ફક્ત એક જ બાળક કરવાનો ટ્રેન્ડ વાસ્તવિક દૃષ્ટિએ યોગ્ય નથી

Published: 4th October, 2011 18:56 IST

મુંબઈના વરિષ્ઠ નાગરિકોમાં આજકાલ ફફડાટ છવાયેલો છે. છેલ્લા એક મહિનામાં લગભગ દસેક જેટલા સિનિયર સિટિઝન્સની ચોરી કે લૂંટ નિમિત્તે હત્યા થઈ ચૂકી છે, જેને પગલે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોમાં ચિંતાનું પ્રમાણ વધી ગયું છે.

 


૬૦ પછીની લાઇફ - ફાલ્ગુની જડિયા - ભટ્ટ

મુંબઈના વરિષ્ઠ નાગરિકોમાં આજકાલ ફફડાટ છવાયેલો છે. છેલ્લા એક મહિનામાં લગભગ દસેક જેટલા સિનિયર સિટિઝન્સની ચોરી કે લૂંટ નિમિત્તે હત્યા થઈ ચૂકી છે, જેને પગલે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોમાં ચિંતાનું પ્રમાણ વધી ગયું છે. સવાલ માત્ર વરિષ્ઠ નાગરિકો પર થઈ રહેલા આવા હુમલાઓનો જ નથી, બલ્કે પોતાનાં સંતાનો હોવા છતાં એક યા બીજા કારણસર જ્યારે આ સંતાનો પોતાના વડીલોથી દૂર થઈ ગયાં હોય ત્યારે આવાં દંપતી જે પ્રકારની એકલતાનો અહેસાસ કરે છે એ પણ વિચારવાનો મુદ્દો છે.


કાંદિવલીમાં રહેતા પ્રકાશ ઠક્કર અને તેમનાં પત્ની ભાવના ઠક્કર પણ આવી જ એકલતાનો અનુભવ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ‘અમારે સંતાનમાં એકમાત્ર દીકરી જ છે, પરંતુ હવે તે લગ્ન કરી અમેરિકા જતી રહી છે. અમારા જેવાં બીજાં માબાપની જેમ અમે પણ સતત અમારી જાતને એવું આશ્વાસન આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ નર્ણિય દીકરીના સારા ભવિષ્ય માટે લઈને અમે ઉત્તમ કામ કર્યું છે, પરંતુ હકીકત તો એ છે કે એક બાજુના આ ખાલી ઘર અમને ખાવા દોડે છે તો બીજી બાજુ અસુરક્ષિતતાનો ભય પણ અંદરખાને કોરી ખાઈ રહ્યો છે.’

‘હમ દો, હમારે દો’ જરૂરી

મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામના હાલાઈ લોહાણા ૬૦ વર્ષીય પ્રકાશભાઈ એસ્ટેટ એજન્ટ છે. તેમનાં ૫૭ વર્ષીય પત્ની ભાવનાબહેન ગૃહિણી છે, તેમની એકની એક દીકરી ભાવિકા એમબીએનો અભ્યાસ કરી પોતાના મહારાãષ્ટ્રયન પતિ વિશાલ ઝાડમુખે સાથે અમેરિકામાં રહે છે. ભાવિકા ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરે છે. અગાઉ આ ઠક્કરદંપતી નવી મુંબઈ ખાતે રહેતું હતું, પરંતુ છ વર્ષ પહેલાં તેઓ કાંદિવલી રહેવા આવ્યાં છે.


પ્રકાશભાઈના મનમાં હતું કે કાંદિવલીની ગુજરાતી લોકાલિટીમાં સારો સાથસહકાર મળી રહેશે અને સગાંસંબંધીઓનું નૈકટ્્ય પણ સાંપડશે એ વિશે તેઓ કહે છે, ‘હવે અહીં અમારું સરસ સર્કલ બની ગયું છે, પરંતુ મારો આટલાં વર્ષનો અનુભવ તો એ જ કહે છે કે ઘરની એકલતા ઘરની વ્યક્તિ સિવાય બીજું કોઈ પૂરી શકે નહીં. હવે મને સમજાય છે કે આપણા સમાજમાં આજકાલ જે ફક્ત એક જ બાળક કરવાનો ટ્રેન્ડ આવી રહ્યો છે એ વાસ્તવિક દૃષ્ટિએ યોગ્ય નથી.’

સંતાનોનું સુખ જ સૌથી મોટું સુખ


અહીં ભાવનાબહેન તેમની વાતમાં સૂર પુરાવતાં કહે છે કે ‘અમારાં ઘણાં સગાંવહાલાં અને મિત્રોનું માનવું છે કે અમે બન્ને એકલાં છીએ એટલે વધુ સુખી છીએ. આ ઉંમરે તેમણે વહુ-દીકરા સાથે ઍડજેસ્ટ થવું પડી રહ્યું છે, તેમનાં સંતાનોને સાચવવાની જવાબદારી સંભાળવી પડી રહી છે, જ્યારે અમને આવું કોઈ બંધન નથી, કોઈ જવાબદારી નથી. પૈસેટકે પણ સુખી છીએ. મન થાય તે ખાઈએ, મન થાય ત્યારે ફરવા ઊપડી જઈએ વગેરે, પરંતુ તેમને ખ્યાલ નથી કે ઘરમાં કોઈ પ્રસંગ હોય, હોળી-દિવાળી જેવા તહેવારો હોય ત્યારે બાળકો કેટલાં યાદ આવે. જીવનમાં ગમે તેટલું દુ:ખ આવે તો પણ માણસ પોતાનાં વહુ, દીકરા, દીકરી અને તેમનાં બાળકોનાં મોઢાં જોઈ દિવસો કાઢી શકે. અમને જોઈ દુ:ખી થનારા અમારી દૃષ્ટિએ તો અમારા કરતાં વધુ સુખી છે.’

પ્રવૃત્તિસભર જીવન


એકલતાને ખાળવા આ દંપતી પોતાનું જીવન બને તેટલી પ્રવૃત્તિઓથી ભરેલું રાખવાનો પ્રયત્ન કરે છે. પ્રકાશભાઈ આ ઉંમરે પોતાના કામકાજ ઉપરાંત રોજ સવારે યોગ અને પ્રાણાયામ કરે છે, જ્યારે ભાવનાબહેન રસોઈવાળી પોસાતી હોવા છતાં જાતે જમવાનું બનાવે છે અને રોજ સાંજે જિમમાં પણ જાય છે. બીજી બાજુ પ્રકાશભાઈને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ પડતો હોવાથી તેઓ પોતાની જ્ઞાતિની સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર હાલાઈ લોહાણા મિત્ર મંડળમાં ટ્રસ્ટીનો હોદ્દો સંભાળવા ઉપરાંત પોતાના સ્વામીનારાયણ સંપ્રદાયની સંસ્થાઓની પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે, જ્યારે ભાવનાબહેનને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોવાથી તેઓ દર મંગળવારે બોરીવલીના વજીરાનાકા પર આવેલા ગણપતિ મંદિર અને દર શુક્રવારે બોરીવલીના સિમ્પોલી રોડ પર આવેલા અંબામાતાના મંદિર સુધી ચાલીને દર્શન કરવા જાય છે. એ સિવાય પ્રકાશભાઈને ફરવાનો પણ ખૂબ શોખ છે. અત્યાર સુધીમાં બન્નેએ કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધીનું લગભગ આખું ભારત જોઈ લીધું છે. આ વર્ષે જ મે મહિનામાં તેઓ અમેરિકા અને કૅનેડા ફરી આવ્યાં હતાં અને તે પહેલાં દુબઈ.
હવે તેમની ઇચ્છા કલકત્તા પાસે આવેલા ગંગાસાગર જવાની છે. એ વિશે ભાવનાબહેન કહે છે, ‘મારી દીકરી તો રોજ કહે છે કે મને કંઈ જોઈતું નથી. તમે મારા માટે કોઈ બચત કરશો નહીં. હરો, ફરો, મજા કરો, પરંતુ વાપરી-વાપરીને તમે કેટલું વાપરી શકો?’

અમારા જેવી ભૂલ ન કરતા


ભાવનાબહેનને દોઢ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવી હતી. હવે તબિયત સારી છે, પરંતુ એ દિવસોને યાદ કરતાં પ્રકાશભાઈ કહે છે કે ‘ત્યારે મારી દીકરીએ થોડા દિવસો માટે આવી જવાની તૈયારી દેખાડી હતી, પણ મેં જ ના પાડી. એટલે દૂરથી તેને બોલાવવાનો કોઈ અર્થ નહોતો, પરંતુ એ જ અમારું બીજું સંતાન હોત અને અમારી સાથે રહેતું હોત તો આવા પ્રસંગોએ એકબીજાની કેટલી હૂંફ રહેત. હું તો મારી દીકરીને પણ એ જ સમજાવું છું કે અમે જે ભૂલ કરી તે તું ન કરતી અને બે બાળકો તો કરજે જ. હું તેને એનો પોતાનો જ દાખલો આપીને સમજાવું છું કે આજે તારે તારા મનની કોઈ વાત કરવી હોય તો તારી પાસે તારું પોતાનું કહી શકાય એવું કોણ? ચલો માની લઈએ કે અમે છીએ, પરંતુ અમારા પછી કોણ? કોઈ ભાઈબહેન હોય તો તેમને પણ જીવનભર એક ટેકો મળી રહે.’

અસુરક્ષિતતાની લાગણી

એકલતાની સાથે આ દંપતીને અસુરક્ષિતતા પણ ખૂબ સાલી રહી છે. આજકાલ સિનિયર સિટિઝનો સાથે થતાં ક્રાઇમના સમાચારોએ તેમને હચમચાવી મૂક્યાં છે. આ જ કારણસર તેઓ એક છાપા સિવાય બીજી કોઈ જીવનજરૂરિયાતની વસ્તુઓ હોમ-ડિલિવરી મારફતે મગાવતાં નથી. દૂધ પણ પ્રકાશભાઈ જાતે જઈને લઈ આવે છે. તેઓ કહે છે, ‘આ જે બધા ક્રાઇમ થાય છે એમાં મોટા ભાગે ઘરના કોઈ જાણભેદુનો જ હાથ હોય છે. હું દૂધવાળો બંધાવું અને અમારે ક્યાંક બહારગામ જવું હોય તો મારે તેને દૂધ ન આપી જવા જણાવવું તો પડે જ. હવે તે આ માહિતીનો દુરુપયોગ નહીં કરે તેની શી ખાતરી. એના કરતાં થોડી તકલીફ વેઠી બને એટલા ઓછા બહારના લોકોને ઘરે આવવા દેવા મને વધુ યોગ્ય લાગે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK