બીજલ ગડાને મેકઅપ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષો થઈ ગયા છે અને હવે તેમને આ ઇન્ડસ્ટ્રીમાં ભારતના ટ્રાન્સફોર્મેશન ગુરુ તરીકે પણ ઓળખાય છે. (તસવીરમાં બીજલ ગડા)
બીજલ ગડાને મેકઅપ આર્ટિસ્ટ બનાવવા પાછળ તેમની મમ્મીનો ખૂબ જ મોટો ફાળો છે. બીજલ ગડાનાં મમ્મીનું નામ પુષ્પા નાગડા છે. તેમણે બીજલને ફોર્સ કરીને પાર્લરનો બૅઝિક કૉર્સ કરાવ્યો. (તસવીરમાં બીજલ ગડા પોતાના મમ્મી પુષ્પા નાગડા સાથે)
બીજલ ગડાનાં મમ્મીએ પોતાના જીવનમાં વેઠેલી મુશ્કેલી દીકરીને ન આવે તે માટે બાળપણથી જ તેને પગભર બનાવવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપી. આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોવાથી બીજલ નાની હતી ત્યારે જ તેની મમ્મી વધારે ભણેલા ન હોવાથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતાં હતા. અને કદાચ આ જ કારણસર તેમણે દીકરી બીજલને પણ આ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો. આજે તેમને આ ફિલ્ડમાં 25 જેટલાં વર્ષ થઈ ગયા. (તસવીરમાં બીજલ ગડા પોતાના મમ્મી પુષ્પા નાગડા સાથે (આજથ લગભગ 10-12 વર્ષ પહેલાની તસવીર)
બીજલ ગડા જણાવે છે કે પોતાને શરૂઆતમાં મેકઅપ કરવામાં સહેજ પણ રસ નહોતો. માત્ર મમ્મીના કહેવાથી બીજલ જબરજસ્તી તે કોર્સ પૂરો કરવા માટે પોતાના મેકઅપ ગુરુ પાસે જતી પણ ત્યાંય દિલ દઈને તેમણે કામ કર્યું નહોતું પણ જ્યારે તેઓ પોતાના મેકઅપ ગુરુ સાથે ઑર્ડર પર જતાં ત્યારે લગ્નનું વાતાવરણ તેમને આકર્ષિત કરતું. (તસવીરમાં પતિ અને પુત્ર સાથે બીજલ ગડા)
બીજલ ગડાએ ખૂબ જ મોટા સપના સેવ્યા હતાં, તેમને આગળ ભણવું હતું, અને તેમણે એમબીએ પણ કરેલું છે. પણ જ્યારે પોતે જૉબ કરવાનો સમય આવ્યો ત્યારે 2 મહિના મુશ્કેલથી એ જૉબ કરી શક્યા અને તેમને ખ્યાલ આવ્યો કે તેઓ કૉમ્પ્યુટર સામે બેસી રહેવા માટે નથી બન્યાં. તેમને જે આનંદ મેકઅપ કરવામાં મળે છે તે આનંદ તેમને આ નોકરીમાં નથી મળતો. અને તેમણે નોકરી છોડી દીધી. ત્યાર પછી તેમણે પહેલી વાર બ્રાઇડને તૈયાર કરી. (તસવીરમાં બીજલે તૈયાર કરેલી પહેલી દુલ્હન.)
ધીમે ધીમે બીજલે પોતાની ભણતરનો યોગ્ય ઉપયોગ કર્યો અને પોતે કરેલી કમાણીને ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું. આમ કરતાં બીજલે પોતાના જ્ઞાનમાં સતત વધારો કર્યો આજે તેમની પાસે 16 જેટલી ઇન્ટરનેશનલ ડિગ્રી છે. તેમણે અનેક વર્કશૉપમાં ભાગ લીધો. દરમિયાન બીજલના લગ્ન થયા અને તેમના સાસરે પણ ક્યારેય તેમને કામ બાબતે રોકટોક કરવામાં આવી નથી. સતત તેમને પતિ અને પરિવાર તેમજ સાસુનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. બીજલ ગડા સાસુ વિશે જણાવે છે કે પોતે ફિઝિકલી ચેલેન્જ્ડ હોવા છતાં તેમણે ક્યારેય બીજલ પર ઘરની જવાબદારીનો બોજ નાખ્યો નથી, સતત બીજલને સપોર્ટ કર્યો છે તેને કામમાં આગળ વધવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપી છે.
સતત પોતાને મેકઅપ ફિલ્ડમાં અપડેટેડ રાખવા તત્પર બીજલ આજે પણ પોતાની બ્રાઇડને આકર્ષક ઓપ આપવામાં સફળ રહે છે. (તસવીરમાં તેમની તાજેતરમાં તૈયાર કરેલી દુલ્હન.)
બીજલ ગડા અનેક લોકોને મેકઅપ કરી આપતાં, આ જોઇને તેમની નજીક રહેતા એક કેન્સર પેશન્ટે બીજલને પોતાનું મેકઅપ કરી આપવા માટે રિક્વેસ્ટ કરી. પહેલા તો બીજલે આ વાત મજાકમાં લીધી પણ પછી બીજલે તેમને મેકઅપ કરી આપ્યું, આ મેકઅપ કરતી વખતે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો જેમ કે આઇબ્રૉ ન હોવાથી તે બનાવવા અને એવા જ ઘણાં બધાં પણ જ્યારે બીજલે તેમને તૈયાર કરી લીધાં, ત્યાર બાદ તેમની આંખમાં આવેલા હર્ષના આંસુ જોયા પછી બીજલના આનંદનો જાણે પાર ન રહ્યો. (તસવીરમાં જે કેન્સર પેશન્ટનું બીજલે મેકઅપ કર્યું તેમની તસવીરો)
આ જ રીતે બીજલને એક એસિડ અટેક સર્વાઇવરે પણ પોતાને મેકઅપ કરી આપવાની રિક્વેસ્ટ કરી. પહેલી વાર તો બીજલ સહેજ અચકાયા, કારણ તેમનો ચહેરો અને તેમની ત્વચા માટે મનમાં સહેજ ડર હતો, પણ અહીં ફરી તેમને પોતાની મમ્મી પાસેથી પ્રેરણા મળી અને તેમણે કેન્સર પેશન્ટ બાદ સૌથી પહેલી વાર એસિડ અટેક સર્વાઇવરના ચહેરા પર મેકઅપ કરી આપ્યું. આ ટ્રાન્સફોર્મેશનને બીજલ પોતાના જીવનનું ખરું ટ્રાન્સફોર્મેશન ગણાવે છે. (તસવીરમાં એસિડ અટેક સર્વાઇવર નોમેકઅપ લૂક અને ટ્રાન્સફોર્મ્ડ લૂક)
એક પછી એક અનેક એસિડ અટેક સર્વાઇવરના મેકઅપ બીજલ ગડાએ કર્યા. ધીમે ધીમે એનજીઓ સાથે પણ ટાય-અપ કરીને આ પ્રકારની મહિલાઓને મેકઅપ કરી આપવાનું બીડું હાથ ધર્યું. (તસવીરમાં એસિડ અટેક સર્વાઇવર નોમેકઅપ લૂક અને ટ્રાન્સફોર્મ્ડ લૂક)
એટલું જ નહીં બીજલ ગડાએ આ સ્ત્રીઓને સુંદર તો બનાવી જ સાથે તેમને બેઝિક ટિપ્સ આપી કે સામાન્ય દિવસોમાં પણ તેઓ કેવી રીતે બૅઝિક મેકઅપ કરી શકે છે. હાલ તેમાંની કેટલીક મહિલાઓ પોતે સ્વતંત્ર રીતે મેકઅપના ઑર્ડર લે છે અને આત્મનિર્ભર બની છે.
આમ કરતાં તેમણે પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કર્યું. બીજલ ગડા છેલ્લા 6 વર્ષથી પોતે મેકઅપ કરે પણ છે અને શીખવે પણ છે. હાલ કોવિડ-19ની મહામારી જે લોકોની અનેક તકલીફોનું કારણ બની છે ત્યારે આ મુશ્કેલીના સમયમાં પણ તકલીફને કેવી રીતે તકમાં પરિણમવી તે બીજલ પાસેથી શીખવા જેવું છે બીજલે આ મહામારીના સમયે ઓનલાઇન ક્લાસિસ શરૂ કર્યા અને હાલ માત્ર ભારતમાં જ નહીં પણ તેમની પાસે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ તાલીમ મેળવે છે.
હાલ તેમની પાસેથી હજારો વિદ્યાર્થિનીઓએ મેકઅપનો કૉર્સ કર્યો છે. અને તેમાંથી ઘણાં લોકો તેમની સાથે જોડાયા પણ છે. બીજલ ગડા સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. તેમના સોશિયલ મીડિયા પર બીજલ ગડા મેકોવર્સ નામે જ અકાઉન્ટ્સ છે. બીજલ ગડાને મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઘણાં એવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. (તસવીરમાં બીજલે તૈયાર કરેલી દુલ્હન)
બીજલે 2007માં મેકઅપ ફિલ્ડમાં પોતાની મમ્મીની આસિસ્ટન્ટ તરીકે શરૂઆત કરી. 2011માં જૉબ શરૂ કરી અને પડતી મૂકી. બીજલે સૌથી પહેલી શરૂઆત 2014માં પોતાના એક નાનકડા સ્ટુડિયોથી કરી હતી. ત્યાર બાદ તેને સારો રિસ્પોન્સ મળતાં 2017માં તેમણે પોતાનો બીજો સ્ટુડિયો શરૂ કર્યો. અને તાજેતરમાં જ એટલે 2020માં બીજલે પોતાનું ગ્રાન્ડ બ્યૂટિ સલૂનનું ઇનોગ્રેશન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં મનોજ કોટક, અને તેમની સાથે તેમની પાસેથી મેકઅપ કરાવી ચૂકેલી કેન્સર પેશન્ટ તેમજ એસિડ અટેક સર્વાઇવર્સને પણ આમંત્રિત કરી હતી. (ગ્રાન્ડ બ્યૂટિ સ્કૂલની ઓપનિંગ દરમિયાનની તસવીર)
બીજલ જણાવે છે મારા ભાભી અને મારા મમ્મી જો મારા જીવનમાં ન હોત તો કદાચ આ બધું શક્ય ન થઈ શક્યું હોત. બીજલનું હાલનું દરેક કામકાજ તેમના ભાભી, ભાઈ, તે પોતે, તેમના મમ્મી અને તેમના બિઝનેસ પાર્ટનર સાથે મળીને સંભાળે છે. આ બધું છતાં બીજલ માને છે કે જો તેમના પતિ, દીકરા અને સાસુનો સપોર્ટ ન હોત તો કદાચ તેમની આ યશકિર્તી માત્ર લગ્ન પહેલા સુધી જ સીમિત રહી ગઈ હોત.(તસવીરમાં બીજલ ગડા, પોતાની મમ્મી પુષ્પા નાગડા અને ઉર્વશી સાથે.)
બીજલ ગડા પોતે 12મા ધોરણની પરીક્ષા આપ્યા પછી મમ્મીના ફોર્સને કારણે મેકઅપ આર્ટિસ્ટની ફિલ્ડમાં જોડાયા છતાં મનથી તો પોતે વધારે ભણવા અને કૉર્પોરેટમાં જૉબ કરવા માટે જ બન્યા છે એવું ધારતાં હતાં. પણ 2 મહિના કૉર્પોરેટમાં જૉબ કર્યા પછી એ નોકરી છોડીને ફરી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા અને આજે તેમને ભારતના ટ્રાન્સફોર્મેશન ગુરુ તરીકે એક આગવી ઓળખ મેળવી છે. બીજલ ગડા આ વિશે જણાવતાં કહે છે કે આ શક્ય બન્યું છે મારા પરિવારના સભ્યોને કારણે. જાણો તેમના વિશે વધુ...