Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમે તો કર્યું છે મોળાકાત અને જયાપાર્વતીનું વ્રત

અમે તો કર્યું છે મોળાકાત અને જયાપાર્વતીનું વ્રત

03 July, 2020 10:57 PM IST | Mumbai
Bhakti Desai

અમે તો કર્યું છે મોળાકાત અને જયાપાર્વતીનું વ્રત

રંતુ મોળાકાત અને જયાપાર્વતીનાં વ્રત હજીયે મુંબઈની કન્યાઓ હોંશભેર કરે છે.

રંતુ મોળાકાત અને જયાપાર્વતીનાં વ્રત હજીયે મુંબઈની કન્યાઓ હોંશભેર કરે છે.


ભારતની ઓળખ એની સંસ્કૃતિ અને પરંપરાઓથી છે. પૂર્વજોના જમાનાથી ચાલતી આવતી રૂઢિગત પરંપરાઓ આજના આધુનિક જમાનામાં પણ ચાલી રહી છે. દિવાસો, ઊભી ચોથ, બેઠી ચોથ, અખંડ અગિયારસ, સાકરિયા સોમવાર, દુધિયા સોમવાર જેવાં જૂનાં વ્રતોની પરંપરા હવે લુપ્ત થઈ રહી છે; પરંતુ મોળાકાત અને જયાપાર્વતીનાં વ્રત હજીયે મુંબઈની કન્યાઓ હોંશભેર કરે છે. આજે મોળાકાતનો ત્રીજો અને જયાપાર્વતીના વ્રતનો પહેલો દિવસ છે ત્યારે ચાલો મળીએ આવી કન્યાઓને.

વ્રતનું ત્રીજું વર્ષ હોવાથી ઉપવાસની આદત છે



મરીન લાઇન્સમાં રહેતી સ્નેહા રાંચનું જયાપાર્વતીનું ત્રીજું વર્ષ છે. એક મલ્ટિનૅશનલ કંપનીમાં સેલ્સ-મૅનેજર તરીકે કામ કરતી અંકિતા કહે છે, ‘મને ઉપવાસ કરવાની આદત છે. હું આઠમનો ઉપવાસ આ જ રીતે કરું છું. મને પરંપરાગત ચાલી રહેલું આ જયાપાર્વતી કરવું ગમે છે. પહેલાં છોકરીઓ લગ્ન પહેલાં ચાર વર્ષ આ વ્રત કરીને લગ્ન થયા પછી છેલ્લું વર્ષ સાસરે આવીને કરતી હતી પણ હવે ઘણી છોકરીઓ લગ્ન પછી આ વ્રત આદરે છે, કારણ કે આનું ઉજવણું સાસરામાં કરવાનું હોય છે. મેં પણ એવું જ કર્યું છે. દર વર્ષે જાગરણ માટે અમે થોડો સમય બહાર વિતાવતાં અને પછી ઘરે આવીને રમતો રમતાં, પણ આ વર્ષે બહાર નથી જવાનું તેથી આખું ઘર હાઉઝી, અંતાક્ષરી જેવી રમતો રમીશું.’


વ્રતનો ત્રીજો-ચોથો દિવસ ભારે હોય, પણ બહેનપણીઓ સાથે મજા આવી જાય

ચીરાબજારમાં રહેતી અને નવમા ધોરણમાં ભણતી પલક દત્તાણી કહે છે, ‘મારું મોળાકાતનું ચોથું વર્ષ છે. મારી આજુબાજુમાં ઘણી બહેનપણીઓ આ વ્રત કરે છે અને અમને સાથે જમવાની પણ મજા આવે છે. મને ત્રીજા અને ચોથા દિવસે મીઠા વગરનું ખાઈને નબળાઈ જણાય છે, પણ પાંચમો દિવસ શરૂ થાય ત્યારે રાત્રે વ્રત છોડવાનું હોય એટલે દિવસ સહેલાઈથી નીકળી જાય છે. પાંચમા દિવસે અમે ચણાના લોટની મીઠાવાળી વસ્તુ ખાઈને વ્રત છોડીએ છીએ. હું પાંચ દિવસની પૂજા સાથે જ કરી લઉં છું. અમે નસીબદાર છીએ કે અમારા બિલ્ડિંગમાં જ નીચે શિવજીનું મંદિર છે તેથી આ વર્ષે દર્શન તો અમે કરી જ શકીશું. હું ઘણી વાર આમ પણ બાર વાગ્યા સુધી જાગું છું તેથી પાંચમા દિવસે રાત્રે ઘરમાં જ થોડી રમતો રમીને સમય પસાર કરી લઈશું.’


જાગરણમાં બહાર ફરવાની મજા હતી, જે આ વર્ષે નહીં મળે

શંકરબારીમાં રહેતી તન્વી બારાઈ સાતમા ધોરણમાં ભણે છે. તે કહે છે, ‘મને મોળાકાતનું વ્રત કરવાની મજા આવે છે. અમને છેલ્લા દિવસે જાગરણમાં સાથે ફરવા જવાનું પણ બહુ ગમે છે. હા, આ વર્ષે અમે બધાં સાથે મળીને બહાર નહીં જઈ શકીએ. આ વ્રત અમારે ત્યાં ઘણાં વર્ષોથી થાય છે. મારી મમ્મીએ અને મારાં દાદીએ પણ કર્યું હતું. અમે હાથમાં મેંદી પણ લગાડીએ છીએ અને બધાં એકબીજાના ઘરે સવારે એકટાણા માટે જઈએ છીએ જેથી સાથે મળીને જમી શકીએ. મોરસની ભાજી, મોરસનાં ભજિયાં, સૂકી ભાજી, શ્રીખંડ, દહીં, રોટલી સાથે જ મોળી વેફર્સ કે ચિપ્સ ખાઈએ છીએ. મારા ઘરે અલગ-અલગ ફળો પણ હોય છે અને મને એ પણ ખૂબ ભાવે છે.’

દાદીના કારણે મારી વ્રત કરવાની ઇચ્છા પૂરી થશે

મુલુંડમાં રહેતી નિધિ યાજ્ઞિક કહે છે, ‘આ વર્ષે મારાં દાદીએ મમ્મીને ખાસ કહ્યું કે મને મોળાકાતનું વ્રત કરાવડાવે. મારી પણ તીવ્ર ઇચ્છા છે તેથી મમ્મીએ મને વ્રત કરવાની હા પાડી. આ વર્ષે એક ફાયદો એ પણ છે કે પાંચ દિવસમાંથી મારે એક પણ દિવસ સ્કૂલે નથી જવાનું. કદાચ એવું પણ બને કે ઘરે સમય પસાર કરવાનું અઘરું થઈ જશે, પણ મને ખુશી છે કે હું આ ઉપવાસ કરી શકીશ. મને જ્વારા ઉગાડીને પૂજા કરવાનું ખૂબ ગમે છે. ખાસ તો રૂ અને કંકુથી નાગલો બનાવીને પૂજા કરવાની હોય છે. હું વ્રત કરવા અને એ પછી છેલ્લા દિવસે જાગરણ કરવા ખૂબ ઉત્સુક છું.’

જન્મે જૈન હોવા છતાં મોળાકાત કરેલા, વૈષ્ણવમાં લગ્ન કરીને હવે વ્રત કરીશ

નાલાસોપારામાં રહેતી નવપરિણીતા વૈભવી કાનાબાર કહે છે, ‘મારું પિયર જૈન ધર્મ પાળે છે અને મારું સાસરું વૈષ્ણવ છે. અમારાં પ્રેમલગ્ન છે છતાં હું બહુ નાની હતી ત્યારે બધા કરતા હતા એટલે મેં પણ મોળાકાત કર્યા હતા. મારાં વૈષ્ણવ પરિવારમાં પ્રેમલગ્ન થયાં અને પાંચ મહિના થયા છે. મને જયાપાર્વતીનું વ્રત કરવા માટે મારાં જેઠાણીએ આ વર્ષે પ્રેરણા આપી છે. મારું આ પ્રથમ જ વર્ષ છે તેથી આ વ્રતના અનુભવ વિશે કંઈ પણ કહેવું અઘરું છે. મને કહેવામાં આવ્યું છે કે આ વ્રત પતિ માટે હોય છે. હું પણ વ્યાવસાયિક છું, પણ કોવિડ-19ને કારણે ઑફિસનું કામ ઘરેથી કરવાનું છે તેથી ઘરે રહેવાને કારણે મારી ઊર્જા વેડફાશે નહીં અને સાવ થાકી નહીં જવાય એવું મને લાગે છે. હું વ્રત કરવા ઉત્સુક છું. મારો સંયુક્ત પરિવાર છે તેથી ઘરના દરેક સભ્ય મળીને જાગરણની રાત્રે ફિલ્મ જોઈશું અને રમીશું.’

આ વર્ષે જાગરણમાં બહાર જવા નહીં મળે એટલે હાઉઝી રમીશું

શંકરબારી લેનમાં રહેતી વિધિ બારાઈ આઠમા ધોરણમાં ભણે છે. તે કહે છે, ‘મને આ વ્રત કરવાની મજા આવે છે, પણ વ્રતના ત્રીજા દિવસે મને થોડીક નબળાઈ લાગે છે અને ભૂખ વધારે લાગતી હોય એવું લાગે છે. હું સવારે જ રોટલી સાથે શ્રીખંડ અથવા મોરસની ભાજી ખાઈને એકટાણું કરી લઉં છું. મને મોરસનાં ભજિયાં પણ ભાવે છે. મને કેસર કેરી ભાવે છે એટલે એ પણ ખાઈ લઉં છું. મોળાકાતમાં રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે. દર વર્ષે અમે ચોપાટી જઈએ, જ્યુસ પીએ, આઇસક્રીમ ખાઈએ અને પાછા આવીએ ત્યાં બાર વાગી ગયા હોય. પણ આ વર્ષે બહાર જવા નહીં મળે એટલે મેં હાઉઝીની રમત બનાવી છે. મને ડાન્સનો શોખ છે તો હું થોડી વાર ગીતો વગાડીને ડાન્સ કરીશ.’

ઉપવાસ મન પર નિયંત્રણ કેળવવા માટે કરવા જોઈએ

મહાવીર નગર, કાંદિવલીમાં રહેતી અવિકા કચ્છી પાંચમા ધોરણમાં ભણે છે. પોતાનો અનુભવ વર્ણવતાં તે કહે છે, ‘આ મારું મોળાકાતનું ચોથું વર્ષ છે. મારા પહેલા વર્ષમાં મમ્મીએ મારાથી પાંચ દિવસ ઉપવાસ થાય છે કે નહીં એ જોવા માટે વ્રત કરાવ્યું હતું અને મેં એ સફળતાપૂર્વક પૂરું કર્યું. પહેલાં મને ક્યારેક વ્રત દરમ્યાન મીઠાવાળું ખાવાનું મન થતું ત્યારે મમ્મીએ સમજાવ્યું કે આપણું મન શરીરને નિયંત્રિત કરે છે અને તેથી આ ઉપવાસ મન પર નિયંત્રણ કેળવવા પણ કરવા જોઈએ જેથી મન શરીરને યોગ્ય રીતે ચલાવી શકે. હવે મારે જે ન ખાવાનું હોય એની પર હું ધ્યાન નથી આપતી અને પાંચ દિવસ ક્યાં નીકળી જાય છે એની ખબર નથી પડતી.’

આજની યુવાન અને આધુનિક વિચારધારા ધરાવતી છોકરીઓ પણ સદીઓથી ચાલી આવતાં અલૂણા વ્રત એ જ રીતે કરી રહી છે જેમ તેમના વડીલોએ કર્યાં હતાં

આ બન્ને વ્રતોમાં શું થાય?

અષાઢ સુદ તેરસથી એટલે કે આજથી છોકરીઓ અથવા પરિણીત યુવતીઓ જયાપાર્વતીનું વ્રત શરૂ કરે છે. આમાં શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે. મોળાકાતના વ્રતનો આરંભ અષાઢ સુદ અગિયારસથી થાય છે. આને ગૌરી વ્રત પણ કહેવાય છે. બન્ને વ્રતમાં પાંચ દિવસનાં અલૂણાં ઉપવાસ કરવાના હોય છે. મોળાકાત માટે અષાઢ સુદ પાંચમના દિવસે માટીના કૂંડામાં સાત ધાન નાખી જ્વારા વાવવાના હોય છે અને અગિયારસ સુધીમાં એ બે વેંત જેટલા વધી જાય છે. કુંવારિકા એની પાંચ દિવસ પૂજા કરે છે. મોળાકાતમાં વ્રત કરનાર કુંવારિકાઓ પાંચમા દિવસે મધ્યરાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરે છે, જ્યારે જયાપાર્વતીમાં આખી રાતનું જાગરણ હોય છે. આમ પાંચ, સાત, નવ કે અગિયાર વર્ષ સુધી વ્રત કરી છેલ્લે વર્ષે એનું ઉજવણું કરવામાં આવે છે.
આપણી વારસાગત પરંપરાઓ હોય કે પછી ધાર્મિક વિધિવિધાન, આની અંદર એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે. આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુમાં પાચનશક્તિ મંદ હોય છે તેથી ચાતુર્માસ, શ્રાવણ મહિનાના ઉપવાસ, પર્યુષણ, નવરાત્રિ, મોળાકાત અને જયાપાર્વતી જેવાં દરેક વ્રત આ જ ઋતુમાં કરવાનાં હોય છે. પ્રકૃતિ આ સમયમાં એટલાં વિવિધ ફળો આપે છે કે જાણે આપણને આહારમાં ફળો જ લેવાનો સંકેત આપતી હોય. આ ઋતુમાં અનાજ ઓછું અને ફળ વધારે ખાવાં જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2020 10:57 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK