પરણેલા ઇડલીવાળાએ ફરી લવમૅરેજ કરતાં સર્જાઈ હત્યાઓની હારમાળા

Published: 6th November, 2012 05:21 IST

મલયપ્પન પેવરનાં બીજાં લગ્નને કારણે શરૂ થયેલી લડાઈમાં કાલે દાદરમાં ધોળે દિવસે તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું : આ પહેલાં તામિલનાડુમાં આ મામલે બે મર્ડર થઈ ચૂક્યાં છેતામિલનાડુની એક જોડીના પ્રેમપ્રકરણને કારણે દાદર જેવા ભીડવાળા વિસ્તારમાં એક ઇડલી વેચનારાની ગઈ કાલે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે જેની હત્યા થઈ છે તે ૩૫ વર્ષનો મલયપ્પન પેવર દાદરમાં ઇડલી સ્ટૉલ ચલાવતો હતો. તેણે પ્રેમપ્રકરણ પછી બીજાં લગ્ન કરતાં ઊભા થયેલા લોહિયાળ કૌટુંબિક વિવાદમાં અત્યાર સુધીમાં ત્રણ જણની હત્યા કરવામાં આવી છે. આ બનાવ વિશે માહિતી આપતાં દાદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જયેન્દ્ર સાવંતે કહ્યું હતું કે ‘મલયપ્પન દાદર (વેસ્ટ)માં ભવાની શંકર રોડ પર ગોપીનાથ ચવાણ ચોક પાસે

ઇડલી-ઢોસા વેચતો હતો. સવારે અગિયાર વાગ્યાની આસપાસ તે ગ્રાહક માટે ઢોસા બનાવી રહ્યો હતો ત્યારે પાંચ હથિયારધારી માણસોએ તેના પર હુમલો કરી તેની ગરદન પર ચાકુ અને તલવારના ઘા મારીને માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. મલયપ્પનની હત્યા કર્યા પછી આરોપીઓ ભાગી ગયા હતા અને હથિયારો રોડ પર છોડી દીધાં હતાં. અમે એ બધાં હથિયારો જપ્ત કરી લીધાં છે. આ હથિયારો જૂની ઢબનાં સાઉથ ઇન્ડિયન હથિયારો જેવાં છે જેનો ઉપયોગ મોટા ભાગે દક્ષિણ ભારતના ગ્રામીણ વિસ્તારમાં થાય છે.’

ઝોન પાંચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ધનંજય કુલકર્ણીએ આ ઘટના વિશે વિગતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મલયપ્પને તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લાની રમા નામની એક યુવતી સાથે બે વર્ષ પહેલાં ભાગીને લગ્ન કર્યા હતાં અને તેમને એક વર્ષનું સંતાન પણ છે. હકીકતમાં રમા એ સમયે ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષાનો અભ્યાસ કરી રહી હતી અને મલયપ્પન ત્યાં એક લગ્નપ્રસંગમાં ગયો હતો. અહીં જ બન્નેની મુલાકાત થઈ હતી. મલયપ્પન મુંબઈમાં વીસ વર્ષથી બિઝનેસ કરે છે અને સાયન કોલીવાડા વિસ્તારના રાવલી કૅમ્પમાં મ્હાડાના બિલ્ડિંગમાં રહે છે. મલયપ્પનનાં રમા સાથે બીજાં લગ્ન હતાં, કારણ કે આ પહેલાં તેનાં રાની નામની યુવતી સાથે લગ્ન થયાં હતાં. રાની તથા બે બાળકો ગામમાં રહેતાં હતાં. મલયપ્પનનાં બીજાં લગ્નને કારણે પહેલી પત્ની રાની અને બીજી પત્ની રમા એમ બન્નેના પરિવારજનો બહુ અપસેટ હતા. રમાના પરિવારજનોને તેના અને મલયપ્પનના પ્રેમપ્રકરણ વિશે ખબર પડી ત્યારે રમાના ભાઈએ મલયપ્પનના ૭૦ વર્ષના પિતાની હત્યા કરી હતી, જેને પગલે મલયપ્પને પણ ગામ જઈને તેના મિત્ર સાથે મળીને રમાના એક ભાઈનું ખૂન કરી નાખ્યું હતું. મલયપ્પન અને તેના મિત્રની આ કેસમાં તામિલનાડુ પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી, પણ તાજેતરમાં જામીન મળતાં મલયપ્પન મુંબઈ પાછો આવ્યો હતો. હાલમાં મલયપ્પનના ભાઈએ ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કરીને રમા અને રાનીના ભાઈઓ તરફથી તેના જીવ પર જોખમ હોવાની ફરિયાદ નોંધાવી હતી.’

અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જયેન્દ્ર સાવંતે ઇડલી વેચનારાની થયેલી હત્યાના કેસમાં ચાલી રહેલી તપાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અમને શંકા છે કે મલયપ્પનની હત્યા પાછળ રમાના ભાઈઓનો હાથ છે, કારણ કે તેઓ પોતાના એક ભાઈની હત્યાનો બદલો લેવા માગતા હતા. રમાને કુલ પાંચ ભાઈઓ છે. અમે રમાના ભાઈઓની શોધ ચલાવી રહ્યા છીએ અને એક ટીમ તામિલનાડુ પણ મોકલવામાં આવી છે. આ હત્યામાં રાનીના ભાઈઓનો તો કોઈ હાથ નથીને એ વાતની પણ તપાસ ચાલી રહી છે.’

મ્હાડા = મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK