પાશવી પાડોશીએ ૧૫ હજાર રૂપિયાની વસૂલી માટે 14 વર્ષની છોકરીને દેહવ્યવસાયમાં ધકેલી

Published: 29th October, 2011 21:32 IST

ભાયખલાની એક ગૃહિણીએ પાડોશમાં રહેતી ૧૪ વર્ષની ટીનેજરને ૧૫ હજાર રૂપિયાની ચોરીની શંકાને કારણે બળજબરીથી દેહવ્યવસાયના ધંધામાં ધકેલી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મુમતાઝ મુલાના ઘરમાંથી જૂન મહિનામાં રૂપિયા તથા ઘરેણાં મળી કુલ ૧૫ હજાર રૂપિયાની ચોરી થઈ હતી.

 

વિનય દળવી


મુંબઈ, તા. ૨૯


મુલાને એવી શંકા હતી કે આ ચોરી ટીનેજર અને તેની માતાએ કરી છે. આ મામલે ઉગ્ર ઝઘડો પણ બે પરિવાર વચ્ચે થયો હતો. ત્યાર બાદ ટીનેજરનો પરિવાર એ સ્થળ છોડીને પણ ચાલ્યો ગયો હતો, પરંતુ ટીનેજર પોતાના મિત્રોને મળવા જૂના ઘરે આવતાં મુલાએ તેને પોતાના ઘરે બોલાવી પીણામાં કેફી દ્રવ્ય ભેળવી દઈ બેભાન કરી હતી. ત્યાર બાદ પોતાના એક પુરુષમિત્ર સાથે બેભાન અવસ્થામાં જ તેની સાથે દેહસંબંધ બંધાવ્યો હતો. છોકરીને આ બનાવ વિશે બધાને જાણ કરી દેવાની ધમકી આપી વારંવાર બોલાવી દેહવ્યવસાયમાં ધકેલી દીધી હતી એટલું જ નહીં, એક વાર એક ગ્રાહક સાથે તેને ઊટી મોકલતાં છોકરીની માતાએ ભાયખલા પોલીસ-સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


પોલીસે બાતમીને આધારે ટીનેજરનો પત્તો નરીમાન પૉઇન્ટ પાસે મેળવ્યા બાદ તેની મદદથી આરોપી મહિલા મુલાની ધરપકડ કરી ભાયખલા પોલીસને હવાલે કરી હતી. પોલીસે મુલાને ૪ નવેમ્બર સુધી  કસ્ટડીમાં લીધી છે તેમ જ છોકરી સાથે દેહસંબંધ બાંધનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત મુલાનું કોઈ રિલેટિવ રેલવેમાં કામ ન કરતું હોવા છતાં તે કેવી રીતે ભાયખલાની સેન્ટ્રલ રેલવે કૉલોનીમાં રહે છે એની તપાસ પોલીસ કરી રહી છે. મુલા વિરુદ્ધ અપહરણ, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ તથા બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટીનેજરને ડોંગરીના ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી છે.

 

 

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK