ફેરિયાઓને હટાવીને ટિકિટ-વિન્ડો માટે મીરા રોડમાં સિગ્નેચર કૅમ્પેન

Published: 29th September, 2011 19:19 IST

મીરા રોડ-ઈસ્ટની વિરાર સાઇડની ટિકિટ-વિન્ડોમાંથી ટિકિટ ખરીદવી હોય તો બ્રિજ ચડીને એક માળ જેટલું ઉપર જઈએ ત્યારે ટિકિટ મળે છે. મીરા રોડ સ્ટેશન પાસે આવેલી ચર્ચગેટ તરફની ટિકિટ-વિન્ડો નીચે પણ ખૂબ ભીડ હોય છે.

પરંતુ વિરાર સાઇડની ટિકિટ-વિન્ડો થોડી મોટી હોવા છતાં વૃદ્ધો અને વિકલાંગો તેમ જ નાનાં બાળકો લઈને પ્રવાસ કરવા નીકળેલી મહિલાઓને બ્રિજ ચડીને ઉપર જઈ ટિકિટ ખરીદવી પડતી હોવાથી તેમને ભારે ત્રાસ થાય છે. એમાં વળી આ સાઇડના બ્રિજ પર બધી વખતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

આવી ભીડમાં વિકલાંગો અને વૃદ્વો કેવી રીતે ઉપર ચડી શકે? લોકોની આ બધી સમસ્યાને ધ્યાનમાં રાખીને હાલમાં જ મીરા-ભાઈંદર યુથ કમિટીના અધ્યક્ષપદે ચંૂટાઈ આવેલા રાજીવ રાજપુરોહિતે અને તેમની આખી ટીમે મંગળવારે સવારે ૮ વાગ્યાથી એક સિગ્નેચર કૅમ્પ રાખ્યો હતો. તેમણે માગણી કરી હતી કે મીરા રોડના પ્લૅટફૉર્મ નંબર-૪ (વિરાર સાઇડ) પાસે એક ટિકિટ-વિન્ડો બનાવવી જેથી જે પ્રવાસીઓ ઉપર ચડી ટિકિટ ખરીદી ન શકતા હોય તો તેમને રાહત મળી રહે. સ્ટેશનની બહાર બેસતા ફેરિયાવાળાઓને હટાવીને ત્યાં ટિકિટ-વિન્ડો બનાવવાની માગણી રેલવેપ્રવાસી વતી મીરા-ભાઈંદર યુથ કમિટી દ્વારા કરવામાં આવી હતી.

મંગળવારે સવારથી રાત સુધી ચાલેલા આ સિગ્નેચર કૅમ્પમાં લગભગ ૮૦૦૦ની આસપાસ લોકોએ સાઇન કરી પોતાની સહમતી દાખવી હતી. આ દસ્તાવેજોને હવે રેલવે પ્રશાસન સામે મૂકવામાં આવશે અને આ સુવિધા પૂરી થાય એના માટે પ્રયત્નો કરવામાં આવશે. યુથના અધ્યક્ષ રાજીવ રાજપુરોહિત આ સમસ્યાનો ઉકેલ લાવ્યા બાદ ભાઈંદરમાં ચાલતી ભાઈંદર લોકલની જેમ મીરા રોડમાં પણ મીરા રોડ લોકલ શરૂ કરાવવાની માગણી કરવાના છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK