ભ્રષ્ટાચારનો સામનો કરી ચૂકેલા બે ગુજરાતી વડીલો સુધ્ધાં અનશનમાં

Published: 28th December, 2011 04:56 IST

અણ્ણા જો મને કહે કે તો હું ઘરબાર બધું જ ત્યાગીને તેમના સાંનિધ્યમાં જોડાઈ જઈશ એમ જણાવતાં નડિયાદથી આવેલા નિવૃત્ત અને હવે ઘરે ટ્યુશન કરતા ૬૧ વર્ષના કૌશિક તલાટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અણ્ણાની લડત જ્યારથી શરૂ થઈ છે ત્યારથી હું તેમને સમર્થન આપવા આગળ રહ્યો છું.પ્રીતિ ખુમાણ

બીકેસી, તા. ૨૮

નડિયાદમાં કોઈ પણ પ્રકારની ચળવળ થતી ત્યારે એમાં મેં ભાગ લીધો છે અને અણ્ણાને સમર્થન આપવા મુંબઈ પણ આવ્યો છું. અણ્ણાના સાંનિધ્યમાં આવવાથી મારું જીવન સફળ થઈ જશે એમ કહું તો જરા પણ ખોટું નહીં હોય. એ પછી જીવનમાં મારે બીજું કંઈ પણ જોઈતું નથી.’

ત્રણ દિવસ માટે અનશન પર બેઠેલા કૌશિક તલાટીએ પોતાને થયેલા ભ્રષ્ટાચારના કડવા અનુભવ વિશે કહ્યું હતું કે ‘મારી પત્નીને સ્કૂલમાં નોકરી આપવા સ્કૂલના ટ્રસ્ટીઓએ પૈસાની માગણી કરી હતી. અમારા માટે જીવનની એ સૌથી ખરાબ ક્ષણ હતી જેને વર્ણવવા મારી પાસે એક પણ શબ્દ નથી. હું અણ્ણાને ત્રીજી નવેમ્બરે રાળેગણ સિદ્ધિમાં મળ્યો હતો. મેં તેમને પત્ર લખ્યો હતો કે મને તમારા શિષ્ય બનીને આ જીવન સફળ બનાવવું છે. ૨૩ ડિસેમ્બરે અણ્ણા તરફથી મને જવાબ આવ્યો કે અમે ખૂબ ખુશ છીએ કે તમે અમને આ હદ સુધી સમર્થન આપો છો.’

વરલીમાં રહેતા અને ભ્રષ્ટાચારને કારણે બબ્બે દીકરીનાં ભવિષ્ય ખરાબ થવાના બોજને વેંઢારી રહેલા હરખચંદ છેડા અણ્ણાને ટેકો આપવા બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર આવ્યા છે. તેમની આંખનાં આંસુ ભ્રષ્ટાચારથી તેઓ કેટલા કંટાળ્યા છે એ બતાવતાં હતાં. ‘મિડ-ડે’ સામે ધ્રુસકે-ધ્રુસકે રડતાં ત્રણ દિવસ અનશન પર બેઠેલા ૬૩ વર્ષના હરખચંદ છેડાએ કહ્યું હતું કે ‘હું ત્રણ દિવસ અનશન પર બેઠો છું, કારણ કે ભ્રષ્ટાચારને કારણે આજે મારી જ દીકરીઓનાં ભવિષ્ય ખરાબ થઈ ગયાં છે. આપણે પોતે જીવનમાં ભ્રષ્ટાચારનો સામનો કરીએ ત્યારે જ ભ્રષ્ટાચાર શું છે એનો અર્થ સમજાય. હું વરલીમાં ટૅક્સી ચલાવું છું અને આજની મોંઘવારીની સરખામણીમાં મારી આવક ખૂબ જ ઓછી છે. મને બે દીકરીઓ છે. બન્ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. એમ છતાં તેમને એમબીએ (માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન) માટે ઍડ્મિશન લેવાનું હતું ત્યારે કૉલેજે લાખો રૂપિયાની માગણી કરી હતી, જે મારી પહોંચની ખૂબ જ બહાર હતી. એને કારણે મારી દીકરીઓએ ફીલ્ડ જ ચેન્જ કરી નાખ્યું અને આજે નાછૂટકે તેઓ તેમનું ભવિષ્ય બગાડીને તેમને ન ગમે એવા ફીલ્ડમાં ભણી રહી છે. અત્યારના યુવાનો હોશિયાર છે અને ભણવા માગે છે, પણ ભ્રષ્ટાચારને કારણે ભણી શકતા નથી. શિક્ષણક્ષેત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર આવનારી પેઢી માટે ખૂબ ગંભીર બાબત છે. મારી દીકરીઓ જેવી હાલત બીજા કોઈની દીકરીની થાય નહીં એટલે હું અનશન પર બેઠો છું અને નીંભર પ્રશાસનને જગાડવા માગું છું.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK