નોબેલ પ્રાઇઝ પહેલી વાર મરણોત્તર અપાશે

Published: 4th October, 2011 20:43 IST

આ વર્ષનું મેડિકલનું નોબેલ પ્રાઇઝ ઇમ્યુન સિસ્ટમ (પ્રતિકારક્ષમતા)ની સક્રિયતા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરવા માટે ત્રણ વૈજ્ઞાનિકોને આપવાની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. જોકે પાછળથી માલૂમ પડ્યું હતું કે એમાંના એક વૈજ્ઞાનિકનું સ્વાદુપિંડના કૅન્સરને કારણે ૩૦ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું.

 

નોબેલ પ્રાઇઝનો એ નિયમ છે કે એ મરણોત્તર આપવામાં આવતું નથી, પરંતુ આ સંશોધકનું મૃત્યુ માત્ર ચાર દિવસ પહેલાં જ થયું હતું તથા નોબેલ પ્રાઇઝવિજેતાનાં નામ નક્કી કરનારી સમિતિને આ વિશે જાણકારી ન હોવાથી આ નર્ણિય યથાવત્ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સના બ્રુસ બ્યુટલર, લક્ઝમ્બર્ગના જ્યુલ્સ હોફમૅન અને કૅનેડાના રાલ્ફ સ્ટેઇનમૅનને આ વર્ષનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યું હતું. કૅનેડાના રાલ્ફ સ્ટેઇનમૅનનું ૩૦ સપ્ટેમ્બરે પૅનક્રિયાટિક કૅન્સરને કારણે મૃત્યુ થયું હતું. તેઓ ૬૮ વર્ષના હતા અને છેલ્લાં ચાર વર્ષથી કૅન્સરથી પીડાઈ રહ્યા હતા.

નોબેલ વિજેતાઓનાં નામ જાહેર કરનારી જ્યુરીએ કહ્યું હતું કે આ સંશોધકોએ ઇમ્યુન સિસ્ટમની સક્રિયતા વિશે સંશોધન કરીને ભારે ક્રાન્તિ સર્જી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK