Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડોદરાના ગોઝારા અકસ્માતમાં 11ના મોત, વડાપ્રધાને ખેદ વ્યક્ત કર્યો

વડોદરાના ગોઝારા અકસ્માતમાં 11ના મોત, વડાપ્રધાને ખેદ વ્યક્ત કર્યો

18 November, 2020 02:04 PM IST | Gujarat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વડોદરાના ગોઝારા અકસ્માતમાં 11ના મોત, વડાપ્રધાને ખેદ વ્યક્ત કર્યો

તસવીર સૌજન્યઃ એએનઆઈ

તસવીર સૌજન્યઃ એએનઆઈ


ગુજરાત માટે આજનો દિવસ બહુ જ ખરાબ રહ્યો છે. વડોદરા પાસે વાઘોડિયા હાઇવે પર આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 11 લોકોના મોત થયા હતા. જ્યારે સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમ જ આણંદમાં પણ ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મોત થયા હતા. આમ રાજ્યમાં બુધવારે ત્રણ અલગ અલગ ઘટનામાં 17 લોકોના મોત થયા છે.




વડોદરા પાસે વાઘોડિયા ચોકડી બ્રિજ પર સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતક મૂળ મહુવા તાલુકાના રાજુલા અને ભાવનગરની આસપાસના વતની છે.

છેલ્લા 20 વર્ષથી તેઓ સુરતના વરાછા અને પૂણા ગામમાં રહેતા હતા. સુરતથી તેઓ દર્શનાર્થે રાત્રે 11 વાગ્યે પાવાગઢ જવા માટે રવાના થયા હતા. પાવાગઢ દર્શન કરીને તેઓ ડાકોર જવાના હતા. જોકે, પાવાગઢ પહોચે તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત અન્ય અગ્રણી નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, વડોદરામાં અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થાયે તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર શક્ય એટલી તમામ મદદ કરી રહ્યું છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાતચીત ચાલુ છે અને દરેક સંભવ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

દેશના રાષ્ટ્રપતિ તરફથી પણ ટ્વીટ કરીને અકસ્માત અંગે દુ:ખ પ્રકટ કરવામાં આવ્યું છે. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે, વડોદરામાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અંગે જાણીને દુ:ખ થયું. હું ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તરફથી પણ દુ:ખ વ્યક્ત કરતા ટ્વીટ કરવામાં આવ્યુ હતું.

ઉપરાંત સુરેન્દ્રનગરના લખતર રોડ પર ઝાડ સાથે કાર અથડાતા ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મૃતકમાં ત્રણ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. મૃતક કુંભાર પરિવાર ભગુડા મોગલધામ મંદિરથી દર્શન કરીને પરત ફરતો હતો આ દરમિયાન કોઠારિયા ગામ પાસે ડ્રાઇવરને ઝોકું આવતા સામે આવતા વાહનની લાઇટ આંખમાં પડતા કાર સીધી ઝાડ સાથે અથડાઇ હતી. જેને કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આણંદના કુંજરાવ રોડ પર કાર ઝાડ સાથે અથડાતા બે લોકોના મોત થયા હતા. કાર ચાલક ભાલેજ ચા પીને ત્રણોલ ગામ તરફ જઇ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખંભોળજ પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2020 02:04 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK