના નસીબમાં રાતની સુંવાળપ લખાઈ નથી. છતાં સૂર્યનું કોઈક સ્વજન તો હશે જેને સૂર્યની આ બળ-બળ વેદનાની ખબર હોય. અશરફ ડબાવાલા એ સ્વજનનુ સરનામું આપે છે.

એક અંધારું ખાલી જાણે છે
સૂર્યને સાત ખોટ શાની છે?


સૂરજના જવાથી રાત જન્મે છે. સૂર્યની શાખે ધબકતું વિશ્વ રાત પડતાં શાંત પડે છે. અંધારાનું મહત્વ જ સૂર્યની બાદબાકીમાં છે. દરેક પાસે પોતપોતાનો સૂર્ય હોય છે. એનો ઉજાસ પણ અલગ અને ઉદાસી પણ અલગ. ભગવતીકુમાર શર્માના એક શેરમાં તેજનું રહસ્ય જાણવા મળે છે.

મારા હજાર સૂર્યને અંધાર પી ગયો
તેજસ્વી તેથી આટલું પહેલું કિરણ થયું


સવારે સૂર્યોદયની ક્ષણોમાં બારી બહાર નજર કરીએ તો સંચાર શબ્દની અર્થછાયા પામી શકાય. એમ લાગે પંખીઓના કલરવની સાથે બધાં વૃક્ષો પણ ધીમે-ધીમે આંખો ખોલી રહ્યાં  છે. રાત્રે ત્રણ વાગે આ સંચારનો અનુભવ ન થાય. આપણી સવાર સૂર્યને કારણે પડે છે. છતાં આપણી સવાર જો રાતમાંથી બહાર જ ન આવે તો લલિત ત્રિવેદીનો આ શેર વિચારવા જેવો છે.

અસર થતી જ નથી આજ કોઈ સૂરજની
હું એવી રાતની અંદર પ્રવેશી બેઠો છું


દરિયાકિનારે સૂર્યાસ્ત થતો જોવો એ આંખોનો જલસો છે. આ  જલસો ભલે આપણે ભાગદોડમાં માણી નથી શકતા, પણ એ ક્ષણોમાં કંઈ કેટલીય વાર્તા ડૂબેલી હોય છે. ડૂબતા સૂર્યની શાખે આપણો અતીત ઊભરી આવે છે. સુરેન ઠાકર ‘મેહુલ’ ડૂબતા સૂર્યને એક નવા સ્વરૂપે જુએ છે.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે
સૂર્ય સમજીને જુએ છે અધડૂબેલી જિંદગી


સૂર્યની અવસ્થા આપણી મનોદશા પર પણ નર્ભિર હોય છે. આપણી આંખ જે રીતે સૂર્યને જુએ છે એ રીતે કદાચ મન નથી જોઈ શકતું. મનને બીજી કોઈ ગલીઓમાં વળવું હોય ત્યારે ગિરીશ મકવાણાની જેમ એ વાસ્તવિકતાના અનેક અર્થોમાં રમતું થઈ જાય છે.

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે?
ઝળહળતો હોય સૂર્ય ને ઈવનિંગ થઈ શકે


ક્યા બાત હૈ!

એવા દેશમાં

વૃક્ષ કદાચ એમ પણ કહે -
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે -
‘કોઈ સરસ જગ્યા જોઈ મને ફ્લૅટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું.’
થોડાક પૈસા વધુ મળે તો નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે!


- વિપિન પરીખ

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK