સુધરાઈની બસસર્વિસ રામભરોસે અને માથાભારે રિક્ષાચાલકોની મનમાની
મીરા-ભાઈંદરમાં કોઈ પણ સમયે જઈએ તો રિક્ષા અને બસો માટે લાંબી કતારો લાગી હોય છે. એમાં પણ ખાસ કરીને મીરા-ભાઈંદરનાં સ્ટેશનો પાસે તો સાંજના સમયે રિક્ષા પકડવા માટે એટલી કતારો હોય છે કે ઊભા રહેવાની કે ચાલવાની જગ્યા હોતી નથી. રિક્ષા પકડવા લોકોએે અડધા કલાકથી વધારે ઊભા રહેવું પડે છે જેના કારણે ટ્રાકિક જૅમની સમસ્યા જોવા મળે છે. ઘણી વાર રિક્ષા પકડવા પડાપડી થતી હોય છે.
ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ઝુંબેશ
છ દિવસમાં મીરા-ભાઈંદરમાં ૨૧,૦૦૦થી પણ વધારે લોકોએ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના રિક્ષા બાબતે જાગૃતિ ફેલાવવાના સિગ્નેચર કૅમ્પમાં સાઇન કરી છે તથા ૨ ઑક્ટોબરના બપોરે ૩.૩૦ વાગ્યે મીરા રોડ ખાતે મહારૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનને મીરા-ભાઈંદરના જુદા-જુદા ધર્મસંપ્રદાયનું પણ સમર્થન મળી રહ્યું છે.
રિક્ષા યુનિયનોનું શું કહેવું છે?
શાંતિનગર ઑટોરિક્ષા વેલ્ફેર અસોસિએશનના મહાસચિવ રાકેશ વિશ્વકર્માએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં જનસંખ્યા જેટલી દિવસે-દિવસે વધી રહી છે એની સરખામણીમાં રિક્ષાઓ ખૂબ જ ઓછી હોવાથી આજે મીરા-ભાઈંદરમાં સૌથી મોટી રિક્ષાની સમસ્યા છે. શાસને પરમિટ આપવાનું કેટલાય વખતથી બંધ કર્યું હોવાથી રિક્ષાઓ ઘણી ઓછી છે. એ ઉપરાંત સૌથી મોટી સમસ્યા જેનો રિક્ષાચાલકો સામનો કરે છે તે એ છે કે સીએનજી મેળવવા માટે રિક્ષાવાળાઓને ૪થી ૬ કલાક ઊભા રહેવું પડે છે.
એના કારણે પેટ્રોલ પમ્પ પર રિક્ષાઓની લાઇન જોવા મળે છે. ઉપરાંત અમને પણ ખબર છે કે મીરા-ભાઈંદરમાં રિક્ષાનાં ભાડાં વધારે છે તેથી અમે પણ ઇચ્છીએ છીએ કે મીરા-ભાઈંદરમાં રિક્ષાઓ મીટર પર ચાલે, પણ આરટીઓ તરફથી અમને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ મળતી નથી. આરટીઓએ પેપર પર લેખિત જણાવ્યું છે કે મીરા-ભાઈંદરની રિક્ષાઓ મીટર પર ચાલે છે, પણ હકીકતમાં એક પણ રિક્ષા મીટર પર ચાલતી નથી. ઉપરાંત રિક્ષાનું ભાડું અલગ-અલગ હોવાથી મોટા ભાગનાં રિક્ષા-સ્ટૅન્ડ પાસે રેટ-કાર્ડ જોવાં મળતાં નથી. રિક્ષાવાળાઓનું ફક્ત એટલું જ કહેવું છે કે આરટીઓ બેદરકારીભર્યું વર્તન રાખે નહીં અને લોકોની સમસ્યા તરફ વધુ ધ્યાન આપે. જો હજી પણ ધ્યાન આપશે નહીં તો આગામી સમયમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળશે.’
મીરા-ભાઈંદરની રિક્ષાઓની સમસ્યા