દાદરની દેના બૅન્કમાંથી ૨૯.૨૨ લાખ તફડાવનાર ચોર જબરો ભેજાબાજ

Published: 6th September, 2012 05:00 IST

પ્લાસ્ટિકથી ઢંકાઈને આવ્યો, સીસીટીવી કૅમેરાથી બચવા માટે ઊંધા પગલે ચાલ્યો, બૅન્કના જ બે સફાઈ-કર્મચારીની શંકાના આધારે ધરપકડ

dena-benk-dadarદાદરના રાનડે રોડની દેના બૅન્કમાંથી ૨૯.૨૨ લાખ રૂપિયાની કૅશ ચોરનાર બૅન્કની ઇંચેઇંચ જગ્યાથી વાકેફ હતો અને જે સેફમાંથી તેણે રૂપિયા ર્ચોયા હતા એની બરોબર સામે જ લાગેલા સીસીટીવી કૅમેરા અને એમાં પણ નાઇટ વિઝન હોવાની જાણકારી હોવાથી સેફમાંથી ચોરી કર્યા બાદ ઊંધા પગલે ચાલી કૅમેરાની રેન્જમાંથી બહાર નીકળી ગયો હતો. શિવાજી પાર્ક પોલીસે એ જ બૅન્કમાં સફાઈનું કામ કરતી ગીતા સુપલ અને તેના ભાણેજ રિતેશ વાઘેલાને મંગળવારે શંકાના આધારે પકડ્યાં છે. ગઈ કાલે તેમને ભોઈવાડા કોર્ટમાં હાજર કરતાં કોર્ટે‍ તેમને ૧૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.  

દેના બૅન્કમાં રવિવારે થયેલી આ ચોરી બદલ વધુ માહિતી આપતાં શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુરેશ આર. ઉનાવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે રીતે ચોરી થઈ છે એ પરથી લાગતું હતું કે કોઈ અંદરના માણસે જ આ ચોરી કરી હશે. ચોરને બૅન્કની અંદરની દરેક જગ્યાની ખબર છે. અમને જે સીસીટીવી ફુટેજ મળ્યાં છે એમાં એ ચોખ્ખું દેખાઈ આવ્યું છે કે ચોર જે રૂમમાં અલાર્મ રાખવામાં આવ્યો છે ત્યાં જઈને બહાર આવે છે અને તેણે ચોરી કરી એ વખતે અલાર્મ વાગ્યો નથી એટલે તેણે એ અલાર્મ બંધ કર્યું છે. બીજું, સેફની સામેની બાજુમાં ઉપરની સાઇડ નાઇટ વિઝન પણ લઈ શકે એવો સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યો છે. ચાલાક ચોર આ બાબતથી પણ માહિતગાર હતો. તેણે પગથી માથા સુધી પ્લાસ્ટિકની મોટી થેલી ઊંધી કરીને પહેરી લીધી હતી. જોકે તેણે કામ કરવા હાથ છૂટા જોઈશે એ વિચારીને એમાં હાથની જગ્યાએ કાણાં પાડી બે ફુલ બાંય પણ સીવી છે. સેફની સામેના કૅમેરામાં ઝડપાઈ ન જવાય એ માટે ચોર તેની બૅગમાં ૨૯.૨૨ લાખ રૂપિયાની રકમ લઈને પાછા વળતી વખતે ઊંધા પગલે ચાલ્યો હતો જેથી તેનો ફેસ કોઈ પણ રીતે સીસીટીવી કૅમેરામાં ન ઝડપાય. અમને એ બાબતની ખબર નથી પડી રહી કે સામેની બાજુથી તેણે જોવા માટે એટલો પાર્ટ ટ્રાન્સપરન્ટ રાખ્યો હતો કે એમાં માત્ર કાણાં પાડીને કામ ચલાવ્યું હતું? આમ બૅન્કની રજેરજની માહિતી માત્ર કોઈ અંદરની જ વ્યક્તિને હોઈ શકે એટલે અમે આ ચોરીનો કેસ ઉકેલવા અંદરની જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી અમારી તપાસ શરૂ કરી છે.’

ગીતા સુપલ અને તેનો ભાણેજ રિતેશ કઈ રીતે શંકાના ઘેરામાં આવ્યાં એ બાબતે જણાવતાં ઇન્સ્પેક્ટર સુરેશ ઉનાવણેએ કહ્યું હતું કે ‘આ કામમાં એવી વ્યક્તિ સંકળાયેલી હોવી જોઈએ જે બૅન્કના સેફ સુધીની બધી જ જગ્યાથી વાકેફ હોય. આ બ્રાન્ચમાં સૌથી જૂનો કર્મચારી હોય તો તે બૅન્કની સફાઈ-કર્મચારી ગીતા સુપલ છે. બાકીના બધા જ કર્મચારીઓ તેના બાદ અહીં ટ્રાન્સફર થઈને આવ્યા છે. વળી બૅન્કના દરેક ભાગની સફાઈ તે કરતી હોવાથી બૅન્કની સેફ સહિતના રૂમ્સમાં બેરોકટોક અવરજવર કરે છે. તેને બધી જ બાબતોની જાણ છે. છેલ્લા એક મહિનાથી તે તેની સાથે સફાઈ માટે તેના ભાણેજ રિતેશને લાવતી હતી. રિતેશ પણ બૅન્કમાં બધે જ સફાઈ કરે છે. બૅન્કના સેફ પાસેથી અમને એક થેલી મળી છે જે બૅન્કની નથી અને એમાં ગુજરાતી ન્યુઝપેપર મળી આવ્યું છે. અમને શંકા છે કે ચોરની એ બૅગ હોઈ શકે. વળી ગીતા અને તેનો ભાણેજ ગુજરાતી છે. આમ અત્યારે અમને શંકા છે કે આ ચોરીમાં ગીતા અને તેનો ભાણેજ સંડોવાયેલાં હોઈ શકે. એથી અમે તેમની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહ્યા છીએ. જોકે અમને તેમની પાસેથી ચોરીની રકમ મળી આવી નથી.’

મૂળ આણંદ નજીકના સોજિત્રા ગામની હરિજન જ્ઞાતિની ગીતા સુપલ અત્યારે નાલાસોપારામાં રહે છે. તેના કઝિન ભાઈએ કહ્યું હતું કે પોલીસે શંકાને આધારે તેમની ધરપકડ કરી છે અને પોલીસને તેમની પાસેથી કોઈ રકમ મળી આવી નથી.

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK