Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી

મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી

02 May, 2020 04:36 PM IST | Mumbai Desk
Sanjay Raval

મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી

સખત મહેનત પરિણામ લાવે છે

સખત મહેનત પરિણામ લાવે છે


નસીબ.

સામાન્ય માણસ માટે આ શબ્દ ખૂબ પૉઝિટિવ છે. સામાન્ય માણસો માટે એટલે કે ઍવરેજ લોકો માટે. જો સારું થાય તો મેં કર્યું અને ધારો કે ખરાબ થાય કે ઊંધું થાય તો ‘સાલું મારું નસીબ જ કામ નથી કરતું!’
કોઈક વાર ઓચિંતો લાભ થાય તો તરત જ મનમાં થઈ આવે, ‘બરાબરનું નસીબ લખાવીને આવ્યો છે આ માણસ.’ અને ધારો કે તમને લાભ થઈ આવે, એવો લાભ જેની તમે કલ્પના પણ ન કરી હોય તો તરત જ તમારા મનમાં થઈ આવે, ‘આજે નસીબ સાથ આપે છે.’
ઇચ્છતા ન હો તો પણ નસીબની વાત મનમાં આવ્યા વિના રહે નહીં અને ઇચ્છતા હો તો પણ નસીબ તમારો સાથ મૂકે નહીં. પ્રશ્ન એ છે કે આ નસીબ છે શું અને એ આવે છે ક્યાંથી? વારંવાર એવું સાંભળવા મળે કે ‘નસીબ સાથ આપે છે એને’ અને એવું પણ સાંભળવા મળે કે ‘નસીબને લીધે તે ક્યાંય અટવાતો નથી.’
નસીબ એટલે શું? આનો અર્થ સમજવો જરૂરી છે. પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો સમજવું જોઈએ કે નસીબ એટલે શું? જો જાતને વધારે ઊજળી કરવી હોય તો સમજવું જોઈએ કે નસીબ હોય શું?
માણસ શરૂઆત કરે કે તે કયા ઘરમાં જન્મે છે? કઈ સ્કૂલમાં ભણશે? કેવા મિત્રો તેના લઈને આવશે અને કેવા લોકોને સગા તરીકે પોતાના જીવનમાં રાખશે? બીજી પ્રવૃત્તિઓમાં કેવો દેખાવ છે અને કેટલા પૈસા કમાય છે? લગ્ન પછી જીવનસાથી કેવું મળશે અને બાળકો હશે તો એ કેવું નામ ઉજાળશે એ અને આ પ્રકારના જ્યારે પણ પ્રશ્નો આવે છે ત્યારે એકધારી નસીબ, લક, કિસ્મત જેવા શબ્દો વારંવાર સાંભળવા મળે છે.
તમે કલ્પના કરી હોય કે એક્ઝામમાં ૮પ ટકા આવશે અને એ પછી પણ માંડ ૪પ ટકા આવે. તમને થાય કે હું નાપાસ થઈશ અને તમને ૬૦ ટકા આવી જાય. તમારા મનમાં એમ હોય કે તમારું જીવનસાથી કોણ બનવાનું અને બને એવું કે સારામાં સારું પાત્ર મળી જાય. તમને થાય કે ગોવા-મુંબઈ-દિલ્હી બધું ક્યારે જોવા મળશે અને તમે અમેરિકાના પ્રવાસ પર જાઓ અને એ પણ વારંવાર જવા મળતું હોય. આનાથી ઊલટું, ઘણાની ક્ષમતા એવી હોય જેમાં તે જગતઆખું ફરી શકે અને એ પછી પણ તે અમદાવાદ કે મુંબઈની બહાર પણ ન નીકળી શકે. ક્ષમતા બિલ્ડર બનવાની હોય અને એ પછી પણ પોતાના ઘરનાં ફાંફાં હોય. પિવડાવવા માટે ચા ન હોય અને પીવા માટે ડ્રાયફ્રૂટ મિલ્ક-શેક આવી જતો હોય. આ બધું છે શું? નસીબ?
હા, આ નસીબ છે અને આ નસીબને લીધે જ સૌકોઈ પોતપોતાના જીવનને જુએ છે અને આગળ પણ એ જ ભોગવે છે. મિત્રો, સામાન્ય શબ્દોમાં નસીબ માટે સમજાવવું તમને. તમે ગઈ કાલ સુધી જેકંઈ એકત્રિત કર્યું, જમા કર્યું હોય એ અને એના વળતરસ્વરૂપે તમને જે લાભ મળે એનું નામ નસીબ અને એકત્રિત કર્યું ન હોય એવી અવસ્થામાં તકલીફ પડે એનું નામ બદ્નસીબ. બસની રાહ જોતા હો અને બીએમડબ્લ્યુમાં ભાઈબંધ આવીને લિફ્ટ આપે એ નસીબ અને બસની રાહ જોતા ઊભા હો અને બસ આવે નહીં, તમારે ૬ કિલોમીટર ચાલીને ઘરે જવું પડે એનું નામ બદ્નસીબ. મિત્રો, તમારી આસપાસ બનતી ઘટનાઓ જોઈ, તમે રોજ આશ્ચર્યચકિત બની જશો. કશું જ નક્કી નહીં છતાં તમે એને બદલી પણ નહીં શકો, પરંતુ એ નસીબ, પરિણામને સજાગતાથી-સમજણથી સ્વીકારવું એ સાચી સમજણ. એ આકસ્મિક નસીબવાળી ઘટનાઓનું આક્રમણ મન પર, દિલ પર ઓછું થાય‍ એ આપણા હાથમાં.
કોનો સાથ જીવનમાં સારો,
શૂન્ય તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ,
કિસ્મત પાછળ માત્ર હથેળી!
શૂન્ય પાલનપુરીની આ પંક્તિનો અર્થ જીવનમાં સમાવવાની આવશ્યકતા જેટલી તીવ્ર છે એટલી જ આ એક શબ્દને સહજ રીતે સ્વીકારવાની જરૂર છે. નસીબ. આ શબ્દને સ્વીકારી, સખત મહેનત કરવાની. જો જીવનનું આ રહસ્ય સમજાઈ જશે તો તમે ભયમુક્ત બની જશો. તમે આવનારા આકસ્મિક દુઃખ કે તકલીફ સામે ભાંગી નહીં પડો. આ ઘટના એ મારું જ નસીબ છે, તો દુખ શાનું, રિગ્રેટ્સ શાનાં? નસીબ ક્યારે શું કરશે એનું કંઈ જ નક્કી નથી. માટે તમામ અનિશ્ચિત ઘટનાઓ તમને નડી પણ શકે છે અને તમને એમાંથી ઉગારી પણ લે છે. ધરતીકંપ તમે જોઈ લીધો અને એ પછી પણ તમે અત્યારે હયાત છો. તમે કોરોનાને પણ અનુભવી લીધો અને એ પછી તમારો વાળ વાંકો નથી થયો. આતંકવાદ, ઍક્સિડન્ટ તમને નડ્યા નથી અને આ વાતને સહર્ષ સ્વીકારીને આગળ વધશો તો પરિણામ અણધાર્યું આવી શકે એમ છે અને તમે નવી સફળતાને પામી શકો છો, પણ જો તમે દરેક તબક્કે નસીબને આગળ ધરીને ચાલ્યા કરશો તો આ નસીબ તમને પાછળ ધકેલી દેશે. દરેક મિનિટે નસીબ નથી હોતું. નસીબની બાબતમાં હમણાં રિશી કપૂરે એક વાત સરસ રીતે કહી છે કે ‘ખૂબબધી મહેનત અને થોડું નસીબ હશે તો સફળતા તમારી પાસે સામેથી આવશે.’ આ શબ્દોને ધ્યાનથી સમજજો અને
વારંવાર વાંચજો...
ખૂબબધી મહેનત અને થોડું નસીબ.
નસીબ ક્યારેય બહુબધું હોય જ નહીં. એ થોડું જ હોય. પેલા મસાલા જેવું. ચામાં મસાલો અમસ્તો જ નાખવાનો હોય. એ ચપટીક હોય તો પણ ચાનો સ્વાદ બદલાઈ જાય અને એવું જ નસીબનું છે. જો એ જરાઅમસ્તું ઉમેરાઈ જાય તો એનાથી જિંદગીઆખીનો સ્વાદ બદલાઈ જાય. જિંદગી લાજવાબ બની જાય એટલે જિંદગીમાં સૌથી વધારે જો કોઈ આવશ્યક હોય તો એ મહેનતની છે. મહેનત પછીના બીજા ક્રમે જો કંઈ આવે તો એ છે આત્મવિશ્વાસ. બસ, બાકીની જિંદગી ખુશખુશાલ થઈ જશે.
નસીબને જોવાની રીત આપણે બદલવાની છે. જો એ રીત બદલી શક્યા તો જ જીવન જીવવાની રીત પણ બદલાશે અને સફળતાની વ્યાખ્યા પણ બદલાશે. મહેનતથી ઓછું કશું હોતું નથી અને મહેનતથી આગળ પણ કશું મળતું નથી હોતું. નસીબનો રોલ તો ચપટીકનો જ છે પણ એ મહત્ત્વનો છે એ પણ યાદ રાખજો. આ મહત્ત્વના રોલ માટે તમારે માત્ર એક જ કામ કરવાનું છે. જેકાંઈ કરો એ સારું કરતા રહો અને સારપને એકધારી વધાર્યા કરો. એ કોઈ એક તબક્કે હકારાત્મકતા બનીને તમારા જીવનમાં ઉમેરાઈ જશે અને જીવનમાં એને ઉમેરવા માટે તમારે સૌથી બેસ્ટ રીતે જીવવાનું અને બધાનું શ્રેષ્ઠ થાય એનું ધ્યાન રાખવાનું. આમાં માત્ર નસીબની જ વાત નથી, આમાં માણસાઈની વાત પણ સમાયેલી છે. માણસાઈ અને નસીબ માટે એક વાત સમજી લેવા જેવી છે. આ બન્ને સિક્કાની બે બાજુઓ છે. બહેતર છે કે સાથે રહેતાં આ બન્ને સત્ત્વોને ઓળખીને જોઈએ અને એક બાજુને વધારે મજબૂત કરવા, માણસાઈની બાજુને વધારે સજ્જડતા સાથે જોઈએ, અનુસરીએ. જીવનમાં કરેલી એક પણ ભૂલ તમને ખોટી દિશામાં વાળી દેશે. નસીબનું આ જ કામ છે અને એટલે જ નસીબ એટલે ભગવાન રામને અચાનક વનવાસ છે અને નસીબ એટલે કૃષ્ણ ભગવાને એક સામાન્ય ભીલના તીરથી જીવ છોડવો પડે છે. મહમદસાહેબને યુદ્ધ કરવું પડે અને જીઝસને ખીલા સહન કરવા પડે છે. મીરાને ઝેરનો પ્યાલો પીવો પડે છે તો મહાવીરે કાનમાં અંગારા અને ગાંધીજીએ ગોળી ખાવી પડે છે. માણસાઈ ક્યાંય તેમણે છોડી નહોતી, પણ જીવનના કોઈ એકાદ તબક્કે તેમણે ભૂલ તો કરી હતી એ પણ હકીકત છે. એ વાત જુદી છે કે કોઈ એને પુર્નજન્મ સાથે જોડે છે તો કોઈ એને આ જન્મના કર્મનું પરિણામ કહે છે. કોઈ એને કિસ્મત કહે છે તો કોઈ એને નસીબનું નામ આપે છે. કહો કંઈ પણ અને સમજો કંઈ પણ, પરંતુ આ હકીકત છે અને આ
હકીકતને સૌકોઈએ સમજવાની જરૂર છે. મારે અને તમારે પણ. માણસાઈના દીવા જેટલા વધારે પ્રકટશે એટલી તીવ્રતાથી નસીબનું પોત પ્રકાશ આપશે. બાકી બદ્નસીબી તો સાથે છે જ.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 04:36 PM IST | Mumbai Desk | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK