બીએમસીના ૬ વૉર્ડમાં કોરોનાના ૧૪૦૦૦ કેસ

Published: May 29, 2020, 11:01 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દાદર, ધારાવી અને માહિમને સાંકળી લેતા જી-નૉર્થ વૉર્ડમાં સૌથી વધુ ૨૭૮૨ કેસ

ધારાવીમાં કોરોનાના દરીઓનું પરિક્ષણ કરવા નીકળેલા અધિકારીઓ (તસવીર: આશિષ રાજે)
ધારાવીમાં કોરોનાના દરીઓનું પરિક્ષણ કરવા નીકળેલા અધિકારીઓ (તસવીર: આશિષ રાજે)

મુંબઈ મહાનગરપાલિકાના કુલ ૨૪ વૉર્ડમાં અત્યાર સુધી નોંધાયેલા ૩૩,૦૦૦ કેસમાંથી ૪૨.૪૨ ટકા કેસ એટલે કે ૧૪,૦૦૦ કેસ તો માત્ર ૬ જ વૉર્ડમાં મળી આવ્યા છે. એ તમામ વૉર્ડમા ૨૦૦૦ કરતાં વધુ કોરોના-કેસ મળી આવ્યા છે એમ બીએમસી દ્વારા જાહેર કરાયેલા સ્ટેટિસ્ટિક્સમાં જણાવાયું છે.

દાદર, ધારાવી અને માહિમને સાંકળી લેતા જી-નૉર્થ વૉર્ડમાં સૌથી વધારે ૨૭૮૨ કેસ નોંધાયા છે; જ્યારે એના પછી ઈ, એફ-નૉર્થ, એલ, એચ-ઈસ્ટ અને કે-વેસ્ટમાં અનુક્રમે ૨૪૩૮, ૨૩૭૭, ૨૩૨૧, ૨૦૯૪ અને ૨૦૪૯ કેસ નોંધાયા છે જે કુલ ૧૪,૦૦૭ કેસ થાય છે.

મુંબઈ દેશનું સૌથી વધુ કોરોના-પેશન્ટ ધરાવતું શહેર બન્યું છે, જેમાં બુધવાર સાંજ સુધીમાં કોરોનોના ૩૩,૮૩૫ દરદી નોંધાયા છે અને એમાંથી ૧૦૪૪ કોરોનાગ્રસ્તોનાં મોત થયાં છે.

બીએમસી દ્વારા અપાયેલી વૉર્ડ-વાઇસ માહિતીમાં કહેવાયું છે કે ૩૩,૧૨૩ કેસમાંથી ૯૦૫૪ દરદીઓ સાજા થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના ૩ વૉર્ડ એવા છે જેમાં કોરોનાના કેસ ઓછા છે, જેમાં આર-નૉર્થ (દહિસર)માં કોરોનાના સૌથી ઓછા ૩૦૯ કેસ છે. એ પછી તળમુંબઈના સી વૉર્ડમાં ૩૮૦ અને બી વૉર્ડમાં ૪૩૫ કેસ નોંધાયા છે. મુંબઈ મહાનગરપાલિના ૯ વૉર્ડ એવા છે જેમાં ૧૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા છે.

જી વૉર્ડમાં નોંધાયેલા ૨૭૨૮ કેસમાંથી ૧૬૩૯ કેસ તો માત્ર ધારાવીના જ છે. વળી અત્યાર સુધી જે ૯૦૫૪ દરદીઓને સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે એમાં જી સાઉથ વૉર્ડના સૌથી વધુ ૮૩૩ દરદી છે, જ્યારે ઈ વૉર્ડના ૮૦૩ દરદીઓ છે.

સ્ટેટિસ્ટિક્સમાં વધુમાં કહેવાયું છે કે મુંબઈમાં કોરોનાનો ગ્રોથ રેટ ૫.૧૭ ટકા છે, પણ એમાં ઘાટકોપરના એન વૉર્ડનો ગ્રોથ રેટ ૯.૬ ટકા  છે, જ્યારે એ પછી અનુક્રમે પી-નૉર્થ, એસ અને આર સેન્ટ્રલ૮.૫, ૮.૩ અને ૮.૨નો ગ્રોથ રેટ ધરાવે છે. જી-સાઉથ વૉર્ડ સૌથી ઓછો ૩.૧નો ગ્રોથ રેટ ધરાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK