અમદાવાદમાં ગાંધીજયંતીએ થશે ૧૦૦૦ ગાંધીજીનો વિશ્વવિક્રમ

Published: 1st October, 2012 02:49 IST

સાબરમતી આશ્રમથી ઇન્કમ-ટૅક્સ સર્કલ પાસે આવેલા બાપુના સ્ટૅચ્યુ  સુધી યોજાનારી આ અહિંસા દાંડીયાત્રામાં ભાગ લેવા માટે બાળકોનો ભારે ધસારો : ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ પણ હાજર રહેશે



અમદાવાદ: આવતી કાલે ગાંધીજીની જન્મજયંતીના દિવસે અમદાવાદમાં ૧૦૦૦ ગાંધીજીનો એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ થશે. અમદાવાદના સાબરમતી આશ્રમથી ઇન્કમ-ટૅક્સ સર્કલ પાસે આવેલા ગાંધીજીના સ્ટૅચ્યુ સુધી ૧૨થી ૨૨ વર્ષના ૧૦૦૦ કિશોરો અને યુવાનો ગાંધીજીની વેશભૂષામાં ક્રાન્તિકારી રાષ્ટ્રસંત મુનિ શ્રી તરુણસાગરજી મ.સા.ના સાંનિધ્યમાં અહિંસા દાંડીયાત્રા કરશે જેમાં કર્ણાટકના બીજેપીના ધારાસભ્ય સંજય પાટીલ પણ ગાંધીજીની વેશભૂષામાં જોડાશે અને તેમનાં પત્ની ઉષા પાટીલ કસ્તુરબાની વેશભૂષામાં નજર આવશે.

ગાંધીજી બાળકો અને યંગસ્ટર્સમાં કેટલા આદરને પાત્ર છે તેમ જ આજની યંગ જનરેશન પણ તેમને કેટલી ચાહે છે એનું પ્રમાણ એ વાત પરથી દેખાયું કે અમદાવાદમાં યોજાનારી આ અહિંસા યાત્રામાં ગાંધીજી બનવા એટલો ધસારો થયો છે કે ચાતુર્માસ સમિતિએ ઘણાં બાળકો અને પેરન્ટ્સે ના પાડવી પડી રહી છે.

મિડિયાપ્રભારી પારસ જૈન અને ક્રિષ્ના રતલામીએ કહ્યું હતું કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ભારત ખાતેના અધિકારી નિખિલ શુક્લા અમદાવાદ આવશે અને ૧૦૦૦ ગાંધીની ગણતરી કરી આ રેકૉર્ડને ચકાસીને પ્રમાણિત કરી વર્લ્ડ રેકૉર્ડ જાહેર કરી સર્ટિફિકેટ આપશે. છ મહિના પહેલાં કલકત્તામાં એકસાથે ૪૮૫ લોકો ગાંધીજીની વેશભૂષામાં નીકળ્યાં હતા અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો હતો. હવે આ રેકૉર્ડ અમદાવાદમાં બ્રેક થશે અને નવો વર્લ્ડ રેકૉર્ડ બનશે.

૧૫ બાળકો મુંડન કરાવશે

ક્રાન્તિકારી રાષ્ટ્રસંત મુનિ શ્રી તરુણસાગરજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઇવેન્ટ જ એવી છે કે લોકો ગાંધીજી બનવા ઉત્સુક છે. આ યાત્રામાં પંદરેક બાળકો માથે મુંડન કરીને ગાંધીજીની વેશભૂષામાં નીકળશે તો કેટલાક સિનિયર સિટિઝન્સ પણ ગાંધીજીની વેશભૂષા પરિધાન કરીને યાત્રામાં જોડાવાના છે. કતલખાનાંઓ અને દારૂના વિરુદ્ધમાં આ અહિંસા દાંડીયાત્રા યોજાઈ રહી છે જેમાં ૧૦૦૦ કિશોરો અને યુવાનો ગાંધીજીની વેશભૂષામાં એટલે કે ધોતી, ટોપી, લાકડી, ખેસ પહેરીને યાત્રામાં જોડાશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK