એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી : ભારતમાં વ્યાવસાયિક અભ્યાસનું મહત્વ

Published: 8th October, 2011 18:15 IST

ભારતમાં દર વર્ષે લગભગ ૨૦ લાખ સ્નાતકો કૉલેજનો અભ્યાસક્રમ પાસ કરે છે. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ ૬૬ ટકા વિદ્યાર્થીઓએ પોતાના કૌશલમાં વિશેષ ઉમેરો કરવો પડે છે જેથી તેમને ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી શકે. ભારતની વસ્તી વધારે છે, પણ એના પ્રોફાઇલની મોટી સમસ્યા એ છે કે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રકારના કૌશલવાળી વ્યક્તિઓની જરૂર છે અને યુવાનો જે પ્રકારની સ્કિલ ધરાવે છે એમાં મોટો તફાવત છે.

 

(મની પ્લાન્ટ - મુકેશ દેઢિયા)

આપણી યુનિવર્સિટીમાંથી પાસ થતા મોટા ભાગના યુવાનો પાસે નોકરી માટે અલગ-અલગ ક્ષેત્રમાં જે કૌશલની જરૂર પડે છે એનો સદંતર અભાવ હોય છે.

આ સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસના એવા યોગ્ય વિકલ્પોની પસંદગી કરવી જરૂરી બની જાય છે જે તેને આગળ કરીઅરના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં મદદ કરે. વિદ્યાર્થીઓ માટે સામાન્ય અભ્યાસ અને વ્યાવસાયિક અભ્યાસ બન્નેમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવાનું જરૂરી છે. બીકૉમ અને એમબીએ જેવા સામાન્ય અભ્યાસક્રમો અલગ-અલગ ક્ષેત્રની મર્યાદિત જાણકારી એક્સપોઝર આપે છે. વ્યાવસાયિક અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને પ્રૅક્ટિકલ હોય એવી,
નૉન-ઍકૅડેમિક અને ખાસ ટ્રેન્ડ અથવા તો વ્યવસાયને અનુરૂપ નોકરી માટે તૈયાર કરે છે. સેક્રેટરિયલ પ્રૅક્ટિસ, કમ્પ્યુટર ઑપરેશન્સ, ઇલેક્ટ્રિકલ ઍન્ડ પ્લમ્બિંગ સર્વિસિંદ્દ જેવા અભ્યાસક્રમોનો સમાવેશ વ્યાવસાયિક ટ્રેઇનિંગ ર્કોસમાં કરવામાં આવે છે.

હાલમાં ડ્રાઇવર, પ્લમ્બર તથા કાર્પેન્ટર જેવા વ્યાવસાયિકોની ગ્રૅજ્યુએટ ન હોવા છતાં ભારે ડિમાન્ડ છે, જ્યારે સામા પક્ષે બેરોજગાર સ્નાતકોની સંખ્યા પણ ઘણી વધારે છે. એક સંશોધનમાં ખબર પડી છે કે વૈશ્વિક સ્તરે ૪૧ ટકા જેટલા એમ્પ્લૉયરને માર્કેટમાંથી યોગ્ય વ્યક્તિ ન મળતી હોવાની યોગ્ય કૌશલ ધરાવતા કર્મચારીઓને શોધવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. વ્યાવસાયિક શિક્ષણનો હેતુ વ્યાવસાયિક અભ્યાસક્રમ દ્વારા જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ આપીને યોગ્ય કૌશલ ધરાવતી વ્યક્તિઓ તૈયાર કરવાનું અને વિદ્યાર્થીઓ પોતાનો વ્યવસાય કરીને આર્થિક સક્ષમ બની શકે એવી તેમને આવડત આપવાનું છે.

ભારતમાં માત્ર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં વિશ્વકક્ષાની ટ્રેઇનિંગ ઉપલબ્ધ છે. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ખાસ કૌશલ ધરાવતી વ્યક્તિની જરૂર હોય એવી હજારો જગ્યાઓ છે. આપણને ઍિગ્રકલ્ચર, ફ્લોરિકલ્ચર, સેરિકલ્ચર (રેશમના કીડાનો ઉછેર), ફિશરી, હેલ્થકૅર, ટૂરિઝમ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં લાખોની સંખ્યામાં તાલીમબદ્ધ લોકોની જરૂરિયાત છે.

ભારતમાં વ્યાવસાયિક શિક્ષણની સદંતર અવગણના કરવામાં આવી છે જેને કારણે હાલના તબક્કે ભારતમાં ખાસ પ્રકારનું કૌશલ ધરાવતી વ્યક્તિઓની ભારે તંગી ઊભી થઈ ગઈ છે. અસોસિએટેડ ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ૧૮થી ૫૦ વર્ષની વયજૂથના લગભગ ત્રણ કરોડ લોકો પાસે પૂરતું કૌશલ નથી એટલા માટે તેઓ બેરોજગાર છે. બીજી બાજુ ભારતનાં શહેરોમાં ટ્રેઇન્ડ પ્લમ્બર, કાર્પેન્ટર અને મૅકેનિકોની અછતને કારણે દર વર્ષે લગભગ સો કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. ભારત સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યાવસાયિક અભ્યાસ પર ઘણો ભાર મૂક્યો છે જેથી લોકોના કૌશલમાં વધારો થવાથી માર્કેટની ડિમાન્ડ પણ પૂરી થઈ શકે. તાજેતરમાં પોતાના બજેટના ભાષણમાં કેન્દ્રના ફાઇનૅન્સ મિનિસ્ટર પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ‘ભારતની વિશાળ વસ્તીનો મોટો ફાયદો છે કે અહીં મોટી સંખ્યામાં યુવાનો છે જેમને યોગ્ય શિક્ષણ આપીને તેમના કૌશલમાં વધારો કરવામાં આવે તો અર્થતંત્રને મોટો ફાયદો થઈ શકે એમ છે.’

કોઠારી કમિશને (૧૯૬૪-’૬૬) પોતાનું મંતવ્ય આપતાં જણાવ્યું હતુું કે મોટા ભાગના વ્યવસાયોમાં યુનિવર્સિટીની ડિગ્રીની કોઈ જરૂર નથી હોતી અને આ કામ સારી રીતે ટ્રેઇન થયેલો હાયર સેકન્ડરી પાસ વિદ્યાર્થી પણ કરી શકે છે. કમિશનના અભિપ્રાય પ્રમાણે દસ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી ચૂકેલા લગભગ ૫૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અભ્યાસક્રમ તરફ વાળી શકાય છે જેને કારણે યુનિવર્સિટીઓ પરનું ભારણ ઘટે છે અને વિદ્યાર્થીઓને ભાવિ નોકરી માટે વધારે સારી રીતે તૈયાર કરી શકાય છે. ૧૯૮૬માં આવેલી અભ્યાસના મુદ્દે ઘડવામાં આવેલી રાષ્ટ્રીય નીતિમાં આ વાતના મહત્વ પર ભાર મૂકીને નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે ‘વ્યાવસાયિક અભ્યાસક્રમનું સુઆયોજિત અને દૃઢતાપૂર્વક અમલીકરણ શિક્ષણવ્યવસ્થાના પુન:ગઠનમાં બહુ જરૂરી છે. વ્યાવસાયિક અભ્યાસક્રમની મદદથી અલગ-અલગ ક્ષેત્રોની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને વ્યવસાય માટે તૈયાર કરવામાં આવે છે.’

ગ્રામીણ ક્ષેત્રોમાં જો વ્યાવસાયિક અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો લાંબા ગાળે એ પૈસાદાર અને ગરીબો વચ્ચે પુલ સમાન સાબિત થઈ શકે છે. વૈશ્વિક સ્તરે સોશ્યલ સાયન્ટિસ્ટોએ વ્યાવસાયિક અભ્યાસને પ્રબળ ટેકો આપ્યો છે. આને કારણે ભરતી વખતે થતી સમસ્યાનો ઉકેલ સાધી શકાય છે. નીચલા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ કોઈ વ્યાવસાયિક કૌશલ મેળવ્યા વગર અભ્યાસ છોડી દે છે. વ્યાવસાયિક અભ્યાસક્રમમાં આ સમસ્યા વખતે વધારે સારા ભવિષ્યની અને નોકરીનો વાયદો કરે છે. વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગ્રામ્યવિસ્તારોમાં રોજગારીને લગતી સમસ્યા સામે લડવા માટે વ્યાવસાયિક અભ્યાસક્રમ એક સબળ જવાબ છે. બેરોજગારી દૂર કરવામાં, ગ્રામ્ય સમાજ પ્રત્યે વિદ્યાર્થીનો અભિગમ બદલવામાં, શહેરીકરણ થતું રોકવામાં તેમ જ આ વિસ્તારના યુવાનોનો પણ વિકાસ થાય એમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ બહુ મદદરૂપ થાય છે. યુનેસ્કો અને વલ્ર્ડ બૅન્ક જેવી સંસ્થાઓ વ્યાવસાયિક અભ્યાસક્રમના પુન:ગઠનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

આપણામાંથી મોટા ભાગની વ્યક્તિઓએ બીકૉમ અને એમબીએ જેવા લોકપ્રિય ર્કોસની મદદથી સામાન્ય શિક્ષણ મેળવ્યું હોય છે. હું આ ર્કોસની વિરુદ્ધ નથી. આ પ્રકારના અભ્યાસના સામાન્ય ર્કોસથી જે શિક્ષણ મળે છે એ આખા જીવનની દરેક નોકરીમાં કામ લાગી શકે છે, પણ વ્યાવસાયિક અભ્યાસક્રમમાં આ સુવિધા નથી મળતી. સામાન્ય અભ્યાસક્રમ રોજગારીના વધારે વિકલ્પો આપતો હોવાને કારણે મોટા ભાગના લોકો એની ભલામણ કરે છે, પણ એને કારણે વ્યાવસાયિક અભ્યાસક્રમના મોટા ફાયદાઓ પરત્વે દુર્લક્ષ સેવી શકાય નહીં. જો વ્યક્તિમાં કોઈ નોકરીને લગતા કૌશલ હશે તો તેને સરળતાથી નોકરી મળી જશે અને એમાં તે વ્યક્તિ વધારે સારું પરિણામ પણ આપી શકશે. આમ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું કામ કરી શકે એવા લોકોને તૈયાર કરવામાં વ્યાવસાયિક અભ્યાસક્રમે હજી ઘણું કામ કરવાનું બાકી છે.

mukesh@ghallabhansali.com
મુકેશ દેઢિયા (C.A.,  Certified financial Planner) ગાલા ઍન્ડ ભણસાલી  સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK