Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશ્યલ ડિસ્ટન્સિંગનો ફિલ્મી સંદેશ: કૅરિયર્સ

સોશ્યલ ડિસ્ટન્સિંગનો ફિલ્મી સંદેશ: કૅરિયર્સ

25 July, 2020 09:51 AM IST | Mumbai
Raj Goswami

સોશ્યલ ડિસ્ટન્સિંગનો ફિલ્મી સંદેશ: કૅરિયર્સ

સોશ્યલ ડિસ્ટન્સિંગનો ફિલ્મી સંદેશ: કૅરિયર્સ


એકાદ સદી પહેલાં અમેરિકામાં સિનેમા-થિયેટરો, નાઇટ-ક્લબો અને સ્કૂલોમાં આગ લાગવાની અને માણસો મરી જવાની ઘટના બનતી હતી અને એમાંથી ઇમારતોની ફાયર-સેફટીના નિયમો આવેલા. એમાં એક મહત્ત્વનો નિયમ એવો આવ્યો હતો કે થિયેટરો જેવી ઇમારતોમાં દરવાજા પહોળા અને બહારની તરફ ખૂલી જાય એવા હોવા જોઈએ અને એના ઉપર ‘એક્ઝિટ’ લખેલું હોવું જોઈએ. સાવ સાદો લાગતો આ ફેરફાર એટલો વ્યવહારુ હતો કે આજે દુનિયાભરમાં એનું પાલન થાય છે. ઘણી વાર આપણા પર વીતે નહીં ત્યાં સુધી આપણે વ્યવહારિકતાનું મહત્ત્વ સમજતા પણ નથી. બાકી સોશ્યલ ડિસ્ટન્સિંગનો અર્થ આપણે અસ્પૃશ્યતા ન કર્યો હોત. શારીરિક અંતર રાખવાનું વૈજ્ઞાનિક કારણ આપણને પશ્ચિમમાંથી શીખવા મળ્યું અને એ પણ હજી ચાર મહિના પહેલાં જ. બાકી આપણે સદીઓથી આ જાણતા જ હતા, પણ ખોટી રીતે.

પશ્ચિમમાંય મહામારીના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો વિચાર ઘણો જૂનો છે અને ત્યાં આમ જીવનધોરણમાં વણાયેલો છે. એટલા માટે જ હૉલીવુડ એના પર એક આખી ફિલ્મ બનાવી શકે છે. મહામારીઓ અથવા મેડિકલ થ્રિલરોની આપણી સિરીઝમાં આજે જે ફિલ્મની વાત કરવી છે એમાં થિયેટરમાં આગ લાગી ચૂકી હોય અને એમાં બચી ગયેલા અમુક દર્શકો દરવાજા શોધવા ફાંફાં મારતા હોય એવી કહાની છે. સિનેમાની ભાષામાં એને પોસ્ટ-ઍપોકલિપ્સ ફિલ્મ કહે છે, કયામત આવી ગયા પછીની ફિલ્મ. ‍ઍપોકલિપ્સ ફિલ્મ એટલે કયામત આવતાં પહેલાં એને રોકવા કે એમાંથી બચવાના સાહસની ફિલ્મ.



જેનામાં મહામારીના જીવાણુ હોય એને કૅરિયર અથવા સંવાહક કહે છે. ફિલ્મનું નામ જ ‘કૅરિયર્સ.’ એ ૨૦૦૯માં આવેલી. એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ કેટલું મહત્ત્વનું છે એનો ફિલ્મીનૂમા સંદેશ હતો. ફિલ્મના કલાકાર-કસબીઓ આપણે ત્યાં બહુ જાણીતા નથી. ખાલી એક ક્રીસ પાઇન નામનો ઍક્ટર આગલા વર્ષે આવેલી વૈજ્ઞાનિક ‘સ્ટાર ટ્રૅક’ સિરીઝની અગિયારમી ફિલ્મથી લોકપ્રિય થયો હતો.


અત્યારની પરિસ્થિતિમાં જુઓ તો ફિલ્મ ઘણી ચિરપરિચિત લાગે. એમાં ભવિષ્યના એક એવા અમેરિકાની કલ્પના કરવામાં આવી  હતી જેને એક એવા ઘાતક વાઇરસે તહસનહસ કરી નાખ્યો છે જેનો કોઈ ઉપચાર નથી. વાઇરસને કારણે અનાથ થઈ ગયેલા બે ભાઈઓ બ્રાયન અને ડૅની તેમની ગર્લફ્રેન્ડ બૉબી તેમ જ કૅટ સાથે ન્યુ મેક્સિકો અને ટેક્સસના ભેંકાર રોડ પરથી સાઉથવેસ્ટ અમેરિકાના ટર્ટલ બીચ તરફ જઈ રહ્યા છે. આ બીચ તેમના બાળપણના વેકેશનનું કેન્દ્ર છે. તેમને લાગે છે કે દેશમાં વાઇરસની મહામારી ખતમ થાય ત્યાં સુધી તેઓ બીચ પર સુરક્ષિત રહી શકશે. મહામારીમાંથી બચવા માટે બ્રાયને સોશ્યલ ડિસ્ટન્સિંગના ચાર નિયમો બનાવ્યા હતા, જેને તેઓ અનુસરી રહ્યા છે.

૧. ચેપી વ્યક્તિથી કોઈ પણ ભોગે છેટા રહેવું.


૨. ચેપી વ્યક્તિ છેલ્લા ૨૪ કલાકમાં જેકોઈ ચીજને અડી હોય એને સૅનિટાઇઝ કરવી.

૩. ચેપી વ્યક્તિને મદદ શક્ય નથી, તે મૃતપ્રાય જ છે.

૪. આ નિયમોનું પાલન કરશો તો કદાચ બચી જશો.

રસ્તામાં આ ચાર જણને પિતા-પુત્રી ફ્રૅન્ક હોલોવે અને જૉડી ભટકાય છે. બન્નેની કાર ખોટકાઈ ગઈ છે અને તેઓ મદદની રાહ જુએ છે. પુત્રી જૉડીને વાઇરસનો ચેપ છે અને  દેખાવે જ બીમાર છે, પણ બ્રાયનના નિયમ પ્રમાણે અજાણ્યા માણસોને મદદ કરવાનું તેમના પ્લાનમાં નથી. તેઓ તેમની કાર ચાલુ જ રાખે છે. ત્યાં પિતા ફ્રૅન્ક તેમના પર હુમલો કરે છે અને એમાં ચાર જણની કાર ખોટકાઈ જાય છે. હવે તેમને વાઇરસથી બીમાર છોકરી અને તેના પિતા સાથે કારમાં જવાની ફરજ પડે છે. તેઓ આખી કારને ધોઈ નાખે છે અને પિતા-પુત્રીને પારદર્શક પ્લાસ્ટિકની શીટમાં ડક ટેપથી બાંધીને પાછળ બેસાડે છે. એમાં છોકરીનો શ્વાસ રૂંધાય છે એટલે બ્રાયનની ગર્લફ્રેન્ડ બૉબી તેનું પ્લાસ્ટિક હટાવે છે અને પેલીને ખાંસી આવે છે ત્યારે એ થૂંક બૉબી પર પડે છે, એમાં બૉબીને ચેપ લાગે છે, પણ તે એ વાતને છુપાવી રાખે છે.

ફ્રૅન્કના સૂચનથી તેઓ નજીકની એક હાઈ સ્કૂલમાં આશરો લે છે જ્યાં વાઇરસની રસી બની હોવાની અફવા છે. ત્યાં પહોંચ્યા પછી ચારેયને ખબર પડે છે કે રસી તો કારગત નથી. ત્યાં એક જ ડૉક્ટર બચ્યો છે અને તે પોતાને તથા અમુક બચેલાં બાળકોને પૉટેશિયમ આપીને મારવાની યોજના કરી રહ્યો હોય છે. એ પછી ફ્રૅન્ક તેની દીકરીને બાથરૂમ તરફ લઈ જઈને ચારે જણને નાસી છૂટવાની તક પૂરી પાડે છે.

ચાર જણ પછી એક હોટેલ પાસે રોકાય છે. તેમને ખબર નથી કે બે સશસ્ત્ર રક્ષકોએ ત્યાં થાણું સ્થાપેલું છે. તેઓ ચાર જણને અટકાવે છે અને છોકરીઓ બૉબી અને કૅટનાં કપડાં કઢાવીને તેમને ચેપ છે કે નહીં એ ચેક કરે છે. તેમની મતી છોકરીઓને રોકી લેવાની છે. એમાં બૉબીને ચેપ હોવાની ખબર પડે છે એટલે તેઓ બધાને જવા દે છે. નિયમ પ્રમાણે હવે બ્રાયન પણ બૉબીને  ત્યજી દે છે અને તેને ખાવા-પીવાના સામાન સાથે કારની પાછળ-પાછળ ચાલવાનું કહેવામાં આવે છે.

હવે બ્રાયનની કારમાં પેટ્રોલ ખતમ થઈ જાય છે એટલે તે પેલી બીમાર બૉબીને ગોળી મારીને તેની કાર પચાવી પાડે છે, પણ એમાં તેનેય ગોળી વાગે છે અને ડૅનીના માથે બ્રાયનનો ઉપચાર કરવાની જવાબદારી આવે છે. એમાં ડૅનીને ખબર પડે છે કે બ્રાયનને પણ વાઇરસનો ચેપ લાગેલો છે. હવે ડૅનીનો વારો આવે છે કે તે બ્રાયનને ત્યજી દે.

એ રાતે તે બ્રાયનને મૂકીને નાસી જવાની યોજના બનાવે છે પણ બ્રાયનને ખબર છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગનો નિયમ તો તેણે જ બનાવ્યો હતો એટલે તે કારની ચાવી લઈ લે છે અને પછી વાઇરસના ઝેરમાં રસ્તે રઝળીને મરી જવાને બદલે ડૅની પાસે શરત મૂકે છે કે તું મને ગોળી મારીને કારની ચાવી લઈ લે અને જીવ બચાવવા નાસી જા. હૅની પાસે કોઈ રસ્તો નથી રહેતો અને તે બ્રાયનને ગોળી મારીને મોક્ષ આપે છે. બીજા દિવસે ડૅની અને કૅટ ટર્ટલ બીચ પર પહોંચે છે. હવે તે અને તેની ગર્લફ્રેન્ડ વાઇરસથી તો સલામત છે, પણ તેને ભાઈની ગેરહાજરી સાલે છે. આખરે તો આ બીચ તેમના બાળપણની યાદગીરી હતો, પણ હવે એ ભાઈ વગર ખાલીખમ લાગે છે. 

‘કૅરિયર્સ’ ફિલ્મનો કેન્દ્રીય વિચાર એ હતો કે એના ટાઇટલ પ્રમાણે વાઇરસ કોઈને પણ ચોંટે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ ન હોય તો આપણું પ્રિયજન પણ એનો શિકાર બને છે. ફિલ્મનો અંત લોકોને અસંવેદનશીલ લાગે, પરંતુ આપણે જોઈ જ રહ્યા છીએ કે મહામારીમાં પરિવારના લોકો પરથી પણ વિશ્વાસ ઊઠી જાય છે. એનાથી વિપરીત ફિલ્મ એ પણ બતાવે છે કે જીવતા રહેવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને બૉબીની જેમ પોતાની બીમારીને છુપાવી પણ શકે છે.

ફિલ્મ તો ૨૦૦૯માં રિલીઝ થઈ હતી, પણ એમાં એ તમામ બાબતોને બતાવવામાં આવી હતી, જે આપણે આજે જોઈ રહ્યા છીએ.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2020 09:51 AM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK