બધાને માતાજી જ આવે, પિતાજી કેમ નહીં?

Published: 8th October, 2011 18:14 IST

અલ્યા ભૈ, મને તો એ વિચાર આવે છે કે ભગવાનને જો પરમેશ્વર કહીએ તો માતાજીને પરમેશ્વરી કેમ ન કહી શકાય? પરમાત્મી કેમ નહીં. જુઓ, શ્રાવણ પત્યો કે શંકરે પોતાના દીકરા ગણેશને ભાદરવામાં ખો આપી. ગણેશને પોતાના વિસર્જનની ખબર પડી એટલે માતાજીને ખો આપી અને યારો, શું આપણી પણ ડગુમગુ થતી શ્રદ્ધા છે. કેવી કૂદકા મારે છે. નિરાંતે કોઈ એક ઈશ્વર કે માતાજીને પૂરી શ્રદ્ધાથી પૂજતા કે સાચવતા નથી.

 

(મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર)

નવરાત્રિ પૂરી થઈ કે તરત જ માતાજીને ‘જય અંબે’ કરી વિદાય આપી દીધી. મને માતાજી ગમે એટલા માટે કે હું કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં જઉં તો કોઈને માતાજી આવતા જોયા છે; કોઈને પિતાજી કે દાદાજી આવ્યા જ નથી.

મા-તાજી ને બાપા વાસી, એમ? અરે, હમણાં નવરાત્રિમાં ચંપાને માતાજી આવ્યાં ને લોકલ ટ્રેનમાં ઉપર ફરતા પંખાની જેમ ધૂણવા લાગી. લોકોએ બાંધેલા અંબોડાના વાળ છૂટા કર્યા ને આ માતાજીની આજુબાજુ ભક્તોનું ટોળું વીંટળાઈ ગયું. માતાજીને પૂછ્યું, ‘મા, આપ શું લેશો?’ ‘બે ગ્લાસ બાસુંદી પહેલાં મને પીવડાવો.’ ત્યાં તો ભક્તોએ મોટી તપેલી ધરી દીધી. એ પીધા પછી માતાજી બોલ્યા, ‘ભક્તો, હવે બાસુંદી સિવાય આપને જે માગવું હોય એ માગો, તમારી માગ પૂરી કરીશ.’ જેની માગ ભરાઈ નથી તેણે વર માગ્યો, બધાએ કંઈ ને કંઈ માગ્યું. મેં કીધું, ‘અલ્યા ચંબુડા, તું ભલે જાહેર જીવનમાં તેનો પતિ હોય, પણ અત્યારે તું તે માતાનો ભક્ત છે. તું પણ કંઈ માગી લે. આ મોકો ન છોડાય અને ચંબુ કોઈની સ્મશાનયાત્રામાંથી આવ્યો હોય એવું કટાણું મોં કરી બોલ્યો, ‘દેવી, મને છૂટાછેડા આપી દો.’ તરત જ ચંપાના શરીરમાં પ્રવેશેલાં માતાજી ભાગી ગયાં ને અંદરની ઓરિજિનલ ચંપા બહાર આવી. ‘ચોક્કસ આપી જ દઈશ. અરે, ઘરમાં કોઈ દી તું બાસુંદી લાવ્યો નથી એટલે માતાજી બની બાસુંદી પીવી પડે છે.

જો હવે, જે માતાજીની સાક્ષીએ આપણે પરણેલાં એ જ માતાજીની સાક્ષીએ આપણા છૂટાછેડા-અલવિદા.’ આમાં તો આપણે કેટલી મદદ કરવાના. મને તો નવરાત્રિમાં ક્યારેક ગળું દાબી દેવાનું મન થાય. કોનું? મારું કે તમારું નહીં, પેલા ગરબા લખવાવાળાનું. જૂના લાકડામાં થઈ ગયેલી ઉધઈ જેવા ‘નદીકિનારે નાળિયેરી રે ભાઈ નાળિયેરી.’ કપાળ તારા બાપુજીનું. તારા બાપ-દાદાની ૧૦૦ પેઢીઓ સુધી કોઈએ નદીકિનારે નાળિયેરી જોઈ, નાળિયેરી દરિયાકિનારે હોય, નદીકિનારે, ટમેટી, ટેટી અને તરબૂચ હોય, પણ પ્રાસ ન બેઠો એટલે આપણને ત્રાસ આપ્યો (તો મેં શું કર્યું એ ન બોલતા પ્લીઝ). ખિજાવાનું કારણ નં. ૨ ‘ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય.’ તો બેન ચંપાગૌરી, ઓઢણી ઊડી જતી હોય તો સારી પિન અમારે લગાડી આપવાની ને ઊડી જતી હોય એવી ઓઢણી ઓઢવી શું કામ? આ ઊડવાની વાત નીકળી (નીકળી ક્યાં વળી મેં કાઢી) એટલે જુઓ ‘પંખીડા તું ઊડી જજે પાવાગઢ રે, માડીને જઈને કહેજે ગરબે રમે રે.’ અલ્યા ટણપા, પંખી અહીંથી ઊડતું-ઊડતું જઈ માતાજીને મેસેજ પહોંચાડે ત્યાં સુધીમાં નવરાત્રિ તો ઠીક, દિવાળી પણ પૂરી થઈ જાય. એના કરતાં માતાજીને એસએમએસ કરી દે. કારણ નં ૩ ‘વાંકી વળું તો મારી કેડ વળી જાય.’ કેડ ન વળી તો પગ વળે, હાથ વળે તે કેટલા લોકોની વાળી? કારણ નં. ૪ બહુચર માના દેરા પાછળ કૂકડેકૂક બોલે, કૂકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે? અરે ભૈ, કોયલને કેટલું માઠું લાગે. આમાં તો કોયલની અને મોરની ઇજ્જત શું? ભૈ, બધાં ગીતોનું ઑપરેશન કરીશ તો ‘મિડ-ડે’માં બીજું સારું વાંચવા નહીં પામો એટલે અહીં જ અચ્યુતમ-કેશવમ કરીશ, પણ દાંડિયા જેવા ચાલુ થાય કે થોડી વારમાં મેદાન કુરુક્ષેત્રનું મેદાન બની જાય. સાલું દાંડિયા રમે છે કે તલવારબાજી. જીવ સટોસટ ખેલાતી હોય એવી મોગલ-સલ્તલજ વખતની તલવારો ભલે ઊંચકાતી હોય, પણ કોઈને ચંપાના હાથનો રોમૅન્ટિક સ્પર્શ થઈ ગયો તો ખલ્લાસ. બીજા દિવસથી નાહતી વખતે હાથમાં પ્લાસ્ટિકની કોથળી ભરાવતો થઈ જાય. નવરાત્રિ સટોસટ ખેલતાં ફટાફટ એકબીજામાં મળી જાય. નવરાત્રિ લવરાત્રિ બની જાય ને નવરાત્રિ પછી દશેરાએ આપણા આર્શીવાદ લેવા આવી જાય. હું શું આર્શીવાદ આપું? આપણે નવ ભવ સુધી એકબીજાને ઓળખી શકતા નથી તો આ ચંબુ-ચંપાએ એકબીજાને નવ-રાત્રિમાં કેવી રીતે ઓળખી કાઢ્યા? વાહ ભૈ વાહ, શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK