મુંબઈમાં સસ્તાં ઘરનું સપનું હવે સાકાર થશે

Published: 16th December, 2012 05:18 IST

ગોરેગામમાં ફિલ્મસિટી નજીક ૬૫૦૦ નવાં ઘર બનશેવરુણ સિંહ

મુંબઈ, તા. ૧૬

મુંબઈ શહેરમાં ઘર ખરીદવાનું સપનું જોતા પરંતુ એની કિંમતને કારણે ગભરાતા લોકો માટે એક સારા સમાચાર છે. ફિલ્મસિટી પાસે મ્હાડાને ૧૫થી ૧૬ એકર જમીનનો કબજો મળ્યો છે જે અત્યાર સુધી એન્ક્રોચ કરવામાં આવ્યો હતો. આ જગ્યા પર ૬૫૦૦ ઘરો બાંધવામાં આવશે. ગોરેગામ પાસે આ મહિનાની શરૂઆતમાં જ ૧૩ એકર જમીનનો કબજો મ્હાડાને મળ્યો છે. મ્હાડાના જણાવ્યા પ્રમાણે શહેરમાં આવી કુલ ૬૩ જગ્યા છે જે મ્હાડાની છે એટલે એને ફરીથી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. એને લીધે સામાન્ય માણસો માટે ૨૫,૦૦૦ ઘરનું નિર્માણ થઈ શકે એમ છે.

ફિલ્મસિટી વિસ્તારમાં મળેલી જમીન પર વ્યાજબી ભાવનાં ૬૫૦૦ ઘર તૈયાર કરવામાં આવશે. મ્હાડાનું કામ લોકોને વ્યાજબી ભાવે ઘર આપવાનું છે, પરંતુ એની પાસે પણ મુંબઈમાં જમીનનો અભાવ છે એટલે મ્હાડાએ એની એન્ક્રોચ કરવામાં આવેલી જમીનનો ફરી કબજો લેવાનું કામ શરૂ કર્યું છે.

નવા વર્ષથી ફ્લૅટનું રજિસ્ટ્રેશન મોંઘું રેડી રેકનરના દરમાં ૨૫ ટકાનો વધારો


તમે ખરીદેલો ફ્લૅટ રજિસ્ટર્ડ કરાવતી વખતે નવા વર્ષથી વધુ પૈસા આપવાની તૈયારી રાખજો, કારણ કે ગયા વર્ષની સરખામણીમાં પહેલી જાન્યુઆરીથી મોટા ભાગનાં સ્થળોના રેડી રેકનરના દરમાં ૨૫ ટકાનો વધારો સરકારે જાહેર કર્યો છે. ફ્લૅટ ખરીદનાર રજિસ્ટ્રેશન કરાવતી વખતે આ દરના આધારે પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ભરતો હોય છે. ૨૦૧૨માં ભલે વેચાણમાં ખાસ કોઈ ઉછાળો જોવા મળ્યો ન હોય; છતાં સ્ટૅમ્પ-ડ્યુટી ઑફિસે કફ પરેડ, બાંદરા, ખાર, મલબાર હિલ, નેપિયન સી રોડ અને કોલાબા જેવા વિસ્તારોમાં ૨૫ ટકા તો થાણે, અંધેરી, ગોરેગામ, મુલુંડ, બોરીવલી તથા અન્ય વિસ્તારોમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો જાહેર કર્યો છે.

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK