માણસને માનસિક ભીંસ વેઠવાનું વળગણ વળગેલું છે. ભીંસ ન હોય તો તેને ચેન જ નથી પડતું. પશુ-પંખીઓને ટ્રાફિકના કોઈ નિયમો નથી હોતા, માણસને ટ્રાફિકના નિયમોની ભીંસ પજવતી હોય છે. અન્ય પશુ-પંખીઓને કદી ક્યાંય સમયસર પહોંચવું નથી પડતું. માત્ર માણસે જ સમયપત્રકો બનાવવાં પડે છે અને ઘડિયાળને અનુસરવું પડે છે. અન્ય પ્રાણીઓ પાસે ઘડિયાળ તો ઠીક, કૅલેન્ડર પણ નથી હોતું. એમને સૌને જન્માક્ષરની જરૂર નથી પડતી અને શુભ મુરતોની જરૂર પણ નથી પડતી એટલે એમણે ચોઘડિયાંય નથી બનાવ્યાં. માણસે મનની મોકળાશ છોડી દઈને, પોતાની માનસિક ભીંસ વધારવા માટે કેવા કેવા પેંતરાઓ પેદા કર્યા છે!
સંબંધોની ભીંસ
માણસે ભીંસ માટેનો સૌથી મોટો અને ખતરનાક પેંતરો સંબંધોનો રચ્યો છે. અન્ય પશુ-પંખીઓમાં એક નર અને એક માદા જ માત્ર હોય છે. આપણે પતિ-પત્ન્ાી, માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-મામા, સાળા-સાઢુ, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ,
સાસુ-સસરા જેવા કેટકેટલા સંબંધોનાં જાળાં ગૂંથી નાખ્યાં છે. સંબંધોનાં જાળાંમાં માણસ અટવાયા કરે છે. કોણ જાણે કેમ, પણ માણસને નિરાંત અને મોજ જાણે ગમતાં જ ન હોય એમ તે સતત ભીંસ અને તનાવ અને સંઘર્ષ અને અજંપાની દિશામાં જ દોડ્યા કરે છે. ભાર ઊંચકીને જીવવાનું તેને વ્યસન છે. નિજાનંદ, મોજ-મસ્તી, સ્વતંત્રતા બધું હાથવગું હોવા છતાં, માણસ એને ફેંકી દઈને ભીંસના પાંજરામાં સ્વેચ્છાએ જઈને જાણે બેસી ગયો છે.
આર્થિક ભીંસ જેટલી ભીષણ છે, એટલી જ; કદાચ એથીયે વધુ ભીંસ સંબંધોની છે. આર્થિક ભીંસ ઇમોશનલ નથી હોતી, સંબંધોની ભીંસ તો એવી ઇમોશનલ હોય છે કે માણસને ક્યારેક આત્મહત્યા કરવા સુધી લઈ જાય છે. સંતાનના પ્રશ્નો મા-બાપને ભીંસમાં લે છે, પતિ-પત્ન્ાી વહેમીલાં કે ડંખીલાં હોય તો પરસ્પરને ભીંસમાં રાખે છે, મિત્રો-સ્વજનો સ્વાર્થી હોય તો આપણે ભીંસમાં રહીએ છીએ. વાતે-વાતે વાંધા-વચકા પાડનારા સ્વજનોને હવેથી આતંકવાદી કહેવા જોઈએ. જેણે એવી ભીંસ અનુભવી હશે તે મારી આ વાત સાથે અવશ્ય સંમત થશે.
નાટકીય અભિવ્યક્તિ સંબંધોની ભીંસનો સાક્ષાત્કાર કરાવતું નાટક ‘એક સાંવરિયો, બીજો બાવરિયો’ તાજેતરમાં જોયું (કર્ટસી ટુ અનિલભાઈ એસ. શાહ). જૈન સોશ્યલ ગ્રુપ માલાડ-ગોરેગામ શાખાના ઉપક્રમે આયોજિત આ નાટકનો શો માણતી વખતે એક ખાસ પ્રકારની ડિસિપ્લિન જોઈ. જૈનો સુજ્ઞ અને સૌજન્યશીલ કેમ કહેવાય છે એનું ઉદાહરણ મળ્યું. સહેજ આડવાત ભલે થઈ, પરંતુ ‘એક સાંવરિયો, બીજો બાવરિયો’ નાટક એની પોએટિક અભિવ્યક્તિને કારણે વિશેષ પ્રભાવક પુરવાર થાય છે, એ વાત નોંધવાની રહી જવી ન જોઈએ.
ડૉ. માધવ મહેતા અનમૅરિડ ન્યુરોસજ્ર્યન છે અને આણંદમાં તેમની હૉસ્પિટલ છે. બંસરી દેસાઈ નામની એક યુવતી એ હૉસ્પિટલમાં નર્સ તરીકે આવે છે. ડૉક્ટર તે નર્સ પ્રત્યે ખેંચાણ અનુભવે છે અને તેને પોતાની સાથે લગ્ન કરવા પ્રપોઝ કરે છે. નર્સ બંસરી ડૉક્ટરની પ્રપોઝલ સ્વીકારતી નથી, કારણ કે તેની લાઇફમાં શામ નામનો એક ફાંફડો-મસ્તીખોર યુવાન આવી ચૂક્યો હોય છે. શામ અને બંસરીની લવસ્ટોરી લગ્નમાં પરિણમે છે. લગ્ન પછી શામ અકસ્માતમાં મૃત્યુ પામે છે. વિધવા બંસરી પોતાનાં ભાઈ-ભાભી પર બોજ બનવા માગતી નથી એટલે નોકરી કરવા ઝંખે છે અને ડૉ. માધવની હૉસ્પિટલમાં નર્સ તરીકે જોડાય છે.
બને છે એવું કે શામ અકસ્માતમાં મૃત્યુ પામ્યો નથી, પરંતુ યાદદાસ્ત ગુમાવીને બચી ગયો છે. અકસ્માત તેને ડૉ. માધવ મહેતાની હૉસ્પિટલમાં જ સારવાર માટે લાવવામાં આવે છે. બંસરી શામને ઓળખી જાય છે અને તરત માધવને કહે છે કે આ વ્યક્તિ મારી પહેલો પતિ શામ છે. માધવ એ સત્ય નથી સ્વીકારી શકતો અને બંસરી પૂર્ણ શ્રદ્ધાથી એ સત્યને વળગી રહે છે. માધવ ચૅલેન્જ કરે છે કે, જો આ વ્યક્તિ તારો પહેલો પતિ શામ છે એવું પુરવાર થશે તો હું પોતે જ તારો હાથ તેના હાથમાં મૂકી દઈશ. સંજોગોની ભીંસ સંબંધોની ભીંસને વધારતી રહે છે.
એક તરફ બંસરીની ભાભી કાવાદાવા કરીને સંઘષોર્ની ભીંસ વધારે છે, બીજી તરફ શામની યાદદાસ્ત પાછી આવતી નથી એટલે બંસરી ઇમોશનલ ભીંસ અનુભવતી રહે છે.
આ નાટકના પ્રારંભમાં થોડી ચીલાચાલુ જોક્સ ગૂંથીને હસાવવાનો પ્રયત્ન્ા થયો હોય એમ લાગ્યું, પરંતુ ધીમે-ધીમે નાટકની થીમ સરસ ગૂંથાતી ગઈ અને એમાં ગતિશીલતા પણ આવી. હિન્દી ફિલ્મ ‘દિલ એક મંદિર’ને મળતી આવતી આ નાટકની મૂળ કથા મરાઠી લેખક કેશવ દત્તાની એક વાર્તા પર આધારિત છે.
‘એક સાંવરિયો, બીજો બાવરિયો’ નાટકનું બેસ્ટ કૅરૅક્ટર બંસરી દેસાઈનું છે અને લીના શાહે એને છલોછલ ન્યાય આપ્યો છે. એવું જ બીજું કૅરૅક્ટર વિલન ભાભીનું છે અને એ પણ મેઘના સોલંકી દ્વારા ઉત્કૃષ્ટ રીતે માવજત પામ્યું છે. માધવ અને શામના પાત્રોમાં ખાસ કોઈ ખામી નથી તેમ ખાસ કોઈ વિશેષતાય નથી.
શ્યામ જ્યારે પણ બંસરીનું લખે ત્યારે ‘બ’ પર અનુસ્વાર મૂકવાનું ચૂકી જતો હોય છે. બંસરીને શામની એ આદતની ખબર પણ છે, એની સામે મીઠી ફરિયાદ પણ છે અને એ એક નાનકડી વાત સમગ્ર નાટકનું અંતે કેન્દ્રબિંદુ બની જાય છે. અનુસ્વારની ભૂલ એક તબક્કે બહુ જ મોટા રહસ્યને ખુલ્લું કરવામાં નિમિત્ત બને છે. મુકેશ જોશી અને હિતેન આનંદપરા જેવા સમર્થ કવિઓએ નાટક લખ્યું છે. ત્યારે આવું સચોટ ભાષાકર્મ તો એમાં થયેલું હોય જને! સંબંધોની ભીંસમાં પ્રેક્ષકોનેય ભીંસાવાની મજા પડે છે.
સંબંધોનાં જાળાં
બે આંખનો સંતાપ
ભેજ આંખોમાં લઇને
આવનારાં, ઓ સ્મરણ!
સ્હેજ તો સમજો તમે
બે આંખના સંતાપને’
કવિ ચિનુ મોદીની આ પંક્તિ મુજબ અતીતની સ્મૃતિઓ આપણી આંખો માટે અભિશાપ બની રહે છે. ક્યારેક ભૂતકાળના સંબંધોના બોજ હેઠળ વર્તમાન કચડાતો રહે છે તો ક્યારેક વર્તમાનના કેટલાક સંબંધોને ખાતર માણસ પોતાના ભવિષ્યને દાવ પર લગાવી દેતો હોય છે. સંબંધોની ભીંસમાં ગૂંગળાઈ મરવા માટે જ શું આપણે આટલા બધા સંબંધોનાં નામ આપ્યાં છે? નામ વગરનો કોઈ સંબંધ પારદર્શક અને પવિત્ર હોઈ જ ન શકે શું? સંબંધોનાં જાળાં ગૂંથીને અલ્ટિમેટલી આપણે શું પામ્યા છીએ અને શું ખોયું છે એનો વિચાર કરીએ તો કદાચ, સંબંધોને તોડી-છોડીને અન્ય પશુ-પંખી જેવી મોજ-મસ્તી તરફ જવાનું પ્રલોભન જાગ્યા વગર નહીં રહે...
rohitshah.writer@gmail.com
વાળ નહીં કપાવું એવું નક્કી કરનારા 10 વર્ષના છોકરાએ જ્યારે વાળ કપાવ્યા...
12th February, 2021 13:00 ISTMumbai: 21 ગુજરાતી બિઝનેસમેન જોડાયા શિવસેનામાં
8th February, 2021 15:53 IST10 લાખની ખંડણી ન મળતાં નેવીના અપહૃત ઑફિસરને જીવતો બાળ્યો
7th February, 2021 09:15 ISTSwami Om Death News : Bigg Boss 10 કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમનું નિધન
3rd February, 2021 15:10 IST