બાળકને સાચા-ખોટાનું ભાન કરાવશે તમે આપેલા સંસ્કાર

Published: 27th September, 2011 18:54 IST

ગયે અઠવાડિયે અજાણ્યા અને ઓચિંતા આગંતુકના હુમલાના ભયમાં ફફડી ઊઠતા વડીલોની જીવલેણ પરિસ્થિતિની વાત લખી હતી. પરંતુ તાજેતરમાં મલાડમાં એક ગુજરાતી પરિવારમાં જે ઘટના બની છે એનાથી તો વડીલો ઘરમાં અને ઘરના લોકોથી પણ સતત ભયભીત બનીને ધ્રૂજી-ધ્રૂજીને રહે એવી સ્થિતિ સર્જાઈ છે.

 

મંગળવારની મિજલસ - તરુ કજારિયા

ગયે અઠવાડિયે અજાણ્યા અને ઓચિંતા આગંતુકના હુમલાના ભયમાં ફફડી ઊઠતા વડીલોની જીવલેણ પરિસ્થિતિની વાત લખી હતી. પરંતુ તાજેતરમાં મલાડમાં એક ગુજરાતી પરિવારમાં જે ઘટના બની છે એનાથી તો વડીલો ઘરમાં અને ઘરના લોકોથી પણ સતત ભયભીત બનીને ધ્રૂજી-ધ્રૂજીને રહે એવી સ્થિતિ સર્જાઈ છે. સત્તર વર્ષનો એક છોકરો પોતાની મોજશોખભરી જિંદગીની માગો પૂરી કરવા પોતાની જ દાદીની ગળું દબાવીને, ગળું ચીરી નાખીને હત્યા કરે છે! એ સમાચાર વાંચતાં ધþૂજી જવાય છે. ઘણા લોકોને ભૂતકાળમાં કહેતા સાંભળ્યા છે કે કળિયુગ આવશે. એ શું આ જ હશે એવો પ્રશ્ન આવી ઘટનાઓ બને ત્યારે લોકોના મનમાં ઊઠે એ સ્વાભાવિક છે.  થોડાં વરસો પહેલાં દક્ષિણ મુંબઈના એક સમૃદ્ધ પરિવારમાં આવી જ ઘટના બની હતી. આવા સમાચારો સાંભળીને હૃદયમાં ઝાળ-ઝાળ થઈ ઊઠે છે.

 

આજે આર્થિક સમૃદ્ધિને જ ‘પ્રગતિ’ ગણવામાં આવે છે. આવી ‘પ્રગતિ’ માટે પ્રેમ અને કાળજીભર્યા પારિવારિક સંબંધોને દાવ પર લગાવતાં કેટલાક યંગસ્ટર્સ અચકાતાં નથી

 

મનમાં ભયંકર ઊથલપાથલ મચી જાય છે. રહી-રહીને મનમાં સવાલો ઊઠuા કરે છે કે આવું કોઈ વિચારી પણ શી રીતે શકે? દાદા-દાદી કે નાના-નાની તો બાળકોની દુનિયાનાં સૌથી વહાલસોયાં પાત્રો. જગજિત સિંહની પેલી પ્રખ્યાત ગઝલના શબ્દો યાદ આવે છે : યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો... બાળપણ અને નાનીની કહાનીઓની સંપત્તિ આગળ દુનિયાની બધી સંપત્તિ અને શોહરત ન્યોછાવર કરવાની ભાવના છે એમાં! અને અહીં તો સામે પક્ષે આ દાદા-દાદી કે નાના-નાની જેવા વડીલોને મન પણ પૌત્રો-પૌત્રીઓ કે દોહિત્ર-દોહિત્રીઓ એટલે જિંદગીનાં પાછલાં વરસોમાં જીવવાનું નિમિત્ત, થાકેલા પગમાં સંચરતું ચેતન, પોતાનું સઘળું વહાલ વરસાવી દેવાનું ઠેકાણું.


શેનું પરિણામ?


વડીલોની હત્યા કરવાનો વિચાર પણ કોઈ બાળક કે કિશોરને ક્યાંથી આવી શકે? પરંતુ આ પ્રકારની ઘટનાઓ સમાજમાં હવે ખરેખર વાસ્તવિકતા બની રહી છે ત્યારે સમાજ માટે સચેત થવાનો સમય આવી ગયો છે. આજે આર્થિક સમૃદ્ધિને જ સમાજ અને દેશની ‘પ્રગતિ’ ગણવામાં આવે છે. વધુ સંપત્તિ, વધુ લક્ઝરી, વધુ લૅવિશ લાઇફસ્ટાઇલ હોય તેણે વધુ વિકાસ કર્યો એવું મનાય છે. માનવસંબંધો અને લાગણીઓનું મૂલ્ય ઘટતું જાય છે. આવી ‘પ્રગતિ’ માટે પ્રેમ અને કાળજીભર્યા પારિવારિક સંબંધોને સૅક્રિફાઇસ કરતાં કેટલાક યંગસ્ટર્સ અચકાતા નથી અને આવી સેલ્ફસેન્ટર્ડ વૃત્તિ જ્યારે વધી જાય ત્યારે એને સંતોષવા તે કોઈ પણ હદે જઈ શકે
છે એનો ખ્યાલ તાજેતરની ઘટનામાંથી આવે છે.

 

બદલાતી માનસિકતા


બીજું, આજનો જમાનો જાહેરખબરોના જબરદસ્ત ધસારાનો છે. નવી-નવી પ્રોડક્ટ અને એનાં નવાં-નવાં મૉડલ્સ માર્કેટમાં આવતાં જ રહે છે અને એનું ટાર્ગેટ માર્કેટ આ બાળકો-કિશોરો-યુવાનો છે. છાપાઓમાં, મૅગેઝિન્સમાં, ટીવી પર કે ઇન્ટરનેટ પર સતત વહેતી જાતજાતની ચીજોની લલચામણી જાહેરખબરો આજના યંગસ્ટર્સની નજર સામે નાચતી રહે છે. અજાણતાં જ આ બધાની અસર તેમનાં માનસ પર પડતી રહે છે. નર્સરી કે કેજીમાં ભણતાં નાનકડાં બચ્ચાંઓ આજે બ્રૅન્ડેડ ચીજવસ્તુઓની માગણી કરતાં થઈ ગયાં છે એ આ જાહેરખબરિયા જંગની અસર છે. કેટલાંક અમીર મા-બાપો પોતાનાં બાળકોને આવીબધી ચીજો અપાવવી એને પોતાનું સ્ટેટસ સિમ્બૉલ ગણે છે. પરંતુ પોતાના સ્ટેટસનો દેખાડો કરવા જતાં તેઓ બાળકોમાં એક જોખમી ઍટિટuુડનાં બીજ રોપી રહ્યાં છે એનો તેમને ખ્યાલ નથી આવતો.


‘અમારી પિન્કી માંડ ત્રણ વર્ષની છે, પણ તે સાદી ડૉલથી ન રમે. તેને બાર્બી ડૉલ જ જોઈએ. કેટલી બધી બાર્બી ડૉલ્સ ભેગી કરી છે!’ ‘અને સમીરને તો નાઇકીનાં સ્ર્પોટ્સ શૂઝ જ જોઈએ’ આવું અભિમાનપૂર્વક કહેતાં અનેક મમ્મી-પપ્પાઓને કદાચ તમે મYયા હશો. પોતાનાં બાળકોને સારી ક્વૉલિટીનાં રમકડાં કે ચીજવસ્તુ અપાવવામાં કંઈ ખોટું નથી, પરંતુ નાની ઉંમરથી બાળકો જાહેરખબરોના દબાણ હેઠળ આવી
જાય અને એનાથી દોરવાય એ બિલકુલ યોગ્ય નથી.


મા-બાપની જવાબદારી


આ ઉપરાંત બાળકોને દેખાદેખીની બીમારી ન લાગી જાય એનું ધ્યાન પણ મા-બાપે રાખવાનું છે. ‘ફ્રેન્ડસર્કલમાં કોઈની પાસે બાઇક છે, કોઈની પાસે કાર છે અને મારી પાસે બાઇસિકલ હોય તો કેટલું ખરાબ લાગે?’ આવી ઇન્ફિરિયૉરિટીની લાગણી બાળકોમાં જન્મે ત્યારે જ મા-બાપે ચેતી જવું જોઈએ. પોતાની સ્થિતિ, પહોંચ તેમ જ મર્યાદાથી બાળકને મા-બાપ વાકેફ કરી શકે. તેને સમજાવી શકે કે પોતાની બુદ્ધિ, હોશિયારી કે કોઈ પણ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાથી પણ પ્રગતિ સાધી શકાય છે. સાથે જ માનવસંબંધો, પ્રેમ, કાળજી, અનુકંપા જેવી લાગણીઓ વ્યક્તિને માનસિક રીતે મજબૂૂત રાખવાની મોંઘી મૂડી છે. આ મૂડી તેનો મૉરલ સર્પોટ બને છે. જે બાળકોને નાનપણથી આવી મૂડી અને પ્રગતિની ઓળખ કરાવવામાં આવી છે તેઓ આગળ જતાં સ્વસ્થ અને મજબૂત મનોબળ ધરાવતા માનવી બને છે. તેમના એ સંસ્કારનું કવચ તેમનામાં સારાસારનો વિવેક વિકસાવે છે.


દાદીની હત્યા કરનાર કિશોરે પોલીસ સમક્ષ કરેલા નિવેદનોમાંથી જાણવા મળ્યું છે કે તેને આ ગુનો કરવાની પ્રેરણા ટીવી પર આવતા એક ક્રાઇમ શોમાંથી મળી. સોળ વર્ષના, એસએસસીમાં એંસી ટકાથી ઉપર માર્ક્સ લાવનારા એ છોકરા પાસે સંસ્કારનું કવચ હોત તો ક્રાઇમ શો જોઈને એમાંથી ક્રાઇમ કરવાના પાઠ ભણત? મને નથી લાગતું.


પરિવારનું બોન્ડ

અત્યારની મટીરિયલિસ્ટિક દુનિયામાં લક્ઝરી અને સ્પર્ધાની જે પ્રચંડ ડમરી ઊઠી છે એની આડઅસરો કેવી ભયંકર છે એનો પરિચય સમાજને મળવા લાગ્યો છે. એનાથી બચવા માટે પરિવારનું બૉન્ડ અને મૂલ્યોનું પોત મજબૂત કરવું પડશે. બાળકોને સારી-સુવિધાપૂર્ણ જિંદગી આપવાની ઝંખના સાથે તેમનામાં રાઇટ વૅલ્યુઝનું સિંચન પણ સમયસર કરવાનું ચુકાય નહીં એનો ખ્યાલ પહેલાં રાખવો પડશે

શીખવા જેવું છે

મમ્મી-પપ્પા નવું ઘર ખરીદવાનાં હતાં. કેટલાંય ઘર જોયાં, આખરે એક નવા જ તૈયાર થયેલા બિલ્ડિંગમાં ૧૪મા માળે એક ફ્લૅટ જોયો. અંદર દાખલ થતાં જ વિશાળ બારીઓમાંથી દેખાતાં લીલાછમ વૃક્ષો અને મેદાનો, દૂર-દૂરના પહાડો, એની પાછળથી ઊગતો સૂર્ય અને ક્યાંય સુધી વિસ્તરેલું ખુલ્લું આકાશ. એ અફલાતૂન ફ્લૅટ ઘરના બધા સભ્યોને ખૂબ ગમી ગયો અને એ જ ખરીદવાનું નક્કી થઈ ગયું. ત્યાં સત્તર વર્ષનો કૉલેજિયન દીકરો બોલ્યો, ‘ના, આપણે આ ફ્લૅટ નથી લેવો!’


બધાને નવાઈ લાગી એ વાક્ય સાંભળીને, કેમ કે એ જ સૌથી વધુ ઝૂમી ઊઠેલો આ જગ્યા જોઈને અને એ જ હવે ના પાડે છે. શું કારણ હતું એની પાછળ?


‘કોઈ વાર પાવર કટ થાય કે કોઈ ઇમર્જન્સી આવે ત્યારે દાદી આટલા બધા માળ ન ચડી શકે!’ પોતાની સિત્તેર વર્ષની દાદીનો ખ્યાલ કરીને તેણે આ નર્ણિય કર્યો હતો. અંતે તેમણે એ જ મકાનમાં ત્રીજે માળે ફ્લૅટ લીધો. તેમના મિત્રો અને મકાનમાં પાછળથી રહેવા આવેલા અન્ય પાડોશીઓને બહુ જ નવાઈ લાગી હતી કે ઉપરના માળે ફ્લૅટ મળતો હતો છતાંય નીચે કેમ લીધો? પોતાની પસંદ કરતાં પરિવારના વડીલની જરૂરિયાતનો વિચાર કરનાર એ કિશોર પણ આજના જમાનાનો જ છે.


સવાલ થાય કે એક જ પેઢીના સરખી ઉંમરના છોકરાઓના વિચારોમાં આટલું અંતર કેમ? કદાચ આ કિશોર પાસે લલચામણી ઑફરો અને સેલ્ફસેન્ટર્ડનેસની આંધી સામે અડીખમ રહી શકે એવું સંસ્કારનું કવચ હતું. અને આ  સંસ્કાર બહારની કોઈ વ્યક્તિ કે શિક્ષણસંસ્થા પાસેથી મળી રહેશે એવી આશા રાખવી યોગ્ય નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK